હૈદરાબાદઃ આખી રાત જેલમાં રહ્યા બાદ આખરે અલ્લુ અર્જુનને આજે (14 ડિસેમ્બર) સવારે 6.40 વાગ્યે મુક્ત કરવામાં આવ્યો હતો. અભિનેતાના પિતા અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અલ્લુ અરવિંદ અને અભિનેતાના સસરા કંચરલા ચંદ્રશેખર અલ્લુ અર્જુનને લેવા હૈદરાબાદની સેન્ટ્રલ જેલમાં પહોંચ્યા હતા. એક્ટર અલ્લુ અર્જુનની ગઈકાલે (13 ડિસેમ્બર) પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન મહિલાના મૃત્યુના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. અલ્લુ અર્જુનને ગઈકાલે જ આ કેસમાં જામીન મળી ગયા હતા, પરંતુ તે પછી પણ તેને જેલમાં જ રાત વિતાવવી પડી હતી. અભિનેતા જેલમાંથી છૂટ્યા બાદ હવે તેના ચાહકો અને દર્શકો ખુશ દેખાઈ રહ્યા છે. અલ્લુ અર્જુનની મુક્તિ પર તેના વકીલ અશોક રેડ્ડીએ કહ્યું છે કે કોર્ટના આદેશ મુજબ અલ્લુ અર્જુનને ગઈકાલે (13 ડિસેમ્બર) મુક્ત કરવો જોઈતો હતો. તેમની સાથે જે થયું તે યોગ્ય ન હતું. અમે કાયદાકીય માધ્યમથી આગળ વધીશું.
હકીકતમાં, રાત્રે એવું કહેવામાં આવ્યું હતું કે અલ્લુ અર્જુનના જામીનના આદેશની નકલો ઓનલાઈન અપલોડ ન થવાને કારણે મુક્ત કરી શકાયો નથી. અધિકારીઓએ તેમના રહેવા માટે વર્ગ-1 બેરેક તૈયાર કરી હતી. જો કે, જ્યારે ગઈકાલે રાત્રે સમાચાર આવ્યા કે અલ્લુ અર્જુનને રાત્રે રિલીઝ કરવામાં આવશે નહીં, ત્યારે અભિનેતાના ચાહકોનો ગુસ્સો જોવા મળ્યો હતો. ચંચલગુડા જેલની બહાર લોકો એકઠા થયા અને વિરોધ કરવા લાગ્યા હતા.
અલ્લુ અર્જુનની શુક્રવારે સવારે 12 વાગ્યે તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, 4 વાગ્યે તેમને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આ પછી અભિનેતાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તેલંગાણા હાઈકોર્ટે 5 વાગ્યે જામીન આપ્યા હતા, પરંતુ પોલીસે અલ્લુ અર્જુનની જે રીતે તેના ઘરેથી ધરપકડ કરી તેના પર અભિનેતાએ વાંધો ઉઠાવ્યો હતો. અલ્લુ અર્જુન ધરપકડની રીતથી ખુશ દેખાતા નહોતા. આને લગતો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં અલ્લુ અર્જુન લિફ્ટમાં જતો જોવા મળે છે, જ્યાં પહેલા અલ્લુએ સાદી ટી-શર્ટ પહેરી હતી, બાદમાં તેઓ હૂડી પહેરીને બહાર આવ્યા હતા, જેના પર લખ્યું હતું – ‘તે ફાયર છે, ફૂલ નથી’.
Also read: ‘પુષ્પા 2’ની રિલીઝ પહેલા જ અલ્લુ અર્જુન મુશ્કેલીમાં, નોંધાઈ FIR
અલ્લુ અર્જુન તેમની ફિલ્મ પુષ્પા-2 દ્વારા ત્રણ વર્ષ પછી સિનેમાઘરોમાં પાછા ફર્યા છે. તેમની ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. અલ્લુ અર્જુન માટે ચાહકો કેટલા ક્રેઝી છે તેનો અંદાજ પટણામાં ફિલ્મના ટ્રેલર લૉન્ચ વખતે ભેગી થયેલી ભીડ પરથી લગાવી શકાય છે. દેશે કદાચ ક્યારેય કોઈ દક્ષિણ ભારતીય સ્ટાર માટે પટણામાં આટલી મોટી ભીડ જોઈ નથી, પરંતુ અલ્લુ અર્જુને ભાષાને અડચણ ન બનવા દીધી. તે ભાષાના સિમાડાઓને પણ ઓળંગી ગયા છે અને કદાચ આ પહેલી વાર છે કે દક્ષિણનો કોઇ સ્ટાર ઉત્તરના હિન્દી બેલ્ટમાં આટલું બધું આકર્ષણ જન્માવી શક્યો છે.
આવું જ ગાંડપણ હૈદરાબાદમાં પણ જોવા મળ્યું જ્યારે તેના ચાહકો ફિલ્મ જોવા આવ્યા હતા. પોતાના ચાહકોની આ દિવાનગી જોઈને અલ્લુ અર્જુન પોતાની જાતને રોકી ન શક્યો અને અડધી રાત્રે હૈદરાબાદના થિયેટરની બહાર પોતાના ચાહકોને મળવા પહોંચી ગયો હતો. અલ્લુ અર્જુનને સામે જોઈને ચાહકોનો ઉત્સાહ વધી ગયો હતો. આ તારીખ 4 ડિસેમ્બર હતી. મોટી સંખ્યામાં ચાહકોએ તેમની સાથે થિયેટરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. જેના કારણે થિયેટરમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ અને ત્યારબાદ લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. ભીડને કાબૂમાં લેવા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. ભીડ શમી ગયા બાદ શ્વાસ રૂંધાવાને કારણે બેભાન થઈ ગયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ આ દરમિયાન એક મહિલાનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું