ઐશ્વર્યા બાદ અભિષેકને પણ કોર્ટે આપી રાહતઃ સેલિબ્રિટીઝ માટે આવકારદાયક ચૂકાદો…

દિવાળી સમયે મળતા લક્ષ્મીબોમ્બ પર એક સમયે અભિનેત્રી શ્રીદેવી કે જયાપ્રદાનાં ફોટા લગાડવામાં આવતા હતા તો કોઈ ફેન તેની રિક્ષા પાછળ પોતાના ફેવરીટ હીરો રે હીરોઈનનો ફોટો લગાવતો. જોકે આજના સમયમાં વેબસાઈટથી માંડી સોશિયલ મીડિયા એપ્સ પર સેલિબ્રેટિઝના ફોટા, વીડિયો કે ઓડિયો વાયરલ થવાનું પ્રમાણ વધી ગયું છે.
આને કારણે ઘણીવાર ફિલ્મ કે ક્રિકેટજગતની સેલિબ્રિટીઝના નામનો કે અવાજનો ગેરઉપયોગ થાય છે. આવા જ કારણોસર પહેલા અભિનેત્રી ઐશ્વર્યા રાય અને ત્યારબાદ અભિષેક બચ્ચન એમ પતિ-પત્નીએ અલગ અલગ અરજી કરી કોર્ટમાં કેસ કર્યો હતો અને કોર્ટે બન્ને સ્ટાર્સને રાહત આપી છે, પરંતુ કોર્ટનો આ ચૂકાદો અન્ય જાણીતી હસ્તીઓ માટે પણ આવકારદાયક ગણવામાં આવે છે.
કોર્ટે અભિષેકને આપી રાહત
ઐશ્વર્યા બાદ અભિષેકે પણ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે તેના વ્યક્તિગત હકોનું રક્ષણ થવું જોઈએ, તેવા તારણ સાથે ચૂકાદો આપતા કહ્યું કે અભિનેતાની પરવાનગી વિના ઑનલાઈન પ્લેટફોર્મ પર તેનો ફોટો, અવાજ કે વીડિયો વગેરેનો ઉપયોગ નહીં થઈ શકે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ AI જનરેટેડ મટિરિયલના ઉપયોગ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
અભિષેકે પોતાની પર્સનાલિટી રાઈટ્સ મામલે દિલ્હી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અભિનેતાએ પોતાની અરજીમાં તેનો અવાજ, ફોટો, વીડિયો, નામ કે વ્યક્તિત્વનો ઉપયોગ પરવાનગી વિના કરવામાં આવતો હોવાનો વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે સુનાવણી બાદ કોર્ટે અભિષેકને અંતરિમ રાહત આપી છે.
ઐશ્વર્યાને રાહત આપતા કોર્ટે કહ્યું હતું કે…
બે દિવસ પહેલા ઐશ્વર્યા રાયની અરજી પર પણ આ પ્રકારે સુનાવણી કરી હતી અને તેને રાહત આપી હતી. કોર્ટે આ મામલે મહત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે અભિનેત્રીને ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે. તેનાં ફોટા કે ઓડિયો વીડિયોનો ઉપયોગ તેની પરવાનગી વિના કરવો તે તેના પર્સનલ રાઈટ્સનું ઉલ્લંઘન છે.
કોર્ટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ, ગુગલ વગેરેને નોટિસ આપી. અભિનેત્રીની 72 કલાકની અંદર ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલી યુઆરએલને હટાવવાનો, ઈનએક્ટિવ કરવાનો અથવા બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે જ્યારે કોઈ જાણીતી વ્યક્તિના ચહેરાનો ઉપયોગ તેમની સહમતી વિના થાય છે
ત્યારે તેમને વ્યાવસાયિક નુકસાન પણ થાય છે. આમ થવાથી તેમને સન્માપૂર્વક જીવવાનો જે અધિકાર છે, તેના પર પણ અસર થાય છે. કોર્ટે આઈટી એન્ડ ઈલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટને આ આદેશ આપ્યો છે.
આ પણ વાંચો…ઐશ્વર્યા રાયને હાઈકોર્ટથી મોટી રાહતઃ કોર્ટના તારણો જાણવા જેવા