ઐશ્વર્યા મેક-અપ વિના કરેલી ફિલ્મે કરી હતી આટલા કરોડની કમાણી…
મુંબઈ: બોલીવુડમાં અત્યાર સુધીની સૌથી સુંદર અભિનેત્રીઓના નામ લેવાય તો એક નામ તેમાં અચૂક લેવાય જ અને તે નામ છે ઐશ્વર્યા રાય બચ્ચનનું. ઐશ્વર્યા રાયની ખૂબસૂરતીની સાથે સાથે તેના અભિનયના પણ જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. સૌંદર્યજગતમાં ભારતનું નામ રોશન કર્યા બાદ બોલીવુડમાં પદાર્પણ કરતાની સાથે જ ઐશ્વર્યાએ ઘણા ઓછા સમયમાં નામ કમાવી લીધું હતું.
જોકે અભિનેત્રીઓ મેક-અપની સાથે જ ફિલ્મો કરતી હોય છે અને મેક-અપ વિના તે સ્ક્રિન પર જેટલી સુંદર દેખાય છે તેટલી સુંદર દેખાતી નથી તેવો સામાન્ય અભિપ્રાય છે, પરંતુ ઐશ્ર્વર્યા આમાં પણ અપવાદરૂપ સાબિત થઇ હતી.
ઘણા ઓછા લોકોને જાણ હશે કે ઐશ્વર્યા રાયે એક ફિલ્મમાં એક વખત પણ મેક-અપનો ઉપયોગ કર્યો નહોતો અને એ ફિલ્મે બોક્સ ઑફિસ પર ધમાલ મચાવી હતી. આખી ફિલ્મમાં ઐશ્ર્વર્યા એકદમ સિમ્પલ-સાદગી ભરેલા લુકમાં જોવા મળી હતી. કોઇપણ જાતની લાલી-લિપ્સ્ટીક નહીં, કોઇ તામ-જામ નહીં, કોઇ આયલેશસ કે આઇ-બ્રૉ કલરીંગ કે એડ્જસ્ટીંગ નહીં. સાદગીમાં સુંદરતાને સાર્થક કરતો દેખાવ ઐશ્વર્યાનો આ ફિલ્મમાં હતો.
આ ફિલ્મ બનાવી હતી સુભાષ ઘાઇએ અને તેનું નામ હતું ‘તાલ’. અક્ષય ખન્ના અને અનિલ કપૂરને ચમકાવતી ફિલ્મમાં ઐશ્વર્યા મુખ્ય નાયિકાનું પાત્ર ભજવી રહી હતી. ગામડાની ગોરી કહીએ તેવો જ તેનો દેખાવ આ ફિલ્મમાં હતો જેમાં કોઇપણ જાતની ભેળસેળ નહોતી કે નહોતું કોઇ આડંબર. કુદરતી સૌંદર્ય કેવું હોય તેની ઝલક ઐશ્વર્યાએ આ ફિલ્મમાં દેખાડી હતી અને ફિલ્મ પણ સુપર-હીટ સાબિત થઇ હતી. 45મા ફિલ્મ ફેર પુરસ્કારમાં આ ફિલ્મને 12 નોમિનેશન્સ મળ્યા હતા અને જેમાં સુભાષ ઘાઇને બેસ્ટ ડાયરેક્ટર, ઐશ્વર્યાને બેસ્ટ એક્ટ્રેસ માટે નોમિનેટ કરવામાં આવી હતી. જ્યારે એ.આર.રહેમાનને બેસ્ટ મ્યુઝિક, આનંદ બક્ષીને બેસ્ટ લિરિક્સ અને અનિલ કપૂરને બેસ્ટ એક્ટરનો એવૉર્ડ આ ફિલ્મે જ મેળવી આપ્યો હતો. આ ફિલ્મે કરોડો રૂપિયાની કમાણી તો કરી જ હતી, પરંતુ સાથે સાથે ઐશ્વર્યાનો કરીઅર ગ્રાફ પણ આસમાને પહોંચી ગયો હતો.