આમિર ખાને ભુજના આ ગામ સાથે સંબંધ નિભાવ્યો, ફરી બન્યો ગામનો મહેમાન | મુંબઈ સમાચાર

આમિર ખાને ભુજના આ ગામ સાથે સંબંધ નિભાવ્યો, ફરી બન્યો ગામનો મહેમાન

ભુજઃ વર્ષ ૨૦૦૧માં દુનિયાભરમાં રિલિઝ થયેલી આમિર ખાન અભિનિત અને આશુતોષ ગોવારિકર દ્વારા નિર્દેશિત સુપરહિટ હિન્દી ફિલ્મ ‘લગાન’નું જ્યાં સેટ બનાવીને શૂટિંગ થયેલું એ ભાતીગળ કુનરિયાની નજીક આવેલા કોટાય ગામ ફરી અભિભૂત થયું, કારણ કે બે દાયકા પહેલા અહીં આવેલા એક ફિલ્મસ્ટારે ફરી તેમની મુલાકાત લીધી. આમિર ખાન આ ગામની મુલાકાતે આવ્યો હતો અને તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સિતારે ઝમીન પર’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે અહીં આવેલા કચ્છ સાથે અઢી દાયકાથી પણ જૂનો નાતો ધરાવતા દિગ્ગ્જ કલાકાર આમિર ખાને જુના સંસ્મરણોને તાજા કરવા ગ્રામજનો અને ખાસ કરીને બાળકો સાથે પલાંઠી વાળીને તેમની આ નવી ફિલ્મ નિહાળી હતી.

તુક્કો લગાવીને બનાવેલી અને બાદમાં સુપરહિટ પુરવાર થયેલી ઓસ્કાર નોમિનેટેડ ‘લગાન’ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ કુનરિયા ગામે એક સેટ બનાવીને કરવામાં આવ્યું હતું. બાકી માંડવીના કોટડામાં આવેલા વિજય વિલાસ પેલેસ, ભુજના પ્રાગમહેલમાં પણ શૂટિંગ થયું હતું. તે સમયે આમિર ખાનની કોટાય ગામના અગ્રણી ધનજીભાઈ ચાક સહિતના અનેક લોકો સાથે ગાઢ મૈત્રી થઈ હતી જેને આજે પણ સહજતાથી જાળવી રાખી છે. સિતારે જમીન પર ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ બાદ લગાનના શૂટિંગ સમયે સમગ્ર યુનિટને સહયોગ આપનાર સૌ લોકોને મળેલા આમિર ખાને નતમસ્તક થઈને આભાર માન્યો હતો.

આ પ્રસંગે આમિરે જણાવ્યું હતું કે, ભારતમાં મનોરંજન માટે થિયેટર સ્ક્રિનની રાંખ્યા મર્યાદિત હોવાના અને ફિલ્મો જન-જન સુધી સરળતાથી પહોંચાડવાના આશયથી તેમણે પુત્ર જુનેદ સાથે મળીને જનતા કા થિએટર’ નામથી ખાસ અભિયાનની શરૂઆત કરી છે. મોંઘેરા ઓટીટી પ્લેટફોર્મના બદલે દરેક લોકોના મોબાઈલમાં ઉપલબ્ધ યુટ્યુબ એપ પર ‘પે પર વ્યુ’ મોડેલ પર ૧૦૦ રૂપિયાના નજીવા દરે તેમની ફિલ્મો દર્શાવવાનું શરૂ કરી દીધું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,સિતારે જમીન પર’ ૨૦૧૮ની સ્પેનિશ ફિલ્મ ‘ચેમ્પિયન્સ’ની ઑફિસિયલ હિન્દી રીમેક ફિલ્મ છે. બાસ્કેટ બોલનો સસ્પેન્ડેડ કોચ કેવી રીતે મનો દિવ્યાંગ બાળકોને રમતની તાલીમ આપી તેમને કુશળ ખેલાડી તરીકે તૈયાર કરે છે તેની હૃદયદ્રાવક કથા પર આધારીત આ ફિલ્મ ગત ૨૦ જૂન ૨૦૨૫ના રોજ રિલિઝ થઈ હતી જેને યુટ્યુબ પર રિલિઝ કરવાના પ્રસંગે આમિર ખાન સરહદી કચ્છના કોટાય ગામમા આવ્યા હતા.

આ પણ વાંચો…આમિર ખાનના ઘરે 25 IPS અધિકારીઓ શા માટે પહોંચ્યા? વીડિયો વાયરલ

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button