મેંગ્લોરની છોકરીએ સુંદરતાથી બોલીવૂડ જ નહીં દુનિયા પર કર્યું રાજ, સુપરસ્ટાર્સથી ભરેલો પરિવાર, 900 કરોડની નેટવર્થ…

હેડિંગ વાંચીને તમે પણ ગૂંચવાઈ ગયા હશો, પરંતુ વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને જણાવી દઈએ કે અહીં વાત થઈ રહી છે બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચનની. આજે ઐશ્વર્યા રાય-બચ્ચનનો 52મો જન્મદિવસ છે. 1984માં મિસ વર્લ્ડનો ખિતાબ જિતનારી ઐશ્વર્યાએ પોતાની સુંદરતાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહીં પણ દુનિયા પર રાજ કર્યું છે. ચાલો આજે બર્થડે ગર્લના બર્થડે પર જાણીએ તેના વિશેની કેટલીક અનોખી વાતો…
મેંગ્લોરમાં જન્મેલી છોકરી બની બોલીવૂડની બ્યુટી
ઐશ્વર્યા રાયનો જન્મ ભલે મેંગ્લોરમાં થયો હોય, પરંતુ તેનું બાળપણ સપનાની નગરી મુંબઈમાં વીત્યું છે. સ્કુલિંગ, કોલેજથી માંડીને ઐશ્વર્યા મુંબઈની જ થઈને રહી ગઈ. 90ના દાયકામાં ઐશ્વર્યાએ ગ્લેમરની દુનિયામાં પગ મૂક્યો અને 1994માં તેને મિસ વર્લ્ડના ખિતાબથી નવાજવામાં આવી. બસ ત્યાર બાદ જ રાતોરાત ઐશ્વર્યા સ્ટાર બની ગઈ અને તેને ફિલ્મોની ઓફર આવવા લાગી.

1997માં આવેલી ફિલ્મ ઈરૂવરથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું અને ત્યાર બાદ બોબી દેઓલ ફિલ્મ ઔર પ્યાર હો ગયાથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યુ. ત્યારથી લઈને આજ દિવસ સુધી બોલીવૂડમાં આ બ્યુટીફૂલ બેબનો ડંકો વાગી રહ્યો છે.
સુપર સ્ટાર્સથી ભરપૂર પરિવાર
ઐશ્વર્યા રાય-બચ્ચનએ બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલી એવા બચ્ચન પરિવારના ચિરંજીવ અભિષેક બચ્ચન સાથે 2007માં લગ્ન કરી લીધા હતા. વાત કરીએ ઐશ્વર્યાના પરિવાર વિશે તો ઐશ્વર્યાના સાસુ-સસરા જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારોમાંથી એક છે. જ્યારે પતિ અભિષેક બચ્ચન પણ બોલીવૂડ એક્ટર છે. આમ ઐશ્વર્યાનો પરિવાર સુપરસ્ટાર્સથી હર્યો ભર્યો પરિવાર છે.

આ છે ઐશ્વર્યાના યાદગાર રોલ
વાત તરીએ ઐશ્વર્યાના આઈકોનિક રોલની તો તેણે પોતાની કારકિર્દી દરમિયાન 50થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ આજે પણ લોકો 2008માં આવેલી ફિલ્મ જોધા અકબરમાં જોધાના રોલ માટે ઓળખે છે. આ ફિલ્મમાં રીતિક રોશન સાથે તેની જોડી કમાલની હતી. આ સિવાય તેણે સલમાન ખાન સાથે ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમમાં કામ કર્યું હતું અને આ ફિલ્મમાં તેણે નંદિનીની રોલ કર્યો હતો, જે આજે પણ દર્શકોને યાદ છે. આ સિવાય દેવદાસ ફિલ્મમાં તેણે નિભાવેલો આઈકોનિક પારોનો રોલ પણ એટલો જ યાદગાર હતો.
પ્રાઈવેટ લાઈફ જીવવાનું પસંદ કરે છે
50થી વધુ ફિલ્મોમાં કામ કર્યા બાદ આજે પણ ઐશ્વર્યા પ્રાઈવેટ લાઈફ જીવવાનું પસંદ કરે છે. સોશિયલ મીડિયા અને લાઈમલાઈટથી દૂર ઐશ્વર્યાએ હાલમાં પોતાની 13 વર્ષની દીકરી આરાધ્યાના ઉચ્છેર પર ધ્યાન આપી રહી છે. તે છેલ્લે મણિરત્નમની ફિલ્મ પોન્નિયન સેલ્વિનમાં જોવા મળી હતી.

ફિલ્મોથી દૂર છતાં પણ નેટવર્થનો આંકડો ચોંકાવનારો
2007માં અભિષેક બચ્ચન સાથેના લગ્ન બાદ ઐશ્વર્યા ફિલ્મોથી દૂર રહેવા લાગી. પરંતુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને એડવર્ટાઈઝમેન્ટથી ઐશ્વર્યાએ લખલૂટ કમાણી કરી છે. આજે પણ તે એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે કરોડોની ફી લે છે. વાત કરીએ તેની નેટવર્થની તો એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ઐશ્વર્યાની નેટવર્થ 900 કરોડ રૂપિયાથી પણ વધારે છે અને તેની ગણતરી ઈન્ડસ્ટ્રીની રિચેસ્ટ એક્ટ્રેસ તરીકે કરવામાં આવે છે.
પારિવારિક કારણોસર રહે છે ચર્ચામાં
ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાક સમયથી ચર્ચામાં છે. અનેક અહેવાલોમાં કરવામાં આવેલા દાવા અનુસાર ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચનની મેરિડ લાઈફમાં ભંગાણ પડ્યું છે અને ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે પોતાની માતાના ઘરે રહે છે. જોકે, આ બાબતે હજી સુધી ઐશ્વર્યા કે અભિષેક દ્વારા કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું.



