ચૂંટણી પહેલા જ બિહારમાં NDAને ઝટકો: ભોજપુરી ‘ડાન્સિંગ ક્વીન’નું ધારાસભ્ય બનવાનું સપનું રોળાયું…

પટણા: બિહારમાં ચૂંટણી પહેલા જ એનડીને એક બેઠકનું નુકસાન થયું છે. છપરા જિલ્લાબ મઢૌરા વિધાનસભા ક્ષેત્રથી લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર સીમા સિંહના ઉમેદવારી પત્રકને રદ્દ કરી દેવામાં આવ્યું છે. વિગતો અનુસાર, ઉમેદવારી પત્રની ચકાસણી દરમિયાન દસ્તાવેજોમાં ખામીઓ સામે આવી હતી, જેના કારણે ચૂંટણી અધિકારીએ તેનું ઉમેદવારી પત્રક રદ્દ કરી દીધું હતું. એનડીએના સાથી ચિરાગ પાસવાનની પાર્ટી લોજપાએ મઢોરા બેઠક પરથી સીમા સિંહને ઉમેદવાર જાહેર કર્યા હતા. પરંતુ રાજકારણમાં પાપાપગલી પાડનાર સીમા સિંહની શરૂઆતમાં જ વિકેટ પડી ગઈ છે.
કોણ છે સીમા સિંહ?
અત્રે ઉલ્લેખનીય છે કે સીમા સિંહ ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડાન્સિંગ ક્વીન તરીકે ઓળખાય છે. તે પોતાની ગ્લેમરસ અદાઓ અને અભિનય માટે જાણીતી છે. તેમને ભોજપુરીની સની લિયોની પણ કહેવામાં આવે છે. સીમાએ ભોજપુરીના સ્ટાર અભિનેતા નિરહુઆ સાથે પણ કામ કર્યું છે. તેઓ નિરહુઆની સુપરહિટ ફિલ્મ ‘નિરહુઆ રિક્ષાવાલા’ નામના ગીત ‘મિસિર જી તૂ તો બાડ઼ બડ઼ા ઠંડા’ દ્વારા ઘણી ચર્ચામાં આવી હતી, જેમાં તેમના ડાન્સે ધમાલ મચાવી દીધી હતી. આ ગીત લોકોને ઘણું પસંદ આવ્યું હતું. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની રહેવાસી સીમાએ નવાદા જિલ્લાના સૌરવ સિંહ સાથે લગ્ન કર્યા છે.

ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં તેમના ભડકાઉ ગીતો અને ગ્લેમરનો સિક્કો હજી પણ ચાલે છે. તેમના ગીતો અને ડાન્સ અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. તેમણે ૬૦૦થી વધુ ફિલ્મોમાં આઇટમ ડાન્સ કર્યો છે. તેઓ ભોજપુરી ફિલ્મો ઉપરાંત હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, બંગાળી અને રાજસ્થાની ફિલ્મોમાં પણ આઇટમ ડાન્સ કરી ચૂક્યા છે. સીમાની હિટ ભોજપુરી ફિલ્મોમાં ‘હમ દો અનજાને’ (૨૦૧૧), ‘છોડ઼બ ના સંગ તોહાર’ અને ‘હિંમતવાલા’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
તાજેતરમાં જ તેમણે ગ્લેમરની દુનિયામાંથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમને ચિરાગ પાસવાનની પાર્ટી લોજપા-આર (LJP-R) માંથી મઢૌરા બેઠક પર ટિકિટ પણ મળી હતી. પરંતુ, હવે નામાંકન રદ થવાથી ધારાસભ્ય બનવાનું તેમનું સપનું ચોક્કસપણે તૂટી ગયું છે. તમને જણાવી દઈએ કે શનિવારે મઢૌરા બેઠક પરથી લોજપા (રા)ના ઉમેદવાર અને અભિનેત્રી સીમા સિંહ સહિત ૪ લોકોનું નામાંકન રદ થયું છે. જેમાં સીમા ઉપરાંત બસપામાંથી આદિત્ય કુમાર, જદયુના બળવાખોર અને અપક્ષ અલ્તાફ આલમ રાજુ તેમજ અપક્ષ વિશાલ કુમારના નામનો સમાવેશ થાય છે. ૬ નવેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન થશે.
આ પણ વાંચો…પિતા MLC, હવે દીકરીએ ટાટાની નોકરી છોડી રાજકારણમાં ઝંપલાવ્યુ! બિહાર ચૂંટણીમાં રાજકીય વારસો…