અમિતાભ બચ્ચનને ખરાબ સ્વાસ્થ્યની ખબરોને FAKE ગણાવી
મુંબઈ: બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને હોસ્પિટલમાં દાખલ થવાના અને એન્જીયોપ્લાસ્ટી કરાવી હોવાના સમાચારને નકારી કાઢ્યા છે અને તેમના સ્વાસ્થ્ય સંબંધી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ગઈકાલે એવા સમાચાર રહેતા થયા હતા કે સદીના મહા નાયક અમિતાભ બચ્ચનની તબિયત અચાનક બગડી ગઈ છે અને તેમને મુંબઈની કોકીલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમના પગના બ્લોકેજને દૂર કરવા માટે તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. કેટલાક રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે તેમની ધમની બ્લોકેજ થઇ ગઇ હોવાથી એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હવે ખુદ અમિતાભ બચ્ચનને જ આ અફવાઓને જૂઠી ગણાવી છે. દરમ્યાન તેમની, એક તસવીર સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે જેમાં અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન ગુરુવારે રાત્રે દાદાજી કોંડદેવ સ્ટેડિયમમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) મેચની મેચની મજા માણતા જોવા મળી રહ્યા હતા.
સ્વાભાવિક રીતે જ શુક્રવારે અમિતાભ બચ્ચનના હોસ્પિટલમાં દાખલ થયાના સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા હતા. રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે અમિતાભ બચ્ચનના પગમાં પણ કંઈ તકલીફ છે. જો કે, કલાકો પછી એવા સમાચાર આવ્યા હતા કે બીગ બીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે ત્યારબાદ તેમના ચાહકોએ રાહતનો દમ લીધો હતો.
હવે બીગ બીએ જ બધી અફવાઓ પર બ્રેક લગાવી દીધી છે અને જણાવ્યું છે કે આવા અહેવાલોમાં કોઈ સત્ય નથી. અમિતાભ બચ્ચનની કેટલીક તસ્વીરો પણ હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે જેમાં તેઓ ispl મેચ ની મજા લેતા જોવા મળી રહ્યા છે. અમિતાભ બચ્ચન તેમના પુત્ર અભિષેક બચ્ચન અને ક્રિકેટના ગોડ મનાતા સચિન તંડુલકર સાથે જોવા મળી રહ્યા છે.
મેચ જોયા બાદ બહાર નીકળતી વખતે ત્યાં હાજર પાપારાઝીઓએ તેમને ઘેરી લીધા હતા. જ્યારે લોકોએ બીગ બીને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા કહ્યું ત્યારે મેગા સ્ટારે કહ્યું હતું કે આ ફેક ન્યુઝ છે. હવે આ સત્ય સામે આવ્યા બાદ બીગ બીના ચાહકો ખૂબ જ ખુશ છે કે અમિતાભ બચ્ચન સંપૂર્ણપણે સ્વસ્થ છે.