“તમારી ઉમર થઈ ગઈ છે” મોડી રાત્રે આવી પોસ્ટ કરનાર યુઝર્સને અમિતાભ બચ્ચને આપ્યો જોરદાર જવાબ

મુંબઈ: અમિતાભ બચ્ચન સદીના મહાનાયક તરીકે ઓળખાય છે. તેઓ છેલ્લા સાડા પાંચ દાયકાથી ભારતીય સિનેજગત પર રાજ કરી રહ્યા છે. 82 વર્ષની ઉંમરે પણ તેઓ ફિલ્મોની સાથોસાથ એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ સક્રિય રહે છે. તાજેતરમાં મોડી રાત્રે એક્સ પર તેમની વધતી ઉંમરને લઈને એક્સ પર બે યુઝર્સ સાથે તેમની તૂતૂ-મેંમેં થઈ ગઈ હતી.
અંધારી રાતમાં શહેનશાહ કેમ જાગી રહ્યા છે: યુઝર્સ
9 જૂન 2025ની મોડી રાત્રે અમિતાભ બચ્ચન એક્સ પર સક્રિય જોવા મળ્યા હતા. ત્યારે એક યુઝર્સે અમિતાભ બચ્ચનને ટેગ કરીને લખ્યું હતું કે, “અંધારી રાતમાં શહેનશાહ કેમ જાગી રહ્યા છે, હવે ઊંઘી જાવ, તમારી ઉંમર થઈ ગઈ છે.” તેના જવાબમાં બીગ બીએ લખ્યું કે, “એક દિવસ તમારી પણ ઉંમર થઈ જશે…ઈશ્વરે ઈચ્છશે તો.”
ગેજેટ્સ તૂટે છે, આયુષ્ય ટકે છે: અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને વધુ એક ટ્વિટ કરીને લખ્યું કે, “ગેજેટ્સ તૂટે છે, આયુષ્ય ટકે છે.’ બીગ બીના આ ટ્વિટને લઈને અન્ય યુઝર્સે લખ્યું કે, “સમયસર ઊંઘી જાવ, નહીંતર લાંબું આયુષ્ય પણ ટકશે નહીં.” યુઝર્સે કરેલી આવી વાતથી અમિતાભ બચ્ચનને ઘણું દુ:ખ થયું. તેમણે જવાબમાં લખ્યું કે, “મારા મૃત્યુની વાત કરવા બદલ આભાર, ઈશ્વરની કૃપા.” જોકે થોડા સમય બાદ બીગ બીએ આ ટ્વિટને ડિલીટ કરી દીધું હતું.
આ પણ વાંચો - “તું છે કોણ?” કરીના કપૂરે ગુસ્સામાં કોની સાથે આ રીતે કરી હતી વાત? જાણો સમગ્ર વિવાદ
વધતી ઉંમરને લઈને બીગ બીની પોસ્ટ
ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરી 2025ના રોજ બીગ બીએ પોતાના બ્લોગ નંબર 6222માં પોતાની વધતી ઉંમર સાથે આવતા પડકારો વિશે જણાવ્યું હતું કે, “હવે સંવાદો યાદ રાખવાનું જ અઘરું નથી, પરંતુ ઉંમરની સાથે બીજી અનેક સમસ્યાઓનું સંચાલન કરવામાં મુશ્કેલીઓ આવે છે. પર્ફોમન્સ આપવું પણ એક પડકાર છે. હું ઘણીવાર ઘરે પોતાના કામને લઈને વિચારું છું કે, મેં ક્યાં ભૂલો કરી અને હું તેને કેવી રીતે સુધારી શકીશ.” આમ, અમિતાભ બચ્ચન પોતાની વધતી ઉંમરના પડકારો પણ સોશિયલ મીડિયા પર શેર કરે છે. આગામી સમયમાં તેઓ ‘કોન બનેગા કરોડપતિ’ની નવી સીઝન તથા ‘રામાયણ’ અને ‘જમાનત’ ફિલ્મમાં અભિનય કરતા નજરે પડશે.