બોલિવૂડ એક્ટર Sharad Kapoor પર જાતીય સતામણીનો આરોપ, પોલીસ ફરિયાદ દાખલ

મુંબઈ: શાહરૂખ ખાનની ફિલ્મ જોશથી ચર્ચામાં આવેલા બોલિવૂડ એક્ટર શરદ કપૂર(Sharad Kapoor)પર જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં 32 વર્ષની એક મહિલાએ અભિનેતા શરદ કપૂર પર આરોપ લગાવ્યો છે. આ અંગે ખાર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. પીડિત મહિલાની ફરિયાદ મળ્યા બાદ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. હાલમાં અભિનેતાએ આ સમગ્ર મામલે કોઈ નિવેદન આપ્યું નથી
32 વર્ષની એક મહિલાએ શરદ કપૂર પર જાતીય સતામણીનો આરોપ લગાવતા કહ્યું કે, શરદે તેને પ્રોફેશનલ કામ માટે ઘરે બોલાવી હતી. તેની બાદ તેણે તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: નાના પાટેકરે સિંગરને પોતાની સ્ટાઈલમાં ઠપકારીઃ ચેનલે પબ્લિસિટી કરી
શરદ કપૂર સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી હતી
મીડિયા અહેવાલ મુજબ, મહિલાએ શરદ કપૂર સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી હતી. આ પછી બંનેએ વીડિયો કોલ પર વાત કરી હતી. શરદે મહિલાને કહ્યું કે તે તેની સાથે શૂટિંગ અંગે વાત કરવા માંગે છે. આ માટે તેને ખારમાં તેની ઓફિસ પર બોલાવવામાં આવી હતી. પરંતુ લોકેશન પર પહોંચ્યા બાદ મહિલાને ખબર પડી કે તે શરદની ઓફિસ નહીં પરંતુ તેનું ઘર છે.
શરદે સાંજે તેને અભદ્ર મેસેજ મોકલ્યા હતા
પીડિતાએ આપેલી માહિતી મુજબ જ્યારે તે અભિનેતા શરદના ઘરે પહોંચી તો તેને ત્રીજા માળે બોલાવવામાં આવી અને એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો. આ પછી શરદે તેને અંદરથી બોલાવીને બેડરૂમમાં બોલાવી. મહિલાએ જણાવ્યું હતું કે શરદે સાંજે તેને અભદ્ર મેસેજ મોકલ્યા હતા. પીડિતાએ તેના નજીકના મિત્રને સમગ્ર ઘટનાની જાણ કરી અને ત્યારબાદ ખાર પોલીસ સ્ટેશનમાં અભિનેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.



