
મુંબઈઃ હૈદરાબાદ પોલીસે એક્ટર અલ્લુ અર્જુનની સંધ્યા થિયેટરમાં ભાગદોડ મામલે આજે ધરપકડ કરી હતી. હવે તેને 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
શું છે મામલો
નોંધનીય છે કે 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં ફિલ્મ ‘પુષ્પા 2’નો પ્રીમિયર યોજાયો હતો. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના પણ ફિલ્મના પ્રીમિયરમાં હાજરી આપી હતી. આ વખતે અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ચાહકોની ભીડ ઉમટી પડી હતી. ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં એક મહિલા (રેવતી 35 વર્ષ)નું મોત થયું હતું અને કેટલાક લોકો ઘાયલ થયા હતા.
મૃતક મહિલાના પરિવારે અલ્લુ અર્જુન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટના અંગે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો, ત્યાર બાદ થિયેટર માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ FIR પણ દાખલ કરવામાં આવી હતી. અલ્લુ અર્જુને વચન આપ્યું હતું કે પીડિતાના પરિવારને રૂ 25 લાખની સહાય આપવામાં આવશે. તેમણે રેવતીના પુત્રના તબીબી ખર્ચની કાળજી લેવાની ખાતરી પણ આપી હતી.
આ પણ વાંચો : હૈદરાબાદ થિયેટર સ્ટેમ્પેડ કેસમાં અલ્લુ અર્જુનની મુશ્કેલી વધી, જાણો હકીકત?
આ મામલે પોલીસે જણાવ્યું હતું કે અલ્લુ અર્જુન અને તેની ટીમે પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન પોલીસને કોઇ પૂર્વ સૂચના આપી નહોતી. અભિનેતાને જોવા માટે થિયેટરમાં ભારે ભીડ ઉમટી હતી અને પરિસ્થિતિ કાબૂ બહાર થઇ ગઇ હતી.
હજી બુધવારે જ અલ્લુ અર્જુને તેલંગણા હાઈ કોર્ટનો સંપર્ક કરી તેની સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાની માંગ કરી હતી. અરજીમાં અલ્લુ અર્જુનના વકીલે દલીલ કરી હતી કે અભિનેતા નાસભાગથી અજાણ હતો, કારણ કે તે ઘટના સમયે થિયેટરની અંદર હતો. વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે પ્રોડક્શન હાઉસે અભિનેતાના આવવાની જાણ થિયેટરના મેનેજમેન્ટ અને પોલીસ વિભાગને કરી હતી, જેથી કોઈ અપ્રિય ઘટના ટાળી શકાય.