મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

ફ્લોપ ફિલ્મનો ઓળિયોઘોળિયો દર્શકો પર, એમ?

ક્લેપ એન્ડ કટ..! – સિદ્ધાર્થ છાયા

કોઇપણ ભાષાની ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલે, દોડે, ભાંખોડિયા ભરે કે સાવ ઊભી જ રહી જાય તે તમામ ઘટના માટે અલગ અલગ કારણ હોય છે, પરંતુ જ્યારે ફિલ્મમાં કોઈ ત્રુટિ હોય ને તે ન ચાલે ત્યારે તેની પાછળનું કારણ માત્ર ને માત્ર ફિલ્મના મેકર્સ જ હોય છે.

જોકે હાલમાં રિલીઝ થયેલી બે ફિલ્મ હિન્દીની ખેલ ખેલ મેં’ અને તમિલની ‘ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ’ના ડાયરેક્ટરોએ સાવ નવી જ વાત કરી છે. આ બંનેને પોતપોતાની ફિલ્મોની નિષ્ફળતા માટે ઓડિયન્સ એટલેકે દર્શકોને એટલે કે આપણને દોષ આપ્યો છે.

‘ખેલ ખેલ મેં’ના ડાયરેકટર મુદસ્સર અઝીઝનું કહેવું છે કે એમની ફિલ્મ ફ્લોપ થઇ તે પાછળનું કારણ છે કે ઓડિયન્સ તેને સમજી ન શકી! તો થાલાપતિ વિજયની તમિલ ફિલ્મ ‘ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ’નું હિન્દી અને તેલુગુ ડબિંગ વર્ઝન કેમ ન ચાલ્યું એ પાછળ આ ફિલ્મના ડયરેકટર વેંકટ પ્રભુએ આ ફિલ્મમાં આવેલા ચેન્નાઈ સુપર કિંગ્સના રેફરન્સને દોષ આપ્યો છે.
પ્રભુનું કહેવું છે કે એમણે ફિલ્મમાં ઈજઊં ને જીતતી દેખાડી છે એ કદાચ હિન્દી અને તેલુગુ દર્શકોને નથી ગમ્યું એટલે ફિલ્મ ન ચાલી. હવે આ બંને દલીલમાં કોઈ દમ ખરો કે નહીં એ આપણે જ વિચારીએ.

‘ખેલ ખેલ મેં’ ફ્લોપ થવા પાછળનું એક મુખ્યકારણ એ હતું કે તેને ‘સ્ત્રી- ૨’ સાથે રિલીઝ કરવાની હિંમત (કે પછી મૂર્ખામી??) કરવામાં આવી હતી અને ‘સ્ત્રી- ૨’એ બોક્સ ઓફિસ પર પેલીના સૂપડાં સાફ કરી નાખ્યાં. જ્યારે ‘ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ’ એક તમિલ ફિલ્મ છે, એ હીટ તો થઇ , પરંતુ તમિલ દર્શકોએ પણ એને ધાર્યો રિસ્પોન્સ નથી આપ્યો તો પછી દક્ષિણની અમુક જ ફિલ્મોને માથે ચડાવતા હિન્દી બેલ્ટના દર્શકોને કેવી રીતે દોષ આપી શકાય? ખરેખર તો આ નિર્દેશકોએ ફક્ત એટલું જ કહેવાનું હતું કે અમે અમારા દર્શકોને ફિલ્મ સમજાવી ન શક્યા કે પછી પેલું જૂનું ને જાણીતું વાક્ય પણ કહી શકાતું હતું કે, ‘અમારી ફિલ્મ તેના સમય કરતાં આગળ હતી! ! ’

અક્ષય હવે પ્રિયદર્શનના શરણે…

અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડીએ કેટકેટલી હિટ ફિલ્મો આપી છે તેની ગણતરી કરવા જઈએ તો આપણાં આંગળાં થાકી જશે. ‘હેરાફેરી’થી શરૂ થયેલી એમની સફર બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી ચૂકી છે, પરંતુ છેલ્લાં અમુક વર્ષોથી અક્ષય કુમારના હિટ ફિલ્મ આપવાના દરેક પ્રયાસ નિષ્ફળ રહ્યા છે અને એની લેટેસ્ટ ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ તો સાવ ધબાય નમ: જ થઇ ગઈ હતી.

જોકે, લાગે છે કે અક્ષય કુમારે હવે કમબેક કરવાનો નિશ્ર્ચય કરી લીધો છે. થોડા દિવસ અગાઉ અક્ષય કુમારના ઘરે પ્રિયદર્શન પધાર્યા હતા અને આ બંનેએ ફરીથી સાથે કામ કરવાનો નિર્ણય લીધો હતો. હજી આ નિર્ણય લીધાને બે-ત્રણ દિવસ જ થયા હતા કે, અક્ષયના જન્મદિવસ એટલે કે ૯ સપ્ટેમ્બરે આ બંનેની નવી ફિલ્મ ભૂત બંગલા’ની જાહેરાત પણ થઇ ગઈ અને તેનું પોસ્ટર પણ સોશિયલ મીડિયામાં રિલીઝ પણ થઇ ગયું.

તાજા સમાચાર અનુસાર પ્રિયદર્શને આ ફિલ્મ માટે એમની ઓરિજિનલ ટીમ એટલે કે પરેશ રાવળ, અસરાની, અને રાજપાલ યાદવને પણ સાઈન કરી લીધા છે. આ ઉપરાંત પ્રિયદર્શન અક્ષયને મળ્યા તેના બીજા દિવસે કરીના કપૂર ખાનને પણ મળ્યા હતા એટલે લાગે છે કે અક્ષય સાથે લીડ રોલમાં કરીના પણ ભૂત બંગલાની સભ્ય બનશે. એવું લાગી રહ્યું છે કે એક હિટ ફિલ્મ માટે તલસી રહેલા અક્ષય માટે ભૂત બંગલા’ મેક ઓર બ્રેક ફિલ્મ બની રહેશે

કપિલ શર્મા ફરીથી આવે છે

‘નેટફ્લ્કિસ’ પર ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ પુન: આવી રહ્યો છે. આ તેની બીજી સિઝન હશે. પહેલી સિઝનના મિશ્ર પ્રતિક્રિયા આવી હતી. આમ છતાં લાગે છે કે ‘નેટફ્લ્કિસ’ હજી એક વખત કપિલ અને એની જબરદસ્ત ટીમ ઉપર ભરોસો કરી લેવા માંગે છે. જોકે ગત સિઝનના છેલ્લા એપિસોડમાં સુનીલ ગ્રોવરે સલમાન ખાનની અને કૃષ્ણાએ શાહરૂખ ખાનની જે મિમિક્રી કરી હતી તે આખી સિઝનનો પીક પોઈન્ટ હતો. એટલે આશા એવી રાખી શકાય કે ૨૧ સપ્ટેમ્બરથી શરૂ થનારી બીજી સિઝન એ જ પીક પોઈન્ટ પરથી આગળ વધશે.

કટ એન્ડ ઓકે!

કંગના રનૌતે પોતાની ફિલ્મ: ‘ઈમર્જન્સી’ રિલીઝ થાય એ પહેલાં પોતાનો વૈભવી બંગલો સસ્તામાં વેંચી નાખ્યો…
આ તે કેવી ઈમર્જન્સી?!

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button