બોલો, હવે અલ્લુ અર્જુન આરોપી નંબર 11 તરીકે ઓળખાવા લાગ્યો, જાણો કારણ?
હૈદરાબાદઃ ફિલ્મ ‘પુષ્પા 2’ના પ્રીમિયર દરમિયાન નાસભાગ દરમિયાન એક મહિલાના મોત મામલે તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુન રવિવારે પોલીસ સમક્ષ હાજર થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે અભિનેતા ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનના એસએચઓ સમક્ષ હાજર થયો હતો અને કોર્ટની ઔપચારિકતા પૂર્ણ કરી અને ત્યાંથી રવાના થયો હતો. આ કેસમાં અલ્લુ અર્જુનને આરોપી નંબર 11 તરીકે ઓળખવામાં આવી રહ્યો છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યો છે.
આ પણ વાંચો: ‘અલ્લુ અર્જુન અને સરકાર તરફથી મળી રહ્યો છે સહયોગ’, પીડિત બાળકના પિતાએ આપ્યું મોટું નિવેદન
ચાર્જશીટ સુધી અધિકારી સમક્ષ હાજર થવું પડશે
નોંધનીય છે કે આ કેસમાં અલ્લુ અર્જુનને 3 જાન્યુઆરીએ કોર્ટે નિયમિત જામીન આપ્યા હતા. કોર્ટના નિર્દેશો મુજબ, અભિનેતાએ દર રવિવારે સવારે 10 થી 1 વાગ્યાની વચ્ચે બે મહિનાના સમયગાળા માટે અથવા ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી તપાસ અધિકારી સમક્ષ હાજર રહેવું પડશે. આ સિવાય કોર્ટે અલ્લુ અર્જુનને કોર્ટને જાણ કર્યા વિના પોતાનું સરનામું ન બદલવાનો નિર્દેશ આપ્યો હતો અને મંજૂરી વિના વિદેશ જવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. જ્યાં સુધી આ મામલે નિર્ણય ન લેવાય ત્યાં સુધી આ શરતો અમલમાં રહેશે.
સંધ્યા થિયેટરમાં પ્રીમિયર વખતે થઈ હતી નાસભાગ
4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2’ના પ્રીમિયર દરમિયાન અભિનેતાની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ચાહકો એકઠા થયા હતા અને દરમિયાન નાસભાગ થતા એક 35 વર્ષની મહિલાનું મોત થયું હતું અને તેનો આઠ વર્ષનો પુત્ર ઘાયલ થયો હતો.
દરમિયાન રામગોપાલપેટ પોલીસ સ્ટેશનના પ્રભારીએ અલ્લુ અર્જુનને નોટિસ મોકલીને રવિવારે હોસ્પિટલમાં જવાના તેના પ્લાન પર ફરીથી વિચાર કરવા કહ્યું હતું કારણ કે આ કેસમાં લોકોને વધુ રસ છે. પોલીસે અભિનેતાને એ સુનિશ્વિત કરવા કહ્યું હતું કે તેના હોસ્પિટલ જવાથી હોસ્પિટલના મેનેજમેન્ટ અને દર્દીઓને તકલીફ પડી શકે છે.
હોસ્પિટલના દર્દીઓને કોઈ અસુવિધા થવી જોઈએ નહીં
પોલીસે કહ્યું કે જો તે હજી પણ હોસ્પિટલમાં જવા માંગે છે તો અભિનેતાના મેનેજમેન્ટે હોસ્પિટલ સત્તાવાળાઓ અને પોલીસ સાથે સંકલન કરવા કહેવામાં આવ્યું છે, જેથી તેના પ્રવેશ અને બહાર નીકળવાની યોજના એવી રીતે બનાવવામાં આવી શકે જેથી હોસ્પિટલના દર્દીઓને કોઈ અસુવિધા ન થાય. પોલીસે તેમને તેમની મુલાકાતની પ્રાઇવેસી જાળવવાની સલાહ પણ આપી હતી, જેથી પરિસરમાં લોકો અને મીડિયા એકઠા ન થાય કારણ કે તે હોસ્પિટલના શાંતિપૂર્ણ વાતાવરણને બગાડી શકે છે. જો કે, સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે અભિનેતાએ તેની કાનૂની ટીમની સલાહ લઇને હોસ્પિટલ જવાની યોજના રદ્દ કરી દીધી છે.