મુંબઈ: અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ ઘણી ભવ્ય રીતે પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ જેમાં ઘણા મહાનુભાવોએ ભાગ લીધો હતો. ભારત તો રામમય થઈ જ ગયું હતું પરંતુ વિદેશોમાં પણ મંદિરોમાં પ્રભુ રામના આગમનને વધાવવા માટે લોકોએ આયોજન કર્યું હતું. લોકોએ પોતાના ઘરને લાઈટિંગ કરીને સજાવ્યું હતું તેમજ ઘણા લોકોએ પોતાના આંગણાને ફૂલોથી સજાવ્યા હતા. ઘણી જગ્યાએ લોકો ‘જય શ્રી રામ’ના નારા સાથે ભજન કીર્તન કરી રહ્યા હતા, પરંતુ આ બધા વચ્ચે પણ ઘણા લોકો કોઈને કોઈ કમેન્ટ કે પછી કોઈ વિવાદ ઊભો કરતા હોય છે. તેવી જ રીતે ગઈ કાલે દક્ષિણથી લઈને બોલિવૂડ સુધી પોતાના અભિનયનો એક્કો જમાવનાર અભિનેતા પ્રકાશ રાજે એક વીડિયો શેર કર્યો અને તેમણે તેમાં રામની ધજા ચડાવાવ બાબતે ટોણો માર્યો હતો અને તેના કારણે પ્રકાશ રાજ ખૂબજ ટ્રોલ પણ થયા હતા.
પ્રકાશ રાજે થોડા સમય પહેલા પોતાના એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો જો કે આ વીડિયો ક્યાંનો છે તે અંગે તેઓએ કોઈ માહિતી આપી નથી. પરંતુ વીડિયોમાં એક વ્યક્તિ ચર્ચની છત પર ભગવો ધ્વજ લગાવી રહ્યો છે અને નીચે ઉભેલા લોકો ‘જય શ્રી રામ’ના નારા લગાવી રહ્યા છે. અને તે ભીડમાંથી કોઈએ આ વીડિયો રેકોર્ડ કર્યો હતો.
હવે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ તેણે આ વીડિયો શેર કરીને ટોણો માર્યો હતો. આ વીડિયો શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે ‘હે રામ.. શું આ આપણા દેશની આ નવી સ્થિતિ હશે. અને પછી હેશટેગ સાથે લખ્યું હતું કે #justasking. તેમને શેર કરેલો આ વિડીયો ઘણો વાઈરલ પણ થઈ રહ્યો છે.
હવે લોકો પ્રકાશ રાજના આ વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે ખ્રિસ્તીઓને કોઈ સમસ્યા નથી. તો તમે શા માટે રડી રહ્યા છો? તો બીજા એક યુધરે લખ્યું હતું કે આપણે પછી વાત કરીશું અત્યારે તો ઉજવણી કરવા છે. કેટલાક લોકો મીમ્સ પણ શેર કરી રહ્યા છે. એક યુઝરે તો પ્રકાશ રાજને ટોણો મારતા કહ્યું હતું કે બિચારાને બોલવા દો એને બહુ તકલીફ થાય છે.
નોંઘનીય છે કે પોતાના નિવેદનોને કારણે પ્રકાશ રાજ ઘણી વખત અગાઉ પણ ઘણી વખતે મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં અભિનેતાએ સનાતન ધર્મને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, ત્યારે પણ તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયા હતા.