લો બોલો! ફિલ્મમાં હિરોઇન બનાવવાના નામે પૂર્વ સીએમની પુત્રી સાથે કરી રૂ. ચાર કરોડની ઠગાઇ
![Aarushi Nishank addressing media outside court, with Vikrant Massey and Shanaya Kapoor film posters in background.](/wp-content/uploads/2025/02/aarushi-nishank-film-fraud-case-fir.webp)
દહેરાદૂનઃ ફિલ્મમાં રોલ આપવાના નામ ઉપર ઉતરાખંડના પૂર્વ સીએમ અને ભાજપના કદાવર નેતાની પુત્રી સાથે ચાર કરોડ રૂપિયાની ઠગાઈ થઈ હોવાનો સનસનીખેજ મામલો જાણવા મળ્યો છે. પોલીસે આ કેસમાં ફિલ્મ નિર્માતા સહિત બે લોકો સામે કેસ દાખલ કર્યો છે. આ ઘટના ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન રમેશ પોખરીયાલ નિશંકની પુત્રી આરુષિ પોખરીયાલ નિશાન સાથે બની છે. આ કેસમાં મહિલા ફિલ્મ નિર્માતા સહિત બે લોકો સામે શહેરના પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરુષિએ આ લોકો પર તેના પિતાને ખોટા કેસમાં ફસાવવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો છે.
શું છે મામલો? :-
આરુષીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તે માત્ર ફિલ્મોનું નિર્માણ જ નહીં પરંતુ અભિનયનું પણ કામ કરે છે. તેની મુલાકાત માનસી અરુણ વાગલા અને વરૂણ પ્રમોદકુમાર વાગલા સાથે થઈ હતી. બંને ફેરી લેન્ડ જુહુ મુંબઈના રહેવાસીઓ છે. તેઓ તેને દહેરાદૂનમાં તેના ઘરે મળ્યા હતા. બંનેએ જણાવ્યું હતું કે તેઓ મીની ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર છે અને ‘આંખો કી ગુસ્તાખીંયા’ ફિલ્મ બનાવી રહ્યા છે, જેમાં શનાયા કપૂર અને વિક્રાંત મેસી જેવા મોટા કલાકારો કામ કરી રહ્યા છે. તેમણે આરુષિને એક ભૂમિકાની ઓફર કરી અને તેને પોતાની કંપનીમાં અથવા તેના કોઈ પરિચિત વ્યક્તિ દ્વારા પાંચ કરોડ રૂપિયાનું રોકાણ કરવા કહ્યું હતું અને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો 15% નફો એટલે કે 15 કરોડ રૂપિયા તેને આપવામાં આવશે.
Also read: ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ માટે વિક્રાંત મેસીને મળી રહી છે ધમકીઓ: ગોધરા કાંડની છે સ્ટોરી
આરુષિને તેની ઈચ્છા મુજબ તેની ભૂમિકાની સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવાની પણ છૂટ આપવામાં આવી હતી. જો તેને ભૂમિકા પસંદ ના આવે તો તેને તેના પાંચ કરોડ રૂપિયા પંદર ટકા વ્યાજ સાથે પરત આપવાનું વચન પણ આપવામાં આવ્યું હતું. આ પછી આરુષીએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ મુજબ ગયા વર્ષે 10, 27, 30 ઓક્ટોબર અને 19 નવેમ્બરના રોજ ચાર હપ્તામાં ચાર કરોડ રૂપિયા વાગલાને આપવામાં આવ્યા હતા. આ પછી બંને આરોપીઓએ ન તો કામ આપ્યું કે ના તો પૈસા પરત કર્યા અને હવે તેઓએ તેને ધમકી આપતા આરુષીએ કેસ દાખલ કર્યો હતો.