આ સિતારાઓને ફિલ્મજગતમાં લાવવાનો યશ જાય છે દેવ આનંદને
આજે એવરગ્રીન દેવ આનંદનો 100મો જન્મદિવસ છે. અભિનેતા અને નિર્દેશક તરીકેની તેમની દસકાઓ લાંબી કારકિર્દીમાં તેમણે ઘણી ઉત્કૃષ્ટ કક્ષાની ફિલ્મો તો ફિલ્મજગતને આપી જ છે, પણ સાથે જ સિતારા પણ આપ્યા છે. જેમાં ઝિન્નત અમાન, ટીના મુનીબ, તબ્બુ જેવી સફળ અભિનેત્રીઓના નામ પણ સામેલ છે.
ફિલ્મ હરે રામ હરે ક્રિષ્ણામાં શોર્ટ્ સ્કર્ટમાં હિપી કલ્ચરમાં જીવતી અને દમ મારતી ઝિન્નત યાદ છે ને. સુપરહીટ ફિલ્મમાં બ્રેક મળ્યા બાદ ઝિનન્તની કરયર ઘણી લાંબી અને સફળ રહી. ઝિન્નત અમાનને પહેલો બ્રેક આપનારા દેવ આનંદ. તે બાદ પણ તેમણે ઘણી ફિલ્મોમાં ઝિન્નત સાથે કામ કર્યું. દેવ આનંદ અને ઝિન્નતના સંબંધોની પણ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા થતી હતી.
બીજું નામ આ યાદીમાં આવે અંબાણી પરિવારની નાની વહુ એટલે કે ટીના મુનીમનું. દેવ આનંદ જ્યારે 55 વર્ષના હતા ત્યારે લગભગ 20-21 વર્ષની ટીના મુનીમના હીરો તરીકે તેમણે દેશ-પરદેશ ફિલ્મમાં કામ કર્યું હતું. રૂપેરી પડદે ટીના મુનીમને લાવનારા દેવ આનંદ જ. આ ફિલ્મે ઘણી સારી કમાણી કરી હતી.
ત્રીજુ નામ છે તબ્બુ. 90ના દાયકામાં આવેલી દેવ આનંદ દ્વારા નિર્દેશિત હમ નવજવાં ફિલ્મમાં તબ્બુએ ડેબ્યુ કર્યું હતું. જોકે આ ફિલ્મ કંઈ ખાસ ચાલી નહીં આથી તબ્બુની નોંધ લેવાઈ ન હતી, પણ પહેલો બ્રેક તો આ ફિલ્મથી જ મળ્યો હતો. આ ફિલ્મમાં સંજય દત્તની પહેલી પત્ની રીચા શર્માને પણ બ્રેક મળ્યો હતો.
આ ત્રણ અભિનેત્રી ઉપરાંત ઈશ્ક,ઈશ્ક,ઈશ્કમાં ઝરીના વહાબને પહેલો બ્રેક આપનારા દેવઆનંદ. જ્યારે પ્રેમ પૂજારીમાં શત્રુધ્નસિન્હાને પણ નાનકડો રોલ મળ્યો હતો અને તે તેમની પહેલી ફિલ્મ હોવાનું માનવામાં આવે છે. સિન્હાએ પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મને નાનો રોલ આપતા સમયે દેવઆનંદે આગળ ક્યારેક મોટો રોલ આપવાની વાત કરી હતી અને તે બાદ અમે ગેમ્બલરમાં સાથે કામ કર્યું હતું.
આ સિવાય સંગીતકાર રાજેશ રોશનને પણ બ્રેક આપનારા દેવઆનંદ હતા. તો દેવ આનંદ જે બેનર હેઠળ ફિલ્મો બનાવતા તે નવકેતન ફિલ્મસે ગુરુ દત્તથી માંડી વહીદા રહેમાન, રાજ ખોસલા, એસ ડી બર્મન, સાહિર લુધ્યાનવી, જયદેવ, મજરૂહ સુલતાન પુરી, શેખર કપૂર અને કબીર બેદી જેવી ફિલ્મીહસ્તીઓને પણ બ્રેક આપ્યો છે.
તમે કલાકાર તરીકે મોટા થાઓ તે મહત્વનું જ, પણ તેના કરતા પણ તમે બીજાની પ્રતિભાને પારખી, તેમને પણ આગળ આવવાની તક આપો ત્યારે તમે એક ઉમદા માણસ પણ ખરા જ. એવરગ્રીન દેવઆનંદે આ કર્યું. આજે તેમના જન્મદિવસે ઝિન્નત અમાન, ઝરીના વહાબ સહિત તમામ કલાકારોને તેમને યાદ કર્યા હતા અને સોશિયલ મીડિયામાં પોતાની યાદો શેર કરી હતી.