સંધ્યા થિયેટર કેસમાં અલ્લુ અર્જુનની મુસીબત વધી, રેગ્યુલર જામીન અરજી પર 3 દિવસ પછી લેવાશે નિર્ણય

તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુન હાલમાં તેમની ફિલ્મ પુષ્પા-2ને લઇને અનેક સારા-નરસા કારણોને લીધે ચર્ચામાં છે. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં તેમની ફિલ્મના પ્રીમિયર દરમિયાન ધક્કામુક્કીમાં એક મહિલાના મૃત્યુના કેસમાં તેમને આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં આરોપી અલ્લુ અર્જુને હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી, પરંતુ સુનાવણી બાદ હજુ સુધી નિર્ણય આવ્યો નથી. કોર્ટમાં તેમની જામીન અરજી મોકુફ રાખવામાં આવી છે. કોર્ટે અલ્લુ અર્જુનના નિયમિત જામીન પરનો નિર્ણય ત્રણ દિવસ માટે મોકુફ રાખ્યો છે.
ચાર ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં અલ્લુ અર્જુનની ઉપસ્થિતિને કારણે નાસભાગ મચી હતી, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને તેનો પુત્ર ઘાયલ થયો હતો. આ મામલે અલ્લુ અર્જુનની 13 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી પરંતુ, હાઈકોર્ટે અલ્લુ અર્જુનને વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. નામપલ્લી કોર્ટ દ્વારા આપવામાં આવેલી 14 દિવસની ન્યાયિક કસ્ટડી શુક્રવારે સમાપ્ત થઈ. જોકે, સુપરસ્ટારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નજીકની કોર્ટમાં પોતાની હાજરી નોંધાવી હતી. પરંતુ કોર્ટે તેમની જામીન અરજી પરનો નિર્ણય ત્રણ દિવસ માટે મોકુફ રાખ્યો છે. કોર્ટ હવે 3જી જાન્યુઆરીએ અલ્લુ અર્જુનના નિયમિત જામીન પર નિર્ણય જાહેર કરશે.
આ પણ વાંચો…કંઇક આ રીતે દિલજીત દોસાંજે આપી ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ, વીડિયો થયો વાયરલ
કોર્ટમાં આજે પબ્લિક પ્રોસિક્યુશન દ્વારા અલ્લુ અર્જુનની જામીન અરજી ફગાવવાની માંગ કરવામાં આવી હતી. અલ્લુ અર્જુનના વકીલ નિરંજન રેડ્ડીએ તેમની જામીન અરજી માટે દલીલ કરી હતી. બંને પક્ષની દલીલ પૂર્ણ થયા બાદ કોર્ટે તેમનો ચૂકાદો 3 જાન્યુઆરી સુધી મુલતવી રાખ્યો હતો.