નેશનલ

‘બદલી માટે ભલામણ ન કરો’: મધ્ય પ્રદેશના પ્રધાનોના બંગલે લાગ્યા બોર્ડ, કોંગ્રેસના પ્રહાર!

ભોપાલ: સમાજમાં સરકારી નોકરી મેળવવાની એક ઘેલછા છે. સરકારી નોકરી મળ્યા બાદ નોકરી વતનમાં મળે તે માટે બદલી માટે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓથી લઈને ધારાસભ્ય, સાંસદ અને કેબિનેટ કક્ષાના પ્રધાનો અને અંતે તો બદલીની ભલામણ છેક મુખ્ય પ્રધાનને કરતા હોય છે. પરતું આ દરમિયાન મધ્ય પ્રદેશના અનેક પ્રધાનો બદલીની ભલામણોથી પરેશાન છે અને એટલી હદ સુધી પરેશાન છે કે ઘરની બહાર બોર્ડ લગાવવો પડ્યો કે ‘બદલી માટે અહી સંપર્ક ન કરવો’.

‘બદલી માટે સંપર્ક ન કરો…’

મધ્ય પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન અને સ્વાસ્થ્ય પ્રધાન રાજેન્દ્ર શુક્લ, મહેસૂલ પ્રધાન કરણ સિંહ વર્મા, ઉચ્ચ શિક્ષણ પ્રધાન ઇન્દર સિંહ પરમાર સહિત અનેક કેબિનેટ પ્રધાનોના બંગલા પર ‘બદલી માટે સંપર્ક ન કરો…’ જેવા પ્રિન્ટઆઉટ્સ લગાવી દેવામાં આવ્યા છે. પ્રધાનો બદલી માટે આવતા કર્મચારીઓને મળવા જ નથી માંગતા. હકીકતમાં બદલી માટેની આખી પ્રક્રિયા ઓનલાઈન છે, પરંતુ સરકારી કર્મચારીઓને એવું લાગે છે કે, ઓફલાઈન પ્રધાનો સાથે મુલાકાત કર્યા વગર તેમનું કામ નહીં બને. આ જ કારણ છે કે, કર્મચારીઓ ઓનલાઈન અરજી કર્યા બાદ પણ તેની નકલ લઈને પ્રધાનોના બંગલાના ચક્કર લગાવી રહ્યા છે.

આ પણ વાંચો: મધ્ય પ્રદેશમાં થયો અજીબ કાંડ! સરપંચે 20 લાખ રૂપિયામાં પંચાયતને જ ગીરવે મુકી દીધી…

બદલી માટે 1 મેથી 30 મે સુધીનો સમય

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બદલી માટે 1 મેથી 30 મે સુધીનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. 3 વર્ષ બાદ બદલી પરથી છૂટ મળતા બદલી માટેની અરજીઓની સંખ્યા પણ નિર્ધારિત સીમાથી વધુ પહોંચી ગઈ છે. ટ્રાન્સફરની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન હોવા છતાં, લોકોને લાગે છે કે, ઓફલાઈન મંજૂરી મળ્યા વગર વાત નહીં બને. આ જ કારણે અરજદારો ઓનલાઈન અરજી જમા કર્યા બાદ તેમની નકલ લઈને મંત્રીઓના બંગલાના ચક્કર લગાવી રહ્યા છે, જ્યારે સરકાર ઓનલાઈન પ્રક્રિયા પર જ ધ્યાન આપવાનો આગ્રહ કરી રહી છે.

પ્રધાનોની ચાલતી નથી: કોંગ્રેસ

મધ્ય પ્રદેશના પ્રધાનોના બંગલા બહાર આવેલી આ તસવીરો પર રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષ હવે આ મુદ્દે સરકારને ઘેરી રહ્યું છે. વિરોધ પક્ષના નેતા ઉમંગ સિંઘારે કટાક્ષ કરતા કહ્યું કે, “આના પરથી સ્પષ્ટ છે કે, મંત્રીગણ કંઈ કરી નથી રહ્યા. બધી બદલીઓ મંત્રાલયના પાંચમાં માળેથી થઈ રહી છે. કોઈ પ્રધાનોને પૂછી નથી રહ્યું… તેમની ચાલતી નથી.” બીજી તરફ, ભાજપના પ્રવક્તાનું કહેવું છે કે, “ટ્રાન્સફર પ્રક્રિયા પારદર્શી અને ઓનલાઈન છે. આવા સમયે ઓફલાઈન અરજીઓનું કોઈ મહત્વ જ નથી, જે ઓનલાઈન અરજી કરશે તે જ માન્ય રહેશે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button