Abhishek missing: Aishwaryaની મમ્મીના બર્થ ડે પર ન આવ્યો જમાઈ
બોલીવૂડ કપલ એશ્વર્યા રાય અને અભિષેકના સંબંધો મામલે વારંવાર કોઈને કોઈ અફવાઓ કે અટકળો ફેલાયા કરે છે. થોડા મહિનાઓ પહેલા બન્ને વચ્ચેના ખાટા સંબંધોએ ભારે ચર્ચા જગાવી હતી. અમિતાભ બચ્ચનની પુત્રવધુ અને બોલીવૂડ અભિનેત્રી એશ બચ્ચન પરિવાર સાથે ન રહેતા માતા વૃંદા સાથે રહે છે તેવી અફવાઓ હતી તો નણંદ શ્વેતા બચ્ચનના આવ્યા બાદ એશ અને પરિવારના સંબંધો વણસ્યા હોવાની ચર્ચાઓ વારંવાર થાય છે. આ ચર્ચાઓ પાછળ કોઈને કોઈ કારણ હોય છે અને તેમના ફેન્સ આ કારણ શોધી ચર્ચાઓને વેગ આપતા રહે છે.
હવે ફરી આ વિષય ચર્ચાના ચકડોળે ચડ્યો છે અને તેનું કારણ છે એશની માતા વૃંદાનો જન્મદિવસ. આજે વૃંદા રાયનો જન્મદિવસ છે અને ગઈકાલે રાત્રે એશ અને દીકરી આરાધ્યાએ તેને સેલિબ્રેટ કર્યો હતો. આ સેલિબ્રેશનના ફોટા તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, પણ આ ફોટામાં જમાઈ અભિષેક ક્યાંય દેખાયો ન હતો. એશ અને આરાધ્યા બન્ને ખૂબ સ્પેશિયલ લાગતા હતા અને તેમણે સ્પેશિયલ અરેજમેન્ટ્સ પણ કર્યા હતા. તે બન્ને સિવાય અન્ય સંબંધીઓ પણ હતા, પરંતુ અભિ ક્યાંય દેખાતો ન હતો કે બચ્ચન પરિવાર તરફથી કોઈ દેખાયું ન હોવાથી ફરી બન્નેના સંબંધો ચર્ચામાં આવ્યા છે.
જોકે અભિ શા માટે નથી આવી શક્યો તે અંગે હજુ કોઈ માહિતી મળી નથી, આથી ફેન્સ તો એવી જ દુઆ કરે છે કે બન્ને વચ્ચે બધું સમુસુતરું હોય.