બંગાળી પીઢ અભિનેતા મનોજ મિત્રાનું ૮૬ વર્ષની વયે નિધન
કોલકાતાઃ બંગાળી પીઢ અભિનેતા અને નાટ્યકાર મનોજ મિત્રાનું ૮૬ વર્ષની વયે નિધન થયું છે. તેમણે વય સંબંધિત સમસ્યાઓને કારણે આજે સવારે કોલકાતાના સોલ્ટ લેકની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પીઢ અભિનેતાના નિધનના સમાચાર આવ્યા બાદ ઈન્ડસ્ટ્રીના કલાકારો સોશિયલ મીડિયા દ્વારા શોક વ્યક્ત કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પણ તેમના એક્સ હેન્ડલ દ્વારા શોક વ્યક્ત કર્યો છે.
મમતા બેનરજીએ પોસ્ટ લખીને દુખ વ્યક્ત કર્યું
મમતા બેનરજીએ તેમની પોસ્ટમાં લખ્યું હતું કે આજે સવારે પ્રખ્યાત અભિનેતા, દિગ્દર્શક અને નાટ્યકાર, ‘બંગ વિભૂષણ’ મનોજ મિત્રાના નિધનથી દુઃખી છું. તે થિયેટર અને ફિલ્મ જગતમાં એક અગ્રણી વ્યક્તિત્વ હતા અને તેમનું યોગદાન ઘણું મોટું છે. હું તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.
તેમનો સૌથી લોકપ્રિય પ્રોજેક્ટ તપન સિન્હાનો બંચરામર બાગાન છે, જે તેમના પોતાના નાટક સજાનો બાગાન પરથી લેવામાં આવ્યો હતો. તેમણે મહાન દિગ્દર્શક સત્યજીત રેની ફિલ્મો ઘરે બૈરે અને ગણશત્રુમાં પણ અભિનય કર્યો હતો.
આ પણ વાંચો :Amitabh Bachchanએ Nimrat Kaurને પત્ર લખીને કહી વાત કે…
અનેક ફિલ્મોમાં કોમેડી ભૂમિકા ભજવી હતી
તેમણે બંગાળી ફિલ્મોમાં ઘણી કોમેડી ભૂમિકાઓ ભજવી છે. તેમણે ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો અને સન્માનો પ્રાપ્ત કર્યા છે, જેમાં ૧૯૮૫ માં શ્રેષ્ઠ નાટ્યકાર માટેનો સંગીત નાટક અકાદમી પુરસ્કાર, ૧૯૮૦માં શ્રેષ્ઠ અભિનેતા માટેનો ફિલ્મફેર પુરસ્કાર ઈસ્ટ, ૨૦૧૨માં દીનબંધુ પુરસ્કારનો સમાવેશ થાય છે.
મનોજ મિત્રાની જાણીતી ફિલ્મોની વાત કરીએ તો તેણે ‘દત્તક’, ‘દામુ’, ‘વ્હીલ ચેર’, ‘મેજ દીદી’, ‘ઋણમુક્તિ’, ‘તીન મૂર્તિ’, ‘પ્રેમ બાય ચાન્સ’, ‘ભાલોબાસેર નેક નામ’, ‘ઉમા’ અને ‘સડન રેન’નો સમાવેશ થાય છે. તેમણે તેમની કારકિર્દીમાં બુદ્ધદેવ દાસગુપ્તા, તરુણ મજમુદાર, બાસુ ચેટર્જી અને ગૌતમ ઘોષ જેવા જાણીતા નિર્દેશકો સાથે કામ કર્યું હતું.