Amitabh Bachhan@83: આ ઉંમરે તેમની ફીટનેસનું સિક્રેટ જાણવું છે?

સદીના મહાનાયક, સુપરસ્ટાર, બીગ બી બચ્ચન સાહેબના કેટલા નામ. પિતા હરિવંશરાય બચ્ચન અને માતા તેજી બચ્ચને જ એવું નામ રાખ્યું કે વ્યક્તિત્વનો પરિચય થઈ જાય. અમિતાભ એટલે સૂરજ. હંમશાં પ્રકાશિત રહે તેવો સૂરજ અને દીકરાએ નામ સાર્થક કરી બતાવ્યું. આજે અમિતાભ બચ્ચન 83 વર્ષના થયા છે, પંરતુ આ સૂરજ ઢળતો જ નથી. 11મી ઑક્ટોબરે જન્મેલા અમિતાભ બચ્ચન આજે 83 વર્ષે પણ ફીટ છે અને એકદમ એક્ટિવ છે.
બચ્ચન ઘણી બાબતોએ પ્રેરણાદાયી છે, પરંતુ જો તેમની પાસેથી જવાન બુઢ્ઢા સૌ કોઈએ એક ખાસ વસ્તુ શિખવી હોય તો તે છે ફીટનેસ માટેનું ડેડિકેશન. 83 વર્ષે પણ ચહેરા પર કોઈ થાક નહીં અને એ જ ગ્લેમર અને ચાર્મ. બચ્ચન સાહેબ પોતાની ફીટનેસ મામલે ખૂબ જ પર્ટિક્યુલર છે અને આમા તેમેન મદદ કરે છે તેમની ફીટનેસ કૉચ વૃંદા મહેતા. હા, 40 વર્ષની ગુજરાતી વૃંદા તેમની વેલનેસ કૉચ છે.

વૃંદા કહે છે બચ્ચન સાહેબ ફીટનેસનું ધ્યાન રાખે છે કારણ કે તે જરૂરી છે અને આ વાત તેમને ખબર છે. જો તેઓ સમય કાઢી શકતા હોય તો તમે કે હું કેમ નહીં. તેઓ કસરત માટે સમય કાઢી જ લે છે. તેમને ખબર છે કે આ તેમની માટે જરૂરી છે, પછી સમય છે કે નહીં, આસપાસમાં સુવિધાઓ છે કે નહીં તે કંઈ જોતા નથી. આ શરીર નહીં, મન છે જે તેમને આ ફીટ અને ફાઈન રાખે છે.
વૃંદા કહે છે બચ્ચન સાથે જ્યારે પણ મારા સેશન હોય છે ત્યારે તેમાં સૌથી વધારે મહત્વનું છે બ્રિધવર્ક. એટલે શ્વાચ્છોશ્વાસની ક્રિયા. અમે બેઝિક બ્રિથ એક્સરસાઈઝથી શરૂ કરીએ પછી પ્રાણાયામ અને યોગા.

તેમના ડાયેટની વાત કરીએ તો દિવસની શરૂઆત તેઓ તુલસીના બે-ચાર પાન ખાઈને કરે છે. પછી બ્રેકફાસ્ટ લે છે, જેમાં જ્યૂસ અને ફ્રૂટ્સ પર વધારે ભાર મૂકે છે, પણ વૃંદા કહે છે સૌથી વધારે જો કંઈ મહત્વનું છે તો તેમનો માઈન્ડસેટ. તેમની ફીટનેસનું સિક્રેટ આ છે.
વૃંદા માત્ર બચ્ચન સાહેબ જ નહીં, આમિ ખાન સહિતના ઘણા સેલિબ્રિટીની ફીટનેસ કોચ છે અને બચ્ચન સાહેબની ફીટનેસ સાબિત કરે છે કે આ ગુજરાતણ ખરેખર તમને સ્વસ્થ રાખી શકે છે.
અમિતાભ બચ્ચનની ફીટનેસની વાત થાય ત્યારે કુલી ફિલ્મ અને તેમના અકસ્માતની યાદ આવ્યા વિના રહેતી નથી. કુલી ફિલ્મના શૂટિંગ દરમિયાન પુનીત ઈસ્સર સાથે ફાઈટિંગના સિન સમયે તેઓ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને મોત સામે ઝઝૂમ્યા હતા. લાખો ફેન્સની દુઆ અને ડોક્ટરની મદદથી તેમને નવું જીવન મળ્યું. આ જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ બચ્ચને જોયા, પરંતુ આજે ફરી આ સૂરજ ચમકી રહ્યો છે. તેમના જન્મદિવસે તેમને અઢળ શુભેચ્છાઓ.

આ પણ વાંચો…રાતે અઢી વાગ્યે એવું તે શું થયું કે અમિતાભ બચ્ચને કહ્યું ઐસા લગા પૂરા બ્રહ્માંડ હિલ ગયા…