33 વર્ષ બાદ એકસાથે જોવા મળશે શહેનશાહ અને થલાઇવા, ‘હમ’નો ઇતિહાસ કરશે રિક્રિએટ
એક તરફ બોલીવુડના શહેનશાહ બીગબી અમિતાભ બચ્ચન અને બીજી તરફ સાઉથના થલાઇવા રજનીકાંત. સિનેમા લવર્સે આ બંને અભિનેતાઓને ભગવાનનો દરજ્જો આપ્યો છે, તેમના મંદિરો બંધાવ્યા છે. બંનેની લોકપ્રિયતા એ સ્તરની છે કે જો ભૂલેચૂકે પણ તેમને કંઇ થાય તો તેમના ચાહકો આકાશપાતાળ એક કરી નાખે. ત્યારે આ બંને અભિનેતાઓ જો એકસાથે એક જ ફિલ્મમાં જોવા મળે ત્યારે શું થશે?
જી હાં, આ સમાચાર બિલકુલ સાચા છે અને બીગબીએ તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકીને ફિલ્મનું શૂટિંગ શરૂ થયાની સત્તાવાર જાહેરાત પણ કરી નાખી છે. અમિતાભ બચ્ચને એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે ગ્રે સૂટ પહેર્યો છે અને એક લેન્સમાંથી જોઇ રહ્યાં છે. આ પોસ્ટ શેર કરતી વખતે બિગ બીએ કેપશનમાં લખ્યું હતું કે, “હું આ ક્ષણને વધુ યાદગાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું.
33 વર્ષ બાદ, થલાઈવર રજનીકાંત સર સાથે કામનો પહેલો દિવસ.” તો બીજી તરફ થલાઇવરે પણ પોતાના ગુરુ- અમિતાભ બચ્ચન સાથે 33 વર્ષ બાદ કામ કર્યાનો આનંદ તેમના સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ બંને અભિનેતાઓ સાઉથના ડિરેક્ટર ટી.જે. જ્ઞાનવેલના પ્રોજેક્ટ ‘થલાઇવર 170’માં સાથે દેખાશે.