નેશનલમનોરંજન

બોલિવૂડ ડાયરેક્ટર રોહિત શેટ્ટીના ઘર બહાર ફાયરિંગ, 4 રાઉન્ડ ગોળીબારથી સનસનાટી!

મુંબઈ: બોલિવૂડના જાણીતા નિર્માતા-નિર્દેશક રોહિત શેટ્ટીને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાન બહાર અજાણ્યા શખ્સો દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, રોહિત શેટ્ટીના ઘરની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. ઘટનાની જાણ થતા જ મુંબઈ પોલીસ અને ફોરેન્સિક ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે રોહિત શેટ્ટીના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, એક અજાણ્યા શખ્સે ઘરની બહાર આવી અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો અને ત્યારબાદ તે તકનો લાભ ઉઠાવી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે, રાહતના સમાચાર એ છે કે આ હુમલામાં રોહિત શેટ્ટી કે તેમના પરિવારના કોઈ સભ્યને ઈજા પહોંચી નથી અને કોઈ જાનહાનિ થઈ નથી. સુરક્ષાના ભાગરૂપે અત્યારે રોહિત શેટ્ટીના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે.

હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ ફાયરિંગ પાછળનો હેતુ શું હતો અને હુમલાખોરો કોણ હતા. આ ઘટના બાદ બોલિવૂડ સેલિબ્રિટીઝની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. બીજી તરફ, રોહિત શેટ્ટીના ચાહકો આ સમાચાર સાંભળીને ચિંતામાં મુકાયા છે અને સોશિયલ મીડિયા પર તેમના સમાચાર પૂછી રહ્યા છે. અત્યાર સુધી આ મામલે રોહિત શેટ્ટી કે તેમના પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ મુંબઈ પોલીસે હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button