મનોરંજન

અગસ્ત્ય નંદાએ કેમ કહ્યું કે હું બચ્ચન કે કપૂર નથી, નંદા છું… બચ્ચન પરિવારમાં થઈ કોઈ ખટપટ?

હેડિંગ વાંચીને તમે પણ ગૂંચવાઈ ગયા ને? તમે કંઈ પણ આડું અવળું વિચારો એ પહેલાં તમને જણાવી દેવાનું કે બચ્ચન પરિવારમાં કોઈ ખટપટ નથી આ તો અગત્સ્ય નંદા પોતાની એક આગળી ઓળખ છે એ વિશે વાત કરી રહ્યો છે. બોલીવૂડમાં જ્યારે પણ કોઈ સ્ટાર કિડ ડેબ્યૂ કરે છે, ત્યારે તેની સરખામણી તેના પરિવારના અન્ય દિગ્ગજ કલાકારો સાથે થાય એ તદ્દન સ્વાભાવિક બાબત છે. પરંતુ અમિતાભ બચ્ચનના દોહિત્ર ભાણેજ અને રાજ કપૂરના પ્રપૌત્ર અગસ્ત્ય નંદાએ પોતાની પ્રથમ ફિલ્મ ઈક્કીસથી સાબિત કરી આપ્યું છે કે તે માત્ર એક વારસદાર નથી, પણ એક સીરિયસ એક્ટર પણ છે. પરંતુ આ બધા વચ્ચે અગત્સ્યએ આપેલું એક નિવેદન ખાસ્સું ચર્ચામાં છે.

અગસ્ત્ય નંદાએ પોતાની પ્રથમ ફિલ્મ માટે રોમેન્ટિક લવ સ્ટોરીને બદલે 1971ના યુદ્ધમાં શહીદ અરુણ ખેત્રપાલનું ભારેખમ પાત્ર પસંદ કરીને સૌને ચોંકાવી દીધા હતા. જોકે, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ‘ધુરંધર’ જેવી ફિલ્મોની આંધી વચ્ચે મધ્યમ પ્રદર્શન કર્યું છે, પરંતુ અગસ્ત્યની એક્ટિંગના ચારેબાજુ વખાણ થઈ રહ્યા છે. આ બધા વચ્ચે અગત્સ્યએ કહેલી એક વાત ચર્ચાનું કારણ બની છે અને એ એટલે કે હું કપૂર કે બચ્ચન નથી. ચાલો જાણીએ કે આખરે અગત્સ્યએ આ વાત કેમ કહી છે…

આ પણ વાંચો : રણવીરની ‘ધુરંધર’ સામે અગસ્ત્ય નંદાની ‘ઈક્કીસે’ જમાવ્યો સિક્કો, જાણો કેટલી કમાણી કરી…

સામાન્ય રીતે સ્ટાર કિડ્સ રોમેન્ટિક ફિલ્મોથી ડેબ્યૂ કરતા હોય છે, પરંતુ અગસ્ત્યએ વૉર ડ્રામા પસંદ કર્યો. ધર્મેન્દ્ર અને જયદીપ અહલાવત જેવા દિગ્ગજ કલાકારો સાથે સ્ક્રીન શેર કરવી એ નાનીસૂની વાત નથી. અમિતાભ બચ્ચન પણ આ અગત્સ્યને આ ફિલ્મમાં જોઈને એકદમ ઈમોશનલ થઈ હતા હતા કારણ કે તેમને ધર્મેન્દ્ર સાથે કામ કરવાની તક કારકિર્દીના ઘણા વર્ષો બાદ ફિલ્મ શોલેમાં મળી હતી, જ્યારે અગસ્ત્યને આ તક પ્રથમ ફિલ્મમાં જ મળી ગઈ હતી.

સોશિયલ મીડિયા હોય કે મીડિયામાં અગસ્ત્યની ઓળખ હંમેશા બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના દોહિત્ર તરીકે જ આપવામાં આવે છે. આ બાબતે 25 વર્ષના અગસ્ત્યએ ખૂબ જ પરિપક્વતાથી જવાબ આપતા જણાવ્યું હતું કે મારી સરનેમ બચ્ચન કે કપૂર નથી, હું નંદા છું. મારા પિતાને મારા પર ગર્વ થાય એવું કામ કરવું એ મારી પહેલી ફરજ છે. હું ક્યારેય અમિતાભ બચ્ચન કે રાજ કપૂર બની શકું તેમ નથી.

આ પણ વાંચો : O’Romeo ફિલ્મનું પોસ્ટર રિલીઝ: શાહીદ કપૂરના ખૂંખાર અંદાજે ફેન્સની આતુરતા વધારી

અગસ્ત્ય નંદા માત્ર ફિલ્મી પરિવારથી જ નહીં, પરંતુ દેશના મોટા ઉદ્યોગપતિ પરિવારમાંથી આવે છે. અગત્સ્ય નંદાના પિતા છે નિખિલ નંદા કે જેઓ જે એસ્કોર્ટ્સ કંપનીના સીએમડી છે અને અંદાજે રૂપિયા 42,000 કરોડથી વધુની સંપત્તિના માલિક છે. અગસ્ત્યએ ખુદ એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું છે કે તેના પિતાનો ઔદ્યોગિક સાહસિક વારસો તેના માટે વધુ મહત્વનો છે. હવે આવી સ્થિતિમાં ભવિષ્યમાં અગત્સ્ય એક્ટિંગમાં આગળ વધશે કે પિતાનો બિઝનેસ સંભાળશે એ તો સમય જ વધુ સારી રીતે કહી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ ઈક્કીસમાં એક યોદ્ધા પાત્ર ભજવીને અગસ્ત્યએ દર્શકોની તેના માટેની અપેક્ષાઓનું સ્તર ઊંચું કરી દીધું છે. હવે તેણે ‘વૉર મૂવી’ જોનરની બહાર નીકળીને અલગ પ્રકારના પાત્રો ભજવી પોતાની વર્સેટિલિટી સાબિત કરવી પડશે. જોકે, અગસ્ત્ય આગામી કઈ ફિલ્મમાં જોવા મળશે એની તો કોઈ માહિતી મળી શકી નહોતી, પરંતુ દર્શકો તેને એક ચોકલેટી બોયને બદલે સીરિયસ આર્ટિસ્ટ તરીકે જોવાનું પસંદ કરી રહ્યા છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button