અહાન પાંડેઃ પહેલી ફિલ્મથી નેશનલ ક્રશ બનેલો હીરો લાંબી રેસનો ઘોડો સાબિત થશે કે નહીં?

અહાન પાંડેઃ પહેલી ફિલ્મથી નેશનલ ક્રશ બનેલો હીરો લાંબી રેસનો ઘોડો સાબિત થશે કે નહીં?

પિરિયોડિકલ ફિલ્મ્સ, સિક્વલ્સ કે બીબાઢાળ એક્શન પેક ફિલ્મોની વચ્ચે એક લવસ્ટોરીએ બાજી મારી છે. ફિલ્મની સ્ટોરી ખાસ કંઈ નવી નથી બીમારીવાળી ક્લિશે સ્ટોરી જ છે, રોના-ધોના, ગાના-બજાના, મિલના-બિછડના વગેરે વગેરે…પણ છતાં આ ફિલ્મ ચાલી છે તેનું એક ખાસ કારણ ફિલ્મની સ્ટારકાસ્ટ છે. લિડ રોલમાં અહાન પાંડે અને અનીત પડ્ડાએ એવું જો આકર્ષણ જમાવ્યું છે કે બાકીના બધા પાસા બાજુએ મૂકાઈ ગયા છે, હા સંગીતનો જાદુ પણ એટલે જ જબરજસ્ત છે. હા, મોહીત સૂરીની ફિલ્મ સૈયારાએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે અને બાકીની ફિલ્મોએ પોતાની રિલિઝ પાછી ઠેલવવી પડે તેવો તરખાટ મચાવ્યો છે.

ફિલ્મની હીરોઈન અનીત પડ્ડા પહેલા ઓટીટી પર દેખાઈ ચૂકી છે અને વર્ષો પહેલા કાજોલ સાથે પણ ફિલ્મ કરી ચૂકી છે, પરંતુ હીરો અહાન પાંડે પહેલીવાર જ પદડા પર દેખાયો છે અને છવાઈ ગયો છે. અહાન ચંકી પાંડેના ભાઈનો દીકરો છે, એટલે સ્ટારકિડનું લેબલ તેના પર લાગી ગયું છે. જોકે તે અન્ય સ્ટારકિડથી અલગ સાબિત થયો છે. તેનું કારણ એ છે કે તે સોશિયલ મીડિયા કે લાઈમલાઈટથી દૂર જ રહ્યો છે. આ તેની સ્ટ્રેટેજી છે કે પછી તે રિઝર્વ્ડ છે તે ખબર નથી, પણ આ વાત કામ કરી ગઈ છે.

ફિલ્મમાં તે ક્યાંય નવો લાગતો નથી. હા, પહેલા એકાદ બે સિનમાં તેની ડાયલૉગ ડિલિવરી થોડી વિક છે, પરંતુ એક સ્ટ્રગલિંગ સિંગર અને ઈન્ટેન્સ્ડ લવરના રોલમાં તે એકદમ પરફેક્ટ દેખાયો છે. તેના ચહેરા પર ઈમોશન્સ, લવ, દર્દ બધું જ દેખાય છે. ગીતો ગાતો કે ફાઈટિંગ કરતો તે સારો લાગે છે. ત્યારે હવે જોવાનું એ છે કે અહાન માત્ર એક ફિલ્મ પૂરતો જ સ્ટાર બની રહે છે કે લાંબી રેસનો ઘોડો સાબિત થાય છે. અહાન પહેલા ઘણા એવા હીરો-હીરોઈન આવી ગયા છે જેમની પહેલી ફિલ્મ સુરહીટ નિવડી હોય, પણ પછીથી તેમણે સ્ટ્રગલ કરવી પડી હોય અથવા ખોવાઈ ગયા હોય.

લવસ્ટોરી ફિલ્મથી ધમાકો મચાવનારા રાજેન્દ્ર કુમારનો દીકરો કુમાર ગૌરવ આનું ઉદાહરણ છે. બૉબી બાદ રિષી કપૂરે પણ સ્ટ્રગલ કરવું પડ્યું હતું. કહોના પ્યાર હૈ…થી ત્રાટકનાર રીતિક રોશનની પણ પછીથી આવેલી ફિલ્મોએ ખાસ કંઈ ઉકાળ્યું નહીં. ફિઝા, મિશન કશ્મીર વગેરેમાં રિતિક ફેલ ગયો. ફરી પિતાની ફિલ્મ કોઈ મિલ ગયાથી તેણે કમબેક કર્યુ, પરંતુ કહો ના પ્યાર…બાદ અપેક્ષા પ્રમાણે તેનું કરિયર આગળ વધ્યું નથી. બીજી બાજુ રણબીરની પહેલી ફિલ્મ સાવરિયાં ફ્લોપ ગઈ, પણ તે ધીમે ધીમે સફળતા તરફ આગળ વધ્યો, બીવી હો તો ઐસીમાં સલમાન ખાનને કોઈએ જોયો પણ ન હતો અને મૈનેં પ્યાર કીયાથી રાતોરાત સ્ટાર બની ગયો.

તો બીજી બાજુ લાખો દિલોની ધડકન બની ગયેલી ભાગ્યશ્રી આગળ ન વધી શકી.ઘણા એવા સ્ટાર છે જે હીટ કે ફ્લોપથી ઈમ્પ્રેસ થયા વિના કામ કર્યે જાય છે. જ્યારે ઘણાને સફળતા માથે ચડી જાય છે, ખોટો અટીટ્યૂડ અને ખોટી ફિલ્મો સાઈન કરી તેઓ લોકપ્રિયતાને ધૂળધાણી કરી નાખે છે. ઘણા ફ્લોપથી હતાશ થઈ ફિલ્મીલાઈન છોડી દે છે.હવે અહાન તેની કરિયર આગળ કઈ રીતે લઈ જાય છે અને ઈન્ડસ્ટ્રીમાં સફળતાપૂર્વક કેટલો ટકી રહે છે તે જોવાનું રહ્યું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button