ગદર-2ની સફળતા બાદ આજે પણ ડાયરેક્ટર અનિલ શર્મા લોકોને જવાબ આપી રહ્યા છે
દિગ્દર્શક અનિલ શર્માની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગદર 2’ એ બોક્સ ઓફિસ પર જોરદાર બિઝનેસ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો તો વળી ઘણા ક્રિટીક્સે તેને એક સરેરાશ ફિલ્મ ગણાવી હતી. અને ઘણા લોકોએ તેના કલેક્શન પર સવાલો પણ ઉઠાવ્યા હતા.
અનિલ શર્મા સાથે આ ફિલ્મના કલેક્શન અને એક્શન સ્ટાઈલ વિશે વાત કરતા જણાવ્યું હતું કે લોકો કહે છે કે તે પોતાની ફિલ્મોમાં 80-90ના દાયકાના એક્શનનું પુનરાવર્તન કરે છે. તો હું એ તમામને કહેવા માંગુ છું કે તેઓએ પણ એકવાર ફિલ્મ બનાવવી જોઈએ. જેથી તેમને ખબર પડે કે ફિલ્મમેકિંગ કેવી રીતે થાય છે.
અને પછી મને શીખવાડે કે 2023માં કેવી રીતે ફિલ્મ બને છે. જો લોકો સલાહ આપે છે તે સમજતા નથી કે આ ફિલ્મ 70ના દાયકા પર આધારિત છે એટલે સ્વાભાવિક છે કે મારે એ દાયકાની એક્શન સ્ક્રીન પર બતાવવી જ પડે. કેટલાક લોકો આવી વાતો કરવા માટે ટેવાયેલા હોય છે અને તે પોતાની જાતને બહુ જ બુદ્ધિશાળી માનતા હોય છે તો તેમને તેમના વિચારોમાં જ જીવવા દો. મારી ફિલ્મનો નિર્ણય જનતાના હાથમાં છે અને મને એ માન્ય છે.
અનિલ જણાવે છે કે જ્યારે તમે કોઇ સિદ્ધિઓ સર કરી રહ્યા હોય ત્યારે તમારા વિરોધીઓ વધી જાય છે અને મારી સાથે પણ એજ થઇ રહ્યું છે. એટલે આ મારે માટે ખુશીની વાત છે. ગદર પછી મેં બીજી ફિલ્મ બનાવી હતી ધ હીરો, એમાં આધુનિક એક્શન બતાવી હતી 2003માં રિલીઝ કરવામાં આવેલી આ ફિલ્મ માટે લોકો કહેવા લાગ્યા કે મેં સમય કરતા ઘણી પહેલા ફિલ્મ બનાવી દીધી છે. હવે મને એમ થાય છે કે જે બોલે છે તેમને બોલવા દો.
ગદર સામે ઉઠેલા તમામ પ્રશ્ર્નો જવાબમાં અનિલે સીધો અને સાદો એક જ જવાબ આપ્યો કે ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા લોકો છે જે તમને અને તમારા મોરલને તોડવાની પૂરેપૂરી કોશિશ કરે છે પરંતુ જો તમે અડગ હશો તો તમને કોઇ વ્યક્તિ હરાવી નહી શકે. જો કે મારા માટે 2023 ખૂબ જ સુંદર વર્ષ રહ્યું છે.