અરિજિત સિંહની નિવૃત્તિની જાહેરાત બાદ વિશાલ દદલાનીએ શેર કરી ક્રિપ્ટિક પોસ્ટ…

ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું અને માનીતું નામ એટલે અરિજિત સિંહ. પોતાના મખમલી અવાજથી કરોડો દિલો પર રાજ કરનાર પ્લેબેક સિંગર અરિજિત સિંહ પ્લેબેક સિંગિંગમાંથી એક્ઝિટ લીધી છે. જ્યારથી સિંગરે આ જાહેરાત કરી છે ત્યારે ઈન્ડસ્ટ્રીમાં, સિંગરના ફેન્સમાં માયુસી છવાઈ ગઈ છે. અરિજિતના આ નિવૃત્તિના નિર્ણય બાદ સંગીતકાર વિશાલ દદલાનીએ જીવનની સફળતા અને શાંતિને લઈને એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આવો જોઈએ સિંગરે શું કહ્યું છે…
સંગીત જગતના બેતાજ બાદશાહ ગણાતા અરિજિત સિંહે અચાનક નિવૃત્તિ જાહેર કરીને તેમના લાખો ચાહકોને આંચકો આપ્યો છે. અરિજિત સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે. તેણે લખ્યું: હેલો, સૌને નવા વર્ષની શુભેચ્છાઓ. તમારા પ્રેમ બદલ હું તમારો આભાર માનું છું. મને એ જણાવતા આનંદ થાય છે કે હવે હું પ્લેબેક સિંગિંગનો કોઈ નવો અસાઇનમેન્ટ લઈશ નહીં. હું આ સફરનો અંત લાવી રહ્યો છું. આ પ્રવાસ ખરેખર અદભૂત રહ્યો છે.
અરિજિત સિંહની આ જાહેરાત બાદ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના જાણીતા મ્યુઝિશિયન વિશાલ દદલાનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં વિશાલે લખ્યું છે કે તમે કંઈ શીખ્યા? સફળતા એ શાંતિની ગેરંટી નથી. અમીરી અને સત્તા એ સુરક્ષાની ગેરંટી નથી. જિંદગી અજીબ અને નાની છે. પોતાની જિંદગીની એક પણ ક્ષણ વેડફશો નહીં. તમારા વિશે તમારી જાત સાથે જૂઠું ન બોલો. બીજા લોકો જે છે તે બનવાની કોશિશ ન કરો. જિંદગી પૂરી રીતે જીવો. હવે વિશાલની આ પોસ્ટ કોના માટે છે, એનો તો ખ્યાલ નથી. પરંતુ સોશિયલ મીડિયા પર તે વાઈરલ થઈ રહી છે.
અરિજિત સિંહે ‘ચન્ના મેરેયા’, ‘તુઝે કિતના ચાહને લગા હૂં’, ‘રાબતા’ અને ‘કેસરિયા’ જેવા અનેક આઈકોનિક ગીતો આપ્યા છે. હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘બોર્ડર ૨’ માં તેણે ‘સંદેશે આતે હૈ’ ગીતને પોતાનો અવાજ આપ્યો છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
વાત કરીએ અરિજિતસિંહના છેલ્લા પ્રોજેક્ટ્સ વિશે તો પ્લેબેક સિંગિંગ છોડતા પહેલા અરજીત સિંહે કેટલાક યાદગાર ગીતો આપ્યા છે. હાલમાં બોક્સ ઓફિસ પર જાદુ ચલાવી રહેલી બ્લોકબસ્ટર ફિલ્મ બોર્ડર ટુના ‘સંદેશે આતે હૈ’ ગીતમાં સોનુ નિગમ, વિશાલ મિશ્રા અને દિલજીત દોસાંઝ સાથે અરિજિત સિંહે પણ અવાજ આવ્યો છે. આ સિવાય વિશાલ ભારદ્વાજની ફિલ્મ ઓ રોમિયોમાં પણ તેણે ‘હમ તો તેરે હી લિએ થે’ ગીત ગાયું છે.



