અમદાવાદના નમો સ્ટેડિયમમાં ગઇકાલે યોજાયેલી ભારત અને પાકિસ્તાનની મેચના મહામુકાબલાને નિહાળવા અનેક બોલીવુડ સિતારાઓ પહોંચ્યા હતા. બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા પણ સ્ટેડિયમમાં પહોંચી હતી. તેણે સ્ટેડિયમની સ્ટોરી પર તેના સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જો કે તેણે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને તેણે જણાવ્યું છે કે તેનો આઇફોન સ્ટેડિયમમાં ખોવાઇ ગયો છે.
ઉર્વશીએ તેની પોસ્ટમાં લખ્યું હતું કે મારો 24 કેરેટ રિયલ ગોલ્ડનો આઇફોન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખોવાઇ ગયો છે. જો કોઇના ધ્યાનમાં આવે તો કૃપા કરીને જણાવો. અભિનેત્રીએ અમદાવાદ પોલીસને ટેગ કરીને મદદ માગી હતી.
અમદાવાદ પોલીસે તરત તેને રિપ્લાય આપી ફોનની વિગતો માગી હતી અને તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો આઇફોન પણ નમો સ્ટેડિયયમાંથી ગાયબ થયો હતો. અન્ય દર્શકોના પણ મોબાઇલ ફોન સ્ટેડિયમમાંથી ખોવાયાના કિસ્સા સામે આવ્યા છે ત્યારે પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.