ફિલ્મોને દેશભક્તિનો રંગ ચડાવનાર અભિનેતા મનોજ કુમાર પંચતત્વમાં વિલીન…

મુંબઇ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમાર હવે પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. મનોજ કુમારનું શુક્રવારે સવારે નિધન થયું હતું. તેમણે 87 વર્ષની ઉંમરે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. હિન્દી સીનેમાની અંદર તેમની ખ્યાતિ તેની દેશભક્તિ પર આધારિત ફિલ્મો માટે છે. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે આજે મુંબઇનાં જુહુના પવનહંસ સ્મશાન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
અંતિમ સંસ્કારમાં અનેક દિગ્ગજો સામેલ
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનાં અંતિમ સંસ્કારમાં બૉલીવુડના અનેક દિગ્ગજ અભિનેતાઓ મનોજ કુમારની અંતિમ વિદાયમાં સામેલ થયા હતા. જેમાં ફિલ્મ નિર્માતા સલીમ ખાન, તેમના પુત્ર અને અભિનેતા અરબાઝ ખાન, અમિતાભ બચ્ચન, તેમના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચન, અભિનેતા રાજપાલ યાદવ, સંગીતકાર-ગાયક અનુ મલિક, અભિનેતા પ્રેમ ચોપરા, મહારાષ્ટ્રના મંત્રી પ્રતાપ સરનાઈક સહિત અનેક દિગ્ગજો સામેલ થયા હતા.
એક્ટરના પત્નીનો વીડિયો વાયરલ
મનોજ કુમારના અંતિમ સંસ્કારની વિધિ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં અભિનેતા મનોજ કુમારની પત્ની શશી ગોસ્વામી તેના પતિના મૃતદેહને પુષ્પ હાર અર્પણ કરતાં સમયે ખૂબ રડી રહ્યા છે.
4 એપ્રિલના રોજ થયું હતું નિધન
ભારતીય ફિલ્મ દિગ્દર્શક અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત અભિનેતા મનોજ કુમારનું શુક્રવારે 4 એપ્રિલના રોજ નિધન થયું હતું. અભિનેતાએ 87 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું. તેમની દેશભક્તિની ફિલ્મોએ દરેકના હૃદયમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. ‘ભારત કુમાર’ ના હુલામણા નામથી ઓળખાતા મનોજ કુમારે શુક્રવારે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ભારતીય સિનેમા જગતમાં અમૂલ્ય યોગદાન બદલ બોલિવૂડ હંમેશા તેમને યાદ રાખશે.
1992માં પદ્મશ્રીથી સન્માન

મનોજ કુમારને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ વર્ષ 1992માં પદ્મશ્રી અને વર્ષ 2015માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમની દેશભક્તિની ફિલ્મો ઉપરાંત તેઓ હરિયાલી ઔર રાસ્તા, હિમાલય કી ગોદ મેં’, ‘દો બદન’, ‘પત્થર કે સનમ’, ‘નીલ કમલ’ અને ‘ક્રાંતિ’ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મોએ ભારતીય સિનેમા જગતમાં ઇતિહાસ સર્જ્યો હતો. તેમની યાદગાર ફિલ્મોની વાત કરીએ તો તેમાં ‘ક્રાંતિ’, ‘ઉપકાર’, ‘શહીદ’, ‘પૂરબ ઔર પશ્ચિમ’ ઉપરાંત ‘રોટી કપડા ઔર મકાન’નો સમાવેશ થાય છે.
આપણ વાંચો: 50 વર્ષના કરિયરમાં મનોજ કુમાર માટે કમાઉ દીકરો સાબિત થઈ હતી આ ફિલ્મો…