અરબાઝ ખાનના લગ્નમાં 21 વર્ષનો પુત્ર પણ આપશે હાજરી, જાણો શા માટે તૂટ્યા હતા પહેલા લગ્ન?
ખાન પરિવારના સૌથી મોટા પુત્ર અરબાઝ ખાન આજે તેની પ્રેમિકા સાથે બીજીવાર લગ્નના બંધનમાં બંધાશે. 56 વર્ષના અરબાઝ ખાન પોતાની ગર્લફ્રેન્ડ શૌરા ખાન સાથે લગ્ન કરવા જઇ રહ્યા છે. લગ્નમાં તેનો પુત્ર પણ હાજરી આપશે.
અરબાઝ અને શૌરા ખાનના લગ્ન અરબાઝની બહેન અર્પિતા ખાનના ઘરે યોજાનાર છે. આ લગ્નમાં ફક્ત વર-કન્યાના નજીકના પરિવારજનો અને મિત્રો જ હાજરી આપશે. ખૂબ જ સાદગીપૂર્ણ રીતે બંનેના લગ્ન સંપન્ન થશે. ખાન પરિવારમાં પહેલાથી જ લગ્નની તૈયારીઓ ચાલુ થઇ ગઇ હતી. ભાઇ સલમાન ખાન તથા સોહેલ ખાનની સાથે અરબાઝનો પુત્ર અરહાન પર સામેલ થશે.
અરબાઝના પહેલા લગ્ન મલાઇકા અરોરા સાથે વર્ષ 1988માં થયા હતા. પરંતુ લગ્નના કેટલાક વર્ષ બાદ બંને વચ્ચે તણાવ પેદા થતા બંને વર્ષ 2017માં જુદા થઇ ગયા હતા. કહેવાય છે કે મલાઇકાને અરબાઝની કેટલીક આદતો તથા સ્વભાવ પસંદ નહોતા, તેણે એક ઇન્ટરવ્યુમાં અરબાઝને કેરલેસ ગણાવ્યો હતો. બંનેના તલાક પાછળ મલાઇકા તથા બોની કપૂરના પુત્ર અર્જુન કપૂર વચ્ચેના સંબંધો પણ કારણભૂત હતા. સલમાને આ કારણોસર અર્જુન સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું.
મલાઇકા સાથે તલાક બાદ અરબાઝ ખાને જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું, જો કે આ સંબંધ લાંબો ન ચાલ્યો. થોડા સમય પહેલા જ જ્યોર્જિયાએ બ્રેકઅપની જાહેરાત કરી હતી.
2 નિષ્ફળ સંબંધો બાદ હવે ફાઇનલી અરબાઝ ખાન બીજીવાર પોતાનું ઘર વસાવવા જઇ રહ્યા છે. શૌરા ખાન બોલીવુડની ખૂબ જ જાણીતી મેકઅપ આર્ટિસ્ટ છે. તેણે અનેક બોલીવુડ સેલેબ્સ સાથે કામ કર્યું છે. એક ફિલ્મના શૂટિંગ દરમિયાન અરબાઝ અને શૌરા ખાનની મુલાકાત થઇ હતી.