આશા ભોંસલેએ 91 વર્ષની ઉંમરે મહેફીલ લૂંટી લીધીઃ જૂઓ વીડિયોમાં આશાનો જાદુ

અભિનેત્રીની રેખાની ક્લાસિક કલ્ટ મુવી ઉમરાવ જાન આજથી અમુક થિયેટરોમાં રિ-રિલિઝ થઈ છે. આ ફિલ્મના કલાકાર કસબીઓની હાજરીમાં એક પ્રિમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું. 1981માં આ ફિલ્મ રજૂ થઈ હતી અને તે બે કલાકાર માટે ટર્નિગ પૉઈન્ટ સાબિત થઈ હતી. એક તો ફિલ્મમાં ઉમરાવ જાન બનીને લાખો ફેન્સની જાન બની ગયેલી અભિનેત્રી રેખા અને બીજાં ફિલ્મની દરેક ગઝલને અમર બનાવી દેનારા ગાયિકા આશા ભોંસલે. આ ફિલ્મે આ બન્ને સહિત ઘણાને ફિલ્મફેર અને નેશનલ એવોર્ડ પણ અપાવ્યા હતા. મુંબઈમાં જ્યારે આ રિ-રિલિઝ પહેલાની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ઈન્ડસ્ટ્રીના કલાકારોનો તાતો લાગ્યો હતો. આખો ઉમરાવ જાનનો સેટ ઊભો કરવામાં આવ્યો હતો અને અભિનેત્રી રેખાએ પણ તેવા જ લૂક સાથે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
પણ આ બધાથી ઉપર અને અલગ જો કોઈએ ત્યાં હાજર લોકોનું દિલ જીતી લીધું હોય તો તે છે આશા ભોંસલે. 91 વર્ષની ઉંમરે ધીમે ધીમે ચાલતા આશાએ જ્યારે ફિલ્મનું ખૂબ જ જાણીતું ગીત યે ક્યા જગહ હૈ દોસ્તો…ગાયું ત્યારે સૌ કોઈ આફરીન પોકારી ગયા. જોકે આ ગીત ગાતા આશાને તકલીફ પડી હતી. રેખા તેમની સાથે તેમને વળગીને ઊભી હતી અને તેમની સંભાળ લઈ રહી હતી.
ઉમરાવ જાન ફિલ્મ તે સમયની ફિલ્મો કરતા અલગ હોવા છતાં ખૂબ જ હીટ થઈ હતી અને ફિલ્મે સારી કમાણી પણ કરી હતી. રેખાનો અભિનય આ ફિલ્મનો આત્મા હતો, પરંતુ આ સાથે શૌકત કૈફી (ખાનુમ), દીના પાઠક (બુઆ હુસૈની), જાગીરદાર (મૌલવી), ગૌહર મિર્ઝા (નસિરુદ્દીન શાહ), ફારૂખ શેખ (નવાબ સુલતાન), રાજ બબ્બર (ફૈઝ અલી) તરીકે પણ એટલા જ શાનદાર હતા.
રેખા બાદ આ ફિલ્મનો જો કોઈ લીડ પ્રોટેગોનિસ્ટ હોય તો તે હતું ફિલ્મનું સંગીત. ખય્યામના સંગીતમાં ગવાયેલી એક એક ગઝલ આજે પણ એટલી જ લોકપ્રિય છે. આ ફિલ્મે રેખા સાથે આશા ભોંસલેને પણ નવી ઓળખ અને ખૂબ જ પ્રસિદ્ધિ અપાવી હતી.
ફિલ્મને 29માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહમાં ચાર એવોર્ડ્સ મળ્યા હતા જેમાં રેખાને શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ આર્ટ ડિરેક્શન મંઝુર, શ્રેષ્ઠ ગાયિકા આશા ભોંસલે ને શ્રેષ્ઠ સંગીતકાર ખય્યામનો સમાવેશ થાય છે. ફિલ્મફેરમાં પણ આ ફિલ્મનો દબદબો રહ્યો હતો. ફિલ્મ પાછી થિયેટરોમાં આવી છે, પરંતુ અમુક જ શહેરોના ગણ્યાગાંઠ્યા થિયેટરોમાં હોવાથી બધા દર્શકોને લાભ મળશે નહીં.