
મુંબઈઃ ફિલ્મજગતમાંથી એક માઠા સમાચાર આવ્યા છે. જાણીતા મોડેલ અને અભિનેતા મુકુલ દેવએ દુનિયાને અલવિદા કરી દીધું છે. દસ્તક, સરફરોશ જેવી ફિલ્મો સહિત ટીવીમાં પણ કામ કરનારા મુકુલની ઉંમર 54 હતી. તેની આ અણધારી વિદાયથી બોલીવૂડને આંચકો લાગ્યો છે.

મુકુલે તેની કરિયરમાં વિલનથી માંડી કોમિક રોલ કર્યા હતા અને સારી નામના મેળવી હતી. દિલ્હીમાં 30મી સપ્ટેમ્બર, 1970માં જન્મેલો મુકુલ મૂળ દિલ્હીના પંજાબી પરિવારનો હતો અને તેનો ભાઈ રાહુલ દેવ પણ ફિલ્મ અને મોડેલિંગમાં છે. અભિનેતા બન્યા પહેલા મુકુલે પાયલટની ટ્રેનિંગ લીધી હતી, પરંતુ એવિયેશન ક્ષેત્રે તે કારકિર્દી ન બનાવી શક્યો.
મિસ યુનિવર્સ સુસ્મિતા સેનની પહેલી ફિલ્મ દસ્તક મુકુલની પણ પહેલી ફિલ્મ હતી. ફિલ્મ તો ચાલી નહીં પણ મુકુલને મુમકીન ટીવી સિરિયલમાં રોલ મળ્યો જે ઘણી લોકપ્રિય નિવડી હતી. યમલા પગલા દિવાના, જય હો, સન ઓફ સરદાર, આર…રાજકુમાર વગેરે ફિલ્મોમાં તેનું કામ વખાણાયું હતું. તેની પર્સનલ લાઈફ વિશે ખાસ કોઈ માહિતી નથી.

આ સાથે તેના મોતના કારણ વિશે પણ હજુ કોઈ માહિતી નથી. પ્રાથમિક માહિતી અનુસાર શુક્રવારે મોડી રાત્રે તેનું નિધન થયું હતું.