શોકિંગ! BigBoss જીતનારા સેલિબ્રિટીના આવા દિવસો? ચીંથરેહાલ સ્થિતિમાં મુંબઇના રસ્તા પર ભીખ માંગતો જોવા મળ્યો

ફાટેલા કપડા, આખા શરીરે ગુમડાં આવી હાલતમાં બિગબોસ(BigBoss)નો વિજેતા મુંબઇની શેરીઓમાં રખડતો, ભીખ માંગતો જોવા મળ્યો. ના, અમે બિગબોસ-17ના વિજેતા મુનાવર ફારૂકીની વાત નથી કરી રહ્યા. અમે બિગબોસ મરાઠીની સેકન્ડ સિઝનમાં વિજેતા બનેલા શિવ ઠાકરે (Shiv Thakre)ની વાત કરી રહ્યા છીએ. હાલમાં તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ મુંબઇની ગલીઓમાં ભટકી રહ્યા છે અને લોકોને ભીખ આપવા વિનંતી કરી રહ્યા છે. જો કે આ આખી ઘટના એક Prank હતી, એટલે કે મજાકમશ્કરીમાં શિવ ઠાકરેએ પોતે જ પ્રોસ્થેટિક મેકઅપની મદદ લઇ આખો વીડિયો ક્રિએટ કરાવડાવ્યો હતો.
ખુદ શિવ ઠાકરેએ પોતે તેના ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો હતો. તેના આ પ્રેન્કમાં સૌથી વધુ જો કોઇએ મદદ કરી હોય તો તે છે પ્રોસ્થેટિક મેકઅપ કરનારા આર્ટિસ્ટ. શિવનો આખેઆખો લુક જ જાણે બદલાઇ ગયો હતો. શિવનો ચહેરો એવો બની ગયો કે જાણે ખરેખર તે કોઇ ચામડીની બિમારીનો શિકાર બની ગયો હોય.
વીડિયોમાં તે એક પછી એક લોકો પાસે જાય છે અને ભીખ માંગવા હાથ લંબાવે છે. લોકો તો તેને જોઇને જ ડઘાઇ જાય છે. આમ, પોતાના વીડિયોમાં રસ્તા વચ્ચે અનેક લોકોને શિવે ડરાવ્યા હતા. એક રિક્ષામાં બેઠેલી મહિલા તો તેને જોઇને એટલી હદે ડરી ગઇ કે તે બૂમો જ પાડવા લાગી!
તમને જણાવી દઇએ કે શિવ ઠાકરે સૌથી પહેલા ‘રોડિઝ’ રિયાલીટી શોને પગલે જાણીતો બન્યો હતો. રણવિજયથી લઇને કરણ કુંદ્રા સુધી તેના વખાણ કરતા જોવા મળ્યા હતા. એ પછી મરાઠી બિગબોસ જ્યારે આવ્યું ત્યારે તેની બીજી સિઝનમાં તેણે ભાગ લીધો હતો અને જીત્યો પણ હતો. તે હિંદી બિગબોસની 16મી સિઝનમાં પણ દેખાયો હતો.