2024ની 15મી ઓગસ્ટ છે એકદમ ખાસ, જાણો છો કેમ?

હવે તમે કહેશો કે ભાઈ દર વર્ષે 15મી ઓગસ્ટ તો ખાસ જ હોય છે, એમાં તમે શું નવી વાત કહી. પરંતુ આવતા વર્ષે 2024ની 15મી ઓગસ્ટ ભારતીયો માટે તો ખાસ રહેવાની જ છે, પણ એની સાથે સાથે ફિલ્મરસિયાઓ માટે ખૂબ જ ખાસ રહેવાની છે.
અલ્લુ અર્જુનના ચાહકો ખૂબ જ લાંબા સમયથી ફિલ્મ પુષ્પાના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે અને અલ્લુ અર્જુને આખરે ફિલ્મ ક્યારે રિલીઝ થશે એની જાહેરાત પણ કરી દીધી હતી. 2024ની 15મી ઓગસ્ટના ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. રિલીઝ ડેટ એનાઉન્સ કરવાની સાથે સાથે જ અલ્લુ અર્જુને ફિલ્મનું ધમાકેદાર પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું.
આ પોસ્ટરમાં અલ્લુ અર્જુનનો એક અલગ જ સ્વેગ જોવા મળ્યો હતો. ફિલ્મ 15મી ઓગસ્ટના રિલીઝ થઈ રહી છે અને એની સાથે જ તેને ચાર દિવસનું વીકએન્ડ મળી રહ્યું છે. એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમધમાટી બોલાવી દેશે. પણ હવે તમને જણાવી દઈએ કે એ જ દિવસે અજય દેવગણની ફિલ્મ સિંઘમ-3 પણ રિલીઝ થવા જઈ રહી છે.
2024માં બોક્સ ઓફિસ પર અલ્લુ અર્જુન અને અજય દેવગણ બંને ટકરાવવાના છે અને એની સાથે સાથે જ કમલ હસનની ફિલ્મ ઈન્ડિયન-2 પણ એ જ દિવસે રિલીઝ થવાની છે. હવે જોવાની વાત એ છે કે બંને મોટી ફિલ્મોના ક્લેશમાં કઈ ફિલ્મ બાજી મારે છે? શું પુષ્પાના દબદબા સામે બાકીના ફિલ્મ મેકર્સ પોતાની ફિલ્મોની રિલીઝ પ્રિ-પોન્ડ કે પોસ્ટપોન્ડ કરશે કે કેમ એવો સવાલ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પુષ્પા ધ રાઈઝે બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ બ્રેક કરી દીધા હતા અને આ રોલને એક્ટર અલ્લુ અર્જુને એટલો બખૂબી નિભાવ્યો હતો કે નાનામાં નાના બાળકના મોઢે પણ ઝુકેગા નહીં સાલા… ડાયલોગ ચઢી ગયો હતો. આ ફિલ્મ માટે અલ્લુ અર્જુને બેસ્ટ એક્ટર નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.