મનોરંજન

જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુને માફી માંગી અલ્લુ અર્જુને, કહ્યું કે…

સાઉથના મેગા સ્ટાર અલ્લુ અર્જુનને તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ આજે એટલે કે (14 ડિસેમ્બર) સવારે હૈદરાબાદ સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ અને તેમના સસરા કંચરલા ચંદ્રશેખર તેમને રિસીવ કરવા જેલમાં પહોંચ્યા હતા. અલ્લુ અર્જુનના ફેન્સ તેની રિલીઝથી ઘણા ખુશ થયા છે. જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુન હવે તેના ઘરે પહોંચી ગયો છે. ઘરે પહોંચીને તેણે તમામ ચાહકોના પ્રેમ અને સમર્થન માટે આભાર માન્યો હતો.

જેલમાંથી બહાર આવ્યા બાદ અલ્લુ અર્જુને મીડિયા સાથે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘ચિંતા કરવાની કોઈ વાત નથી. હું ઠીક છું. હું કાયદામાં માનું છું. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે તેથી હું ટિપ્પણી નહીં કરું. હું કાયદાનું પાલન કરતો નાગરિક છું. હું પોલીસને સહકાર આપીશ.’

પીડિત પરિવાર પ્રત્યે દુઃખ વ્યક્ત કરતા અભિનેતાએ કહ્યું હતું કે, ‘જીવ ગુમાવનાર મહિલાના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. આ એક કમનસીબ ઘટના હતી. હું મૃતક મહિલાના પરિવારને દરેક સંભવિત રીતે ટેકો આપવા માટે હાજર રહીશ. ‘
આ ઘટના વિશે વાત કરતા અલ્લુ અર્જુને કહ્યું કે આ ઘટના અજાણતા બની હતી. અભિનેતાએ કહ્યું હતું કે, ‘જ્યારે હું ફિલ્મ જોવા ગયો હતો ત્યારે અચાનક આ ઘટના બની. આ કૃત્ય ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું ન હતું. છેલ્લા 20 વર્ષથી હું ફિલ્મો જોવા સિનેમા હોલમાં જઉં છું. મારા માટે સિનેમા હોલમાં ફિલ્મ જોવી એ હંમેશા એક સુખદ અનુભવ રહ્યો છે, પરંતુ આ વખતે આવી દુર્ઘટના બની જેનો મને રંજ છે. આ સમય દરમિયાન મારી સાથે ઉભા રહેલા તમામનો હું આભારી છું. દરેકના પ્રેમ અને સમર્થન માટે ખૂબ ખૂબ આભાર. તમારા સમર્થનને કારણે જ આજે હું અહીં છું. હું મારા ચાહકોનો આભાર માનવા માંગુ છું. ‘


Also read: વહેલી સવારે જેલમાંથી છૂટ્યો અલ્લુ અર્જુન કેદી નંબર 7697, જેલમાં વિતાવી રાત


જેલમાંથી બહાર આવ્યા બાદ અલ્લુ અર્જુન સૌથી પહેલા ગીતા આર્ટસની ઓફિસે પહોંચ્યા હતા. ગીતા આર્ટસ દક્ષિણ ભારતીય સિનેમાની સૌથી મોટી અને લોકપ્રિય ફિલ્મ નિર્માણ અને વિતરણ કંપની છે, જેની શરૂઆત 1972માં અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ દ્વારા કરવામાં આવી હતી. અભિનેતા અલ્લુ અર્જુન પણ તેની કામગીરીમાં સક્રિયપણે ભાગ લે છે. પોતાનું પ્રોડક્શન હાઉસ ગીતા આર્ટ્સ છોડ્યા બાદ અલ્લુ સીધો તેના ઘરે ગયો હતો. તેમના ઘરની બહાર પહેલેથી જ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

શું હતો મામલો?
4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2’ની સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન મચેલી નાસભાગને કારણે એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. આ કેસમાં ગત રાત્રે (13 ડિસેમ્બર) એક્ટર અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી. અલ્લુ અર્જુનને 14 દિવસના રિમાન્ડ પર મોકલ્યા બાદ શુક્રવારે તેમને સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યા હતા. બાદમાં તેલંગાણા હાઈકોર્ટે તેમને રૂ. 50,000ના અંગત બોન્ડ પર વચગાળાના જામીન આપ્યા હતા. પરંતુ આ પછી પણ તેમને જેલમાં રાત વિતાવવી પડી હતી, કારણમાં એમ જાણવા મળ્યું હતું કે જામીન ઓર્ડરની નકલો ઓનલાઈન અપલોડ કરવામાં આવી ન હતી, જેના કારણે અભિનેતાને જેલમાં રાત વિતાવવી પડી હતી.

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ વિશે વાત કરીએ તો, ફિલ્મને લઈને દર્શકોમાં એક અલગ જ સ્તરનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મે દેશના નોર્થ બેલ્ટ, સાઉથ બેલ્ટના સિમાડા ભૂંસી નાખ્યા છે. સાઉથના એક્ટરની ફિલ્મનો નોર્થના હિન્દી ભાષી બેલ્ટમાં પણ જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button