તમને ખબર છે આમિર ખાનને એક ગુજરાતી નાટક માટે સાઈન કરવામાં આવ્યો હતો પણ…

આમિર ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું અને અલગ તરી આવતું નામ છે. Amir Khan સામાન્ય રીતે ઈન્ટરવ્યુ કે ઈવેન્ટ્સમાં જોવા મળતો નથી, પણ તાજેતરમાં તેણે કપિલ શર્મા શૉમાં દિલ ખોલીને વાત કરી હતી. આ વાત દરમિયાન આમિરે તેને ગુજરાતી નાટકમાં કામ કરવા માટ મળેલી ઓફર અને તેના અનુભવ વિશે વાત કરી હતી.
આમિરના પિતા અને કાકા ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ હતા, પરંતુ તેઓ ન હતા ઈચ્છતા કે તેમના સંતાનો આ ઈન્ડસ્ટ્રીમાં આવે. આમિરે કહ્યું કે મારા પિત ખૂબ ગુસ્સાવાળા હતા અને તેમની સામે હું બોલી શકતો ન હતો, પણ મારી એક્ટિંગની ઈચ્છા બહુ હતી. એકવાર એક ગુજરાતી નાટકમાં મને રોલ મળ્યો. આ રોલમાં મારે માત્ર એક જ ડાયલૉગ બોલવાનો હતો. મેં તેની ત્રણ મહિના પ્રેક્ટિસ કરી હતી, પણ રિહરસલ સમયે મહારાષ્ટ્ર બંધ હોવાથી હું બે દિવસ જઈ શક્યો નહીં. મારા નાટકના નિર્માતા મહેન્દ્ર જોશીએ મને બોલાવ્યો અને કહી દીધું કે બે દિવસ ન આવ્યો હોવાથી તને નાટકમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. મને ખૂબ દુઃખ થયું. આ સમય દરમિયાન એફટીઆઈઆઈના વિદ્યાર્થીઓનો ફોન આવ્યો કે તેમની શોર્ટ ફિલ્માં કામ કરવા માટે અને મેં હા પાડી. મારી ફિલ્મો જોઈ મારા કઝીન મન્સૂર અને કાકાને થયું કે મને ફિલ્મમાં લેવો જોઈએ અને તેમણે કયામત સે કયામત તકમાં મને કાસ્ટ કર્યો.
આમિરની પહેલી ફિલ્મ કયામત…ખૂબ જ સફળ રહી હતી અને આમિર રાતોરાત સ્ટાર બની ગયો હતો. આ સમયે આમિર પરિણિત હોવા છતાં તેણે જાહેર કર્યું ન હતું. આમિર પાછળ છોકરીઓ દિવાની થઈ હતી. આ ફિલ્મની વાર્તા, આમિર-જૂહીની જોડી અને આનંદ-મિલિન્દનું મ્યુઝિક આજે પણ લોકોનું ફેવરીટ છે.