આમિર ખાન અને પરિવાર વિરુદ્ધ કોર્ટમાં જશે ભાઈ ફૈઝલ ખાન, બધા સંબંધો પણ તોડ્યા...
મનોરંજન

આમિર ખાન અને પરિવાર વિરુદ્ધ કોર્ટમાં જશે ભાઈ ફૈઝલ ખાન, બધા સંબંધો પણ તોડ્યા…

આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાને ફરી એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરી સનસનાટી ફેલાવી છે. અગાઉ પણ ફૈઝલ ખાને આમિર ખાનના પરિવાર વિરુદ્ધ નિવેદન આપતા આ પરિવારે પણ જવાબમાં સ્ટેટમેન્ટ બહાર પાડ્યું હતું.

એક મીડિયા હાઉસે કરેલા દાવા અનુસાર 16મી ઑગસ્ટે ફૈઝલે એક સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે, જેમાં તેણે જણાવ્યું છે કે મારા પિતા તાહિર હુસૈન અને માતા સાથે મારે કોઈ સંબંધ નથી. આ સાથે મારા પરિવારની સંપત્તિ કે ઉત્પાદનમાં મારો કોઈ હિસ્સો નથી અને તેમની કોઈપણ દેવાદારીમાં પણ મારો કોઈ ભાગ રહેશે નહીં.

આ સાથે તેણે આમિર ખાન અને પરિવાર સાથે છેડો ફાડી નાખ્યો છે. હવે તે આમિરના ઘરમાં રહેતો નથી, તેમ પણ તેણે જણાવ્યું છે. આ ઉપરાંત તેની સાથે પરિવારે કરેલા કથિત અત્યારચાર મામલે તે કાનૂની લડાઈ લડશે, તેમ પણ તેણે જણાવ્યું હોવાનું અહેવાલ કહે છે.

મારા વિરુદ્ધ ષડયંત્ર રચાયું
ફૈઝલે આક્ષેપ કર્યો છે કે મારા વિરુદ્ધ પરિવારે ષડયંત્ર રચ્યું છે. ૨૦૦૫ થી ૨૦૦૭ દરમિયાન મને બળજબરીથી દવાઓ આપવામાં આવી હતી. ૨૦૦૫ થી ૨૦૦૬ દરમિયાન પરિવારના કેટલાક સભ્યોએ તેમના અંગત સ્વાર્થ માટે મારી ઇચ્છા વિરુદ્ધ મને નજરકેદ રાખ્યો હતો.

ઓક્ટોબર ૨૦૦૭માં, જ્યારે મારા પરિવારના સભ્યો મારા પર સહી કરવાના અધિકારો છોડી દેવા માટે દબાણ કરી રહ્યા હતા, ત્યારે મેં ઘર છોડી દીધું. મારી માતા ઝીનત તાહિર હુસૈન અને મારી મોટી બહેન નિખત હેગડેએ મારા પર પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયાથી પીડિત હોવાનો આક્ષેપ કરી મને સમાજ માટે ખતરો બતાવ્યો હતો.

કેસની કોર્ટ સુનાવણીમાં લગભગ પાંચ મહિના લાગ્યા અને ફેબ્રુઆરી ૨૦૦૮માં કોર્ટે મારા પક્ષમાં અંતિમ ચુકાદો આપ્યો અને મારા પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવેલા આરોપો અને દલીલોને ફગાવી દીધા, જે રેકોર્ડ પર છે, તેવો દાવો પણ ફૈઝલે કર્યો હતો.

તેણે એવો આક્ષેપ પણ કર્યો કે હવે મારો પરિવાર ફરી મારી વિરુદ્ધ કાવતરું રચી રહ્યા છે. તેમણે ઓગસ્ટ ૨૦૨૫માં પ્રિન્ટ અને સોશિયલ મીડિયામાં ખોટા નિવેદનો પ્રકાશિત કરીને મને બદનામ કર્યો છે કે હું ગેરમાર્ગે દોરી રહ્યો છું અને હકીકતો ખોટી રીતે રજૂ કરી રહ્યો છું.

જ્યારે તેનાથી વિપરીત મારા પરિવારના સભ્યો 2005 થી મારી કારકિર્દીને જોખમમાં મૂકવા અને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બરબાદ કરવા માગે છે. આ સાથે તેણે આવતા મહિને કોર્ટમાં અરજી દાખલ કરી કાનૂની કાર્યવાહી કરવાની પણ વાત કરી હોવાનો અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો…આ શું લઈને પહોંચ્યો આમિર ખાન બીગ બી પાસે કે બીગ બી પણ થઈ ગયા શૉક્ડ…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button