‘મારી પાસે ફકત યાદો જ છે. કોની યાદમાં ઈમોશનલ થયા સિનિયર બચ્ચન
પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન ઉંમરના આ તબક્કે પણ કારકિર્દીમાં અને સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય છે. હાલમાં જ તેમણે ફિલ્મ ‘કલ્કી 2898 એડી’માં તેમના અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ દરરોજ કંઇક વાતો શેર કરતા રહે છે અને તેમના ફેન્સ સાથે ટચમાં રહે છે. આજે તેમણે પોતાની બ્લોગ પોસ્ટ દ્વારા બધાનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે તેમની સ્વર્ગસ્થ માતા તેજી બચ્ચનના જન્મદિવસ પર એક ભાવનાત્મક સંદેશ શેર કર્યો છે, જે વાંચીને તમારું પણ દિલ ભરાઈ જશે.
માતાના જન્મદિવસની પૂર્વસંધ્યાએ અમિતાભ બચ્ચને કરેલી ઇમોશનલ નોટમાં લખવામાં આવ્યું છે કે, “આવતીકાલે વિશ્વની સૌથી સુંદર અને સારી માતાને યાદ કરવાનો દિવસ છે. 12મી ઓગસ્ટ, તેમની શક્તિ, તેમની હૂંફ, તેમનું સૌજન્ય અને સૌથી અગત્યનું આપણા બધાનું ઉજ્જવળ ભવિષ્ય અને બધી સુંદર વસ્તુઓ માટેનો તેમનો વિશ્વાસ અને પ્રેમ…. વધુ કંઈ કહેવાની જરૂર નથી…..”
અંતમાં બિગ બીએ લખ્યું, “હવે મારી પાસે માત્ર તેમની યાદો જ રહી ગઈ છે પરંતુ મારા માટે આ યાદો દુનિયાની દરેક વસ્તુ કરતાં વધુ છે.”
અમિતાભ બચ્ચને આ પોસ્ટ તેમની સ્વર્ગસ્થ માતા તેજી હરિવંશરાય બચ્ચનની જન્મજયંતિના અવસરે કરી છે. તેજી બચ્ચનનો જન્મ 12 ઓગસ્ટ, 1914ના રોજ થયો હતો અને તેમનું મૃત્યુ 21 ડિસેમ્બર, 2007ના રોજ થયું હતું. તેમની માતા એક સામાજિક કાર્યકર હતા અને આઝાદી પહેલા લાહોરમાં મનોવિજ્ઞાન ભણાવતા હતા. તેમણે 1941માં હરિવંશરાય બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. તેમના બે પુત્ર અમિતાભ બચ્ચન અને અજિતાભ બચ્ચન છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અમિતાભ બચ્ચન હાલમાં ફિલ્મ ‘કલ્કી 2898 એડી’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ સુપરહિટ રહી છે. હાલમાં તેમણે ‘કૌન બનેગા કરોડપતિ’ની આગામી સીઝનનું શૂટિંગ શરૂ કરી દીધું છે.