ફેમિલી સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરી, પછી અભિનેત્રીએ કરી આત્મહત્યા
આજકાલ આત્મહત્યાઓના કિસ્સામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકો નાના-મોટા, નજીવા કારણસર જીવનનો અંત લાવવાનું નક્કી કરી લે છે. આવો જ આત્મહત્યાનો સનસનીખેજ મામલો વિદેશી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આત્મહત્યાના એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ‘પેરાસાઇટ’ ફિલ્મના અભિનેતાના મૃત્યુ બાદ વધુ એક આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીએ પોતાના પરિવાર સાથે ક્રિસમસ સેલિબ્રેટ કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. આ કેસની તપાસ ચાલી રહી છે.
હોંગકોંગની લોકપ્રિય અભિનેત્રી બોની લાઈ સુક યિનના અચાનક મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. અભિનેત્રીએ તેના પરિવાર સાથે ક્રિસમસની ઉજવણીના એક દિવસ બાદ 26 ડિસેમ્બરે આત્મહત્યા કરી લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે 47 વર્ષીય અભિનેત્રીને તેના ચાર પુત્રોમાંથી એક રૂમમાં બેભાન અવસ્થામાં મળી હતી, ત્યારબાદ અભિનેત્રીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ સમગ્ર મામલો હાલમાં તપાસ હેઠળ છે.
મળતી માહિતી અનુસાર અભિનેત્રીએ તેના રૂમમાં કોલસો સળગાવ્યો હતો અને ધુમાડાથી ગૂંગળામણને કારણે તેનું મૃત્યુ થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે આ અજાણતા નહીં પરંતુ આત્મહત્યા કરવા માટે કર્યું હતું. પરિવારજનોને તેની હાલત વિશે જાણ થતાં જ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસ અને ડોક્ટરોએ તેને આત્મહત્યાનો મામલો જાહેર કર્યો છે. આ સમાચારે અભિનેત્રીના ચાહકોને ચોંકાવી દીધા હતા કારણ કે બોની લાઈ સુક યિન તેના મૃત્યુના એક દિવસ પહેલા તેના પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરતી જોવા મળી હતી. તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ઉજવણીની ઘણી તસવીરો પણ પોસ્ટ કરી હતી.
યિને આત્મહત્યા કરતા પહેલા તેના પતિ ડૉ. એંગસ હુઈને એક ટેક્સ્ટ સંદેશ મોકલ્યો હતો. મેસેજમાં અભિનેત્રીએ કહ્યું હતું કે તે આગામી જીવનમાં તેના પતિને મળશે. એમ પણ જાણવા મળ્યું હતું કે છેલ્લા ગણા વર્ષોથી અભિનેત્રી ગંભીર ડિપ્રેશનથી પીડિત હતી. તેણે તેના મૃત્યુના બે અઠવાડિયા પહેલા તેના પૂર્વ પતિનો સંપર્ક કર્યો હતો.