અંબાણી પ્રી-વેડિંગ ક્રૂઝ પાર્ટીઃ મહેમાનોને મળી અધધધ… લક્ઝરી ગિફ્ટ્સ..
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા તૈયાર છે. રાધિકા મર્ચન્ટ એન્કોર હેલ્થકેરના CEO વિરેન મર્ચન્ટ અને ઉદ્યોગસાહસિક શૈલા મર્ચન્ટની નાની દીકરી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ માટે બીજી પ્રી-વેડિંગ બેશ ઇટાલીમાં લક્ઝરી ક્રૂઝ પર થઈ હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ BKCમાં Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં લગ્ન કરશે.
અંબાણી પરિવાર તેમના મહેમાનો પ્રત્યેની ઉદારતા માટે જાણીતો છે. આ ભવ્ય ઉજવણીમાં પણ તેમણે મહેમાનો પર દિલ ખોલીને ભેટો વરસાવી હતી. મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ મહેમાનોને લક્ઝરી ગિફ્ટ્સ આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહેમાનોને કસ્ટમાઈઝ્ડ લૂઈસ વીટન બેગ્સ આપવામાં આવી હતી. આપની જાણકારી માટે કે લૂઈસ વીટન પ્રખ્યાત લક્ઝરી બ્રાન્ડ છે, જેની ડિઝાઇનર બેગ્સની કિંમત લાખોમાં હોય છે. આ ઉપરાંત મહેમાનોને સોનાની ચેન, કરીમનગરના કુશળ કારીગરો દ્વારા ઉત્કૃષ્ટ રીતે બનાવેલી ચાંદીની ફિલિગ્રી જ્વેલરી,ડિઝાઇનર શૂઝ અને નાઇટવેર જેવી અનેક કિંમતી ભેટો આપવામાં આવી હતી.
આ ઉપરાંત અનંત અંબાણીના મનપસંદ પ્રોજેક્ટ વંતારા પ્રાણી પુનર્વસન કેન્દ્રને ધ્યાનમાં રાખીને બોમ્બે આર્ટિસન કું. દ્વારા કસ્ટમ-ડિઝાઇન કરેલી ખાસ ડફલ બેગ્સ પણ મહેમાનોને ગિફ્ટમાં આપવામાં આવી હતી. અંબાણી પરિવારે તેમના મહેમાનોને મહાબળેશ્વર સ્થિત કંપની સનરાઈઝ કેન્ડલ તરફથી ખાસ મીણબત્તીઓ પણ ભેટમાં આપી હતી. આ ઉપરાંત કચ્છ અને લાલપુરની કુશળ મહિલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલા બાંધણી અને પૈઠણી સ્કાર્ફ પણ ભેટમાં આપવામાં આવ્યા હતા.
મુકેસ અને નીતા અંબાણી તેમના પુત્ર અનંતના બીજા પ્રી-વેડિંગ બેશ માટે આમંત્રિત મહાનુભાવોને ત્રણ દિવસીય ઇટાલીથી ફ્રાન્સ ક્રૂઝ પર લઇ ગયા હતા. મહેમાનો માટે કોઇ પણ સમસ્યા વિના શાંતિપૂર્વક ક્રૂઝ પર બાર્સેલોના જવા માટે દસ ચાર્ટર ફ્લાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિવાર, મિત્રો અને ઇવેન્ટ કર્મચારીઓ માટે 12 ખાનગી વિમાન સેવામાં હાજર રાખવામાં આવ્યા હતા.
જ્યારે મહેમાનો બાર્સેલોના પહોંચ્યા, ત્યારે તેમને નિષ્ણાંત ડ્રાઇવરોની સેવા વાળા રોલ્સ-રોઇસ, બેન્ટલી, મર્સિડીઝ-બેન્ઝ અને BMW જેવા હાઇ-એન્ડ વાહનોમાં બેસાડવામાં આવ્યા હતા. આ હાઇ-એન્ડ કારનો ઉપયોગ મહેમાનોને ઇવેન્ટમાં અને ત્યાંથી લઇ જવા માટે કરવામાં આવતો હતો. લગભગ 800 વીઆઈપી મહેમાનોને સુપર યૉટ પર લઇ જવામાં આવ્યા હતા. યાટ પરની ઉચ્ચ સુવિધાઓમાં સ્વિમિંગ પુલ, એક અત્યાધુનિક સ્પા, એક જિમ, બાળકો માટે રમવાનો વિસ્તાર અને ધ થિયેટરની બાજુમાં આવેલી નાઇટ ક્લબનો સમાવેશ થતો હતો.
આપની માહિતી માટે જણાવી દઇએ આ ક્રૂઝ પર એક રૂમની કિંમત સામાન્ય રીતે 1.53 લાખ રૂપિયા પ્રતિ દિન છે, જ્યારે એક સ્યુટની કિંમત પ્રતિ દિન આશરે રૂ. 4.70 લાખ છે. આ ઉપરાંત ત્રણ દિવસના બેશમાં કેટી પેરી, પિટબુલ અને ધ બેકસ્ટ્રીટ બોયઝના પરફોર્મન્સ દ્વારા મહેમાનોનું મનોરંજન કરવામાં આવ્યું હતું.
અંબાણી પરિવારના પ્રી વેડિંગ બેશે વૈભવ અને ભવ્યતાનું નવું ધોરણ સ્થાપિત કર્યું છે.
Also Read –