ધર્મેન્દ્રના સમાચાર સાંભળી અમિતાભ બચ્ચન સ્તબ્ધ! બિગ બીએ મોડી રાતે પોસ્ટ શેર કરીને…

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર નાદુરસ્ત તબિયતને કારણે હાલમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. પરિવાર દ્વારા એક્ટરની હેલ્થને લઈને સતત અપડેટ આપવામાં આવી રહી છે દરમિયાન ધર્મેન્દ્રના ગાઢ મિત્ર અને કો-એક્ટર અમિતાભ બચ્ચનનું રિએક્શન સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. બિગ બી ધર્મેન્દ્રના સમાચાર સાંભળીને સ્તબ્ધ થઈ ગયા હતા, તેમણે મોડી રાતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. ચાલો જોઈએ બિગ બીએ શું કહ્યું છે પોતાની પોસ્ટમાં…
અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેઓ પોતાની પોસ્ટથી લોકોનું ધ્યાન ખેંચતા રહે છે. બિગ બીએ ગઈકાલે મોડી રાતે 3.38 કલાક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી આ પોસ્ટમાં તેમણે માત્ર ટ્વીટ નંબર જ લખ્યો છે. બિગ બીએ પોસ્ટમાં T 5561- લખીને છોડી દીધું છે.
યુઝર્સને આ પોસ્ટ પરથી ખ્યાલ આવી ગયો હતો કે તેમણે આ પોસ્ટ ધર્મેન્દ્રજી માટે કરી છે અને તેઓ આ પોસ્ટ પર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે નિઃશબ્દ, બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું કે ખામોશી, સન્નાટા… ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે સર નિઃશબ્દ…
ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચને આઈકોનિક ફિલ્મ શોલેમાં જય અને વીરુનો રોલ કર્યો હતો, ત્યારથી બંનેની જોડી ખૂબ જ ફેમસ થઈ ગઈ હતી. દર્શકોને અમિતાભ અને જયા બચ્ચનની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ધર્મેન્દ્ર છેલ્લે ફિલ્મ તેરી બાતોં મેં ઉલઝા ઐસા જિયામાં જોવા મળ્યા હતા, જ્યારે ડિસેમ્બર મહિનામાં તેમની ફિલ્મ ઈક્કીસ રિલીઝ થશે. આ ફિલ્મમાં તેઓ બિગ બીના દોહિત્ર અગત્સ્ય નંદા સાથે જોવા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવતા મહિને એટલે કે ડિસેમ્બર મહિનામાં ધર્મેન્દ્ર 90 વર્ષના થઈ જશે. 31મી ઓક્ટોબરથી ધર્મેન્દ્ર નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલમાં દાખલ છે અને ગઈકાલે તેમની તબિયત બગડતાં તેમને વેન્ટિલેટર પર રાખ્યા હોવાના અહેવાલ આવતાં જ ફેન્સ ચિંતામાં મૂકાઈ ગયા હતા. જોકે, બાદમાં આજે સની દેઓલની ટીમ દ્વારા તેમની તબિયત સ્થિર હોવાની માહિતી આપવામાં આવી હતી.
મરે એમના દુશ્મનઃ શત્રુઘ્ન સિન્હા
બોલીવૂડના દિગ્ગજ અભિનેતા અને શોટગનના હુલામણા નામે ઓળખાતા શત્રુઘ્ન સિન્હાએ ધર્મેન્દ્રના નિધનની અફવાઓ પર રિએક્શન આપતાં જણાવ્યું હતું કે ધરમજીની કોઈ ટીમ નથી તો કઈ ટીમ દ્વારા તેમના નિધનના સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. આ ખૂબ જ અપ્રિય છે. મેં સવારે ઉઠીને જે સમાચાર આવ્યા એને સાચા માની લીધા કારણ કે તે વિશ્વસનીય માધ્યમો દ્વારા આપવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં જ્યારે મને જાણવા મળ્યું કે આ સમાચાર ખોટા છે. બધાના લાડકા ધરમજી ઠીક છે અને તેઓ ઘરે પાછા ફરશે. મરે એમના દુશ્મન…
અહીંયા તમારી જાણ માટે કે ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિન્હા ખૂબ જ સારા મિત્રો છે અને બંને જણ એકબીજાને 40 કરતાં વધારે વર્ષોથી ઓળખે છે. ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિન્હાએ સાથે લોહા, ઈન્સાનિયત કે દુશ્મન અને ઝલઝલા જેવી અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. અમે જ્યારે પણ મળતાં ત્યારે ખૂબ જ સારી રીતે ટાઈમ સ્પેન્ટ કરતાં હતા અને ખાઈ-પીને જલસા કરતાં હતા.



