મનોરંજન

અનંત-રાધિકાના લગ્ન પહેલા BKCની બધી હોટલો હાઉસફૂલ, એક રાતનો રેટ 1 લાખ રૂપિયાથી ઉપર

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટના શાહી લગ્ન સમારોહને લઈને ખૂબ જ ધૂમધામ ચાલી રહી છે. અનંત અને રાધિકાના લગ્ન 12 જુલાઈના રોજ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં હિન્દુ વૈદિક વિધિ મુજબ થશે. આ લક્ઝરી વેડિંગમાં દેશ-વિદેશના મહેમાનો હાજરી આપવાના છે જેના કારણે BKCમાં મોટી હોટલોની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. મોટા ભાગની ફાઇવ સ્ટાર હોટલના રૂમો વેચાઇ ગયા છે.

મુંબઇના બીકેસી વિસ્તારમાં બે ફાઇવ સ્ટાર હોટલ છે, જેના બધા રૂમો પહેલાથી જ વેચાઇ ગયા છે. આ વિસ્તારની લક્ઝરી હોટલ હાઉસફુલ હોવાથી એક રાતનું ભાડું પણ સાતમા આસમાને પહોંચી ગયું છે. આમાંની એક હોટલ જેમાં સામાન્ય દિવસોમાં એક રાત્રિ રોકાણનું ભાડું 13000 રૂપિયા હોય છે, ત્યાં તેનું ભાડું 91350 રૂપિયા પ્રતિ રાત્રિ સુધી પહોંચી ગયું છે. ટ્રાવેલ બુકિંગ વેબસાઇટ્સ પર BKC વિસ્તારની લક્ઝરી હોટલના બુકિંગ પર, 9 જુલાઈનું ભાડું 10 હજાર રૂપિયાથી 12 હજાર રૂપિયા વત્તા ટેક્સ દર્શાવવામાં આવ્યું છે, જ્યારે 15 જુલાઈનું ભાડું રૂપિયા 16 હજાર વત્તા ટેક્સ બતાવવામાં આવ્યું છે. 10મીથી 14મી જુલાઈ વચ્ચેના તમામ બુકિંગ ફુલ બતાવવામાં આવી રહ્યા છે. આ તારીખે કોઈ રૂમ ઉપલબ્ધ નથી. જો કે, આ તારીખે, મુંબઈની અન્ય 5 સ્ટાર હોટલ જેવી કે ગ્રાન્ડ હયાત, તાજ સાંતાક્રુઝ, તાજમાં રૂમ ઉપલબ્ધ છે.

અનંત-રાધિકાના લગ્ન 12 જુલાઈના રોજ થશે અને લગ્ન પછીના ફંક્શન 14 જુલાઈ સુધી ચાલશે. 12મી જુલાઈના રોજ સાત ફેરા અને 13મી જુલાઈએ શુભ આશીર્વાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ મહેમાનો સામેલ થશે. 14મી જુલાઈના રોજ ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાણીના લગ્નમાં હાજરી આપવા મુંબઈ આવનાર મહેમાનો ક્યાં રોકાશે તે સ્પષ્ટ નથી. જોકે, આ કોઈ નવી બાબત નથી.

મોટાભાગે એવું જોવા મળે છે કે આવા મોટા પ્રસંગો દરમિયાન જે તે વિસ્તારમાં હોસ્પિટાલિટી સેક્ટરમાં તેજી જોવા મળે છે. લોકો ઈવેન્ટ માટે આવે છે અને નજીકના વિસ્તારની હોટલમાં જ રહેવાનું પસંદ કરે છે, જેના કારણે એ વિસ્તારની હોટલ બુક થઈ જાય છે. હૉસ્પિટાલિટી સાથે સંકળાયેલા વિશ્લેષકો જણાવે છે કે આવા હાઇ પ્રોફાઇલ લગ્નોની અસર ક્યારેક ફ્લાઇટના દર અને કેબ ભાડા પર પણ થાય છે. મોટી મોટી ઇવેન્ટ્સ દરમિયાન હોટલના રૂમ ક્યાં તો બધા જ વેચાઇ જાય છે અથવા તો ભારે પ્રિમીયમ પર મળે છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button