મનોરંજન

પૂછો ના યાર ક્યા હુઆઃ પદ્મીની કોલ્હાપુરએ ફઈ બા આશા ભોસલેને આમ શા માટે કહ્યું

90 વર્ષની ઉંમરે પણ અડીખમ ઊભેલા આશા ભોસલેનો આજે જન્મદિવસ છે. દસ વર્ષની ઉંમરથી સંગીત-ગીત સાથે જોડાયેલા આશાજી ના જીવનના ઘણા કિસ્સાઓ વિશે તમે જાણતા હશો. આજે એક વધારે મજેદાર કિસ્સા વિશે તમને જણાવીએ.

થયું એમ કે પદ્મીની કોલ્હાપુરેએ ફિલ્મ જમાને કો દિખાના સાઈન કરી. તે પહેલા તેણે બાળ કલાકાર તરીકે ફિલ્મો કરી હતી અને તેનું ગીત યશોમતી મૈયા સે ફેમસ થયું હતું જે લતા મંગેશકરે ગાયુ હતું. પોતાની આગામી ફિલ્મનું સંગીત આર.ડી. બર્મને આપ્યું છે તે જાણમાં આવતા તે સીધી આશા ભોસલે પાસે દોડી.


તેણે તેમને કહ્યું કે ફઈ…હવે હુ નાની નથી રહી હીરોઈન તરીકે કામ કરીશ આથી મારા ગીત તમે હીરોઈન જેવા ગાજો. નાની છોકરીના અવાજમાં નહીં. આશાજી આ સાંભળી હસી પડ્યા. પદ્મીની ત્યારે માંડ 17ની હતી. તેમણે આ વાત બર્મનદાને કહી. તે બાદ અવાજમાં થોડું મોડ્યુલેશન કરી તેમણે ગીત ગાયુ…પૂછો ના યાર ક્યા હુઓ, દિલ કા કરાર ક્યા હુઆ…આ ગીત તમે ધ્યાનથી સાંભળશો તો તમને જણાશે કે અન્ય ગીતોની સરખામણીમાં અવાજ અલગ લાગે છે. અહીં જણાવી દઈએ કે આશા ભોસલેના પિતા હૃદયનાથ મંગેશકર અને પદ્મીનીના દાદી બન્ને પિતરાઈ ભાઈ બહેન હતા, આથી આશા તેમનાં ફઈ થતાં હતા.


જોકે આ માત્ર એક ગીતની વાત નથી. આશાજીના અવાજનો જાદુ અને વૈવિધ્ય એવું હતું કે જે હીરોઈન પર ફિલ્માવવામાં આવ્યું હોય જાણે તેણે જ ગાયું હોય તેમ લાગે. પછી ભલે તે રેખા પર ફિલ્માવેલી ઉમરા-ઓ-જાનની ગઝલો હોય કે ઈજાજતનું અનુરાધા પટેલ પર ફિલ્માવેલું મેરા કુછ સામાન જેવુ અજરઅમર ગીત હોય કે પછી 90ના દાયકામાં કરિશ્મા પર ફિલ્માવેલું દિલ તો પાગલ હૈનું લે ગઈ…લે ગઈ… જેવી ડાન્સ સિક્વન્સ હોય. તે આશાજીનું ગીત મટીને પડદા પરની હીરોઈનનું ગીત બની જતું હતું. લગભગ 12,000 જેટલા ગીત ગાઈ દાયકાઓથી સંગીતની સફર ખેડનારા આશાજીને જન્મદિવસની શુભકામના


આશાજીના જીવનના ઘણા અંતરંગ પાસાઓ ઘણી મધુર યાદો વિશે જાણવા માટે તમારે આજની એટલે કે શુક્રવારની મુંબઈ સમાચારની આશાજી વિશેષ પૂર્તિ વાંચવી જ રહી. આ પૂર્તિમાં તેમના ઘણા સંસ્મરણો તાજા થયા છે. તેમની સાથે કામ કરવાનો જેમને મોકો મળ્યો છે તેમને પણ પોતાની યાદોને તાજી કરી છે. તમારા માટે ખૂબ જ સરસ માહિતીસભર વિશેષ પૂરતી મુંબઈ સમાચાર લઈને આવ્યું છે . તો વાંચજો અને આશાજી ના ગીતો ને માણજો અને એમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો કે તમારું ફેવરિટ ગીત કયુ છે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button