
મુંબઈઃ 22 એપ્રિલના પહલગામમાં હિન્દુ પ્રવાસીઓ પર થયેલા બર્બર આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ હૃદયદ્રાવક ઘટનાથી આખો દેશ ગુસ્સે છે. વિશ્વભરમાંથી આ ઘટનાની નિંદા થઇ રહી છે. આ બધા વચ્ચે, બોલીવુડથી લઈને ટોલીવુડ સુધીના ઘણા સ્ટાર્સે પણ પહલગામ આતંકવાદી હુમલા પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. દરમિયાન, સુપરસ્ટાર રજનીકાંતે આજે પહલગામના આતંકવાદી હુમલાને “બર્બર અને નિર્દય” ગણાવ્યો અને કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક યોદ્ધા છે જે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ લાવશે.
‘વેવ્સ’ સમિટના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા રજનીકાંતે કહ્યું હતું કે ઘણા લોકોએ તેમને કહ્યું હતું કે સરકાર “બિનજરૂરી ટીકા” ટાળવા માટે આ ચાર દિવસીય કાર્યક્રમ મુલતવી રાખી શકે છે કારણ કે તે મનોરંજનની દુનિયા સાથે સંકળાયેલો છે. તેમણે કહ્યું હતું કે મને વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ છે અને મને ખાતરી હતી કે આ કાર્યક્રમ ચોક્કસ થશે. તમને જણાવી દઈએ કે, ‘વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ’ (વેવ્સ)માં હિન્દી ફિલ્મો અને દક્ષિણ ભારતીય ફિલ્મોના ટોચના સ્ટાર્સ, ઉદ્યોગના નેતાઓ અને રાજકીય હસ્તીઓ હાજરી આપશે.
આ પણ વાંચો: કવર સ્ટોરી: હિન્દી – ગુજરાતી ફિલ્મઉદ્યોગે રજની સરને અનુસરવું જોઈએ
રજનીકાંતે વધુમાં કહ્યું હતું કે આપણે છેલ્લા એક દશકથી જોઈ રહ્યા છીએ અને વડાપ્રધાને અનેકવાર સાબિત કર્યું છે કે તેઓ કોઈપણ પડકારને પહોંચી વળવા તૈયાર હોય છે. 74 વર્ષીય અભિનેતાએ કહ્યું કે વડા પ્રધાન કાશ્મીરની પરિસ્થિતિને “બહાદુરી અને સૌજન્યથી” સંભાળશે. તેઓ કાશ્મીરમાં શાંતિ અને દેશને ગૌરવ અપાવશે. ‘વેવ્સ’ કાર્યક્રમનો ભાગ બનવાનું મારા માટે સૌભાગ્યની વાત છે અને સરકારના આયોજન માટે હાર્દિક અભિનંદન, એમ રજનીકાંતે કહ્યું હતું.
નોંધનીય છે કે વેવ્સ, ફિલ્મો, ઓટીટી (ઓવર ધ ટોપ), ગેમિંગ, કોમિક્સ, ડિજિટલ મીડિયા, એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), એવીજીસી-એક્સઆર (એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ, કોમિક્સ – એક્સટેન્ડેડ રિયાલિટી), બ્રોડકાસ્ટિંગ અને ઉભરતી ટેકનોલોજી માટે પ્લેટફોર્મ પૂરું પાડશે અને ભારતીય મીડિયા અને મનોરંજન કૌશલ્યના વ્યાપક પ્રદર્શન તરીકે પોતાને રજૂ કરવાનો પ્રયાસ કરશે. વેવ્સ સમિટનો ઉદ્દેશ્ય 2029 સુધીમાં 50 અબજ યુએસ ડોલરના બજારને ખોલવાનો અને વૈશ્વિક મનોરંજન અર્થતંત્રમાં ભારતની હાજરીને વિસ્તારવાનો છે.