લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં આ અભિનેતાનું વેક્સ સ્ટેચ્યુ સ્થાપિત
લંડન: બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ તેના જોરદાર અભિનય, આકર્ષક વ્યક્તિત્વ અને અતરંગી વેશભૂષા માટે જાણીતો છે. હવે અભિનેતા લંડનમાં વિશ્વ પ્રસિદ્ધ આકર્ષણ સ્થળ પર તેના વેક્સ સ્ટેચ્યુ સાથે સહુનું લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે તૈયાર છે. હા, રણવીર સિંહે સોમવારે મેડમ તુસાદ મ્યુઝિયમમાં પોતાના વેક્સ સ્ટેચ્યુનું અનાવરણ કર્યું છે. આ સાથે, રણવીર સિંહ સૌથી તાજેતરનો ભારતીય વ્યક્તિ બની ગયો છે, જેની મીણની પ્રતિમા મેડમ તુસાદ મ્યુઝિયમમાં સ્થાપિત કરવામાં આવી છે.
રણવીર સિંહના વેક્સવર્કની જાહેરાત મૂળરૂપે 2019 માં કરવામાં આવી હતી, જ્યારે અભિનેતાને ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) એવોર્ડ સમારોહમાં ‘મેડમ તુસાદ ઑફ ધ ફ્યુચર એવોર્ડ’ મળ્યો હતો.
અહીંના પ્રતિષ્ઠિત મ્યુઝિયમમાં પ્રતિમાઓના અનાવરણ સમયે રણવીર સિંહની માતા અંજુ ભવનાની તેમની સાથે હતી. રણવીર સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ” મારા માટે આ અવિશ્વસનીય ક્ષણ છે કે હું લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મારી માતા સાથે મારા પોતાના વેક્સ સ્ટેચ્યુનું અનાવરણ કરી રહ્યો છું. મને બાળપણમાં આ મોહક સ્થળ વિશે વાંચ્યુ હોવાનું યાદ છે.”
મેડમ તુસાદની લંડન શાખામાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને પ્રિયંકા ચોપરા જોનાસ જેવા ભારતીય સ્ટાર્સની મીણની પ્રતિમાઓ પણ છે અને હવે એમાં અભિનેતા રણવીર સિંહન વેક્સ સ્ટેચ્યુનો ઉમેરો થયો છે.
બેક-ટુ-બેક બ્લોકબસ્ટર હિટ ફિલ્મોની શ્રેણીને કારણે અભિનેતા રણવીર સિંહનું સ્ટારડમ ઝડપથી વધ્યું છે. “બેન્ડ બાજા બારાત” “બાજીરાવ મસ્તાની” (2015), “પદ્માવત” (2018), અને “ગલી બોય” (2019) જેવી આઇકોનિક ફિલ્મોમાં તેણે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. હાલમાં જ રણવીરને રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં યુઝર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. તે પાંચ વખતનો ફિલ્મફેર પુરસ્કાર વિજેતા છે. તેણે 3 આઈફા પુરસ્કાર મેળવ્યા છે અને તેને મારકેશ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન જેવા આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં સન્માનિત કરવામાં આવ્યો છે.