ધર્મતેજ

ચિંતન: સંદેહના નાશ માટે સત્સંગ જરૂરી

  • હેમુ ભીખુ

શિવજી ગરુડને આ પ્રમાણે સલાહ આપે છે. સંદેહ – સંશયના નિવારણ માટે સત્સંગ જરૂરી છે, અને તે પણ લાંબા ગાળાનો. જ્યાં આદિમધ્ય અને અંતમાં પ્રતિપાદન તો ભગવાન શ્રીરામનું જ થતું હોય એવી અનેક સંતો દ્વારા અનેકવાર ગવાયેલ હરિકથા તે સત્સંગમાં સાંભળવા મળે. સત્સંગ વિના હરિકથાનું શ્રવણ શક્ય નથી, હરીકથાના શ્રવણ વિના સંસાર માટેનો મોહ નાશ પામે તે શક્ય નથી, મોહ નાશ પામ્યા વિના શ્રીરામના ચરણમાં દ્રઢ અનુરાગ થાય તે શક્ય નથી .

સત્સંગથી શ્રદ્ધા સ્થાપિત થાય, સૃષ્ટિના નિયંતા વિશે જિજ્ઞાસા જાગ્રત થાય, તે જિજ્ઞાસા સંતોષાશે તે પ્રકારનો વિશ્ર્વાસ બંધાય, મન ઈશ્ર્વરમાં આસક્ત થાય, ઈશ્ર્વર પ્રત્યે પ્રેમની ભાવના ઉભરતી થાય, અને એ બધા સાથે એક પ્રકારનો આધ્યાત્મિક ઉમળકો અનુભવાય. સત્સંગ એ ઈશ્વર પ્રત્યેના પ્રેમ માટેનું સૌથી સરળ અને કદાચ પ્રાથમિક પગથિયું છે.

સત્સંગથી કેટલીક બાબતો જાણવામાં આવે – ઈશ્ર્વરના વિવિધ અવતારો અને તેમના દ્વારા કરાયેલ લીલા વિશે માહિતી મળે, ઈશ્ર્વર દ્વારા સ્થાપિત સિદ્ધાંત વિશે સમજ વિકસે, ઈશ્ર્વરના ન્યાય વિશે વિશ્ર્વાસ બેસે, જીવ અને શિવ વચ્ચેનો ભેદ સમજમાં આવે, ઈશ્ર્વર પ્રત્યેની શ્રદ્ધા વધુ દ્રઢ બને અને ઈશ્વર માટેનો પ્રેમ તથા અહોભાવ ઉત્તરોત્તર વધતો જાય.

સત્સંગથી સૃષ્ટિની રચના અને સૃષ્ટિમાં પ્રવર્તમાન સમીકરણો બાબતે રસ જાગ્રત થાય, શાસ્ત્રોના વાંચન માટે પ્રેરણા થાય, સદગુરુ તેમજ સંતજનો દ્વારા કહેવાયેલ બાબતો માટે વિશ્ર્વાસ જાગે અને વધુને વધુ સત્સંગ થયા કરે તેવી ચાહના જાગ્રત થાય.

સત્સંગથી શ્રવણેન્દ્રિય પવિત્ર થાય, મન શાંતિ અનુભવે, બુદ્ધિમાં વિવેક તેમજ આધ્યાત્મિકતાનો ભાવ જાગ્રત થાય, ચિત્ત વિરામ અનુભવે અને સમગ્ર અસ્તિત્વ જાણે તે પરમ સાથે એકાકાર થવાનો પ્રયત્ન કરે. સત્સંગથી આજુબાજુના માહોલમાં પણ શાંતિ પ્રસરે, વાતાવરણમાંથી જાણે ઉદ્વેગની નાબૂદી થાય, સૃષ્ટિની બધી જ બાબતો જાણે તેના યોગ્ય સ્થાને ગોઠવાઈ જાય, ક્યાંય કોઈ ફરિયાદ ન હોય કે વિરોધ ન હોય. એમ જણાય કે સત્સંગને કારણે બધું જ એક સૂત્રમાં બંધાઈ જાય છે. આ સૂત્ર એટલે સત્સંગની કથા.

સત્સંગ એ એક એવી ઘટના છે કે જેનાથી આધ્યાત્મિક પ્રગતિની સંભાવના વધી જાય. એકવાર એમ પણ જણાય કે સત્સંગને કારણે પરમ સાથે એક પ્રકારનો સંવાદ સ્થાપિત થઈ રહ્યો છે. સત્સંગને કારણે ઈશ્ર્વર પોતાનો હોય તેવી પ્રતીતિ થાય. ઈશ્ર્વર કથામાં વણાયેલા જુદાજુદા પ્રસંગને આધારે, સત્સંગથી એવો વિશ્ર્વાસ બેસે કે, આજે નહીં તો કાલે, ઈશ્ર્વરની કૃપા થશે જ.

આમ તો સત્સંગને ભક્તિનો એક પ્રકાર ગણી શકાય, પણ તેનું મહત્ત્વ આધ્યાત્મિકતાના દરેક ક્ષેત્રમાં આગવું છે. સત્સંગ ભક્તિ માટેનું માધ્યમ તો છે જ, પણ સાથે સાથે તે જ્ઞાન પ્રાપ્તિનું સાધન પણ બની શકે. સત્સંગમાં જણાવાયેલ ઈશ્ર્વરની લીલા થકી નિષ્કામ કર્મ કરવા માટે પ્રેરણા પણ મળે. ઈશ્ર્વરનો પ્રત્યેક અવતાર ધર્મના રક્ષણ માટે હોય છે, સૃષ્ટિમાં સમત્વની સ્થાપના માટે હોય છે, તેથી તેમાં યોગની ભાવના પણ સમાયેલી હોય તે સ્વાભાવિક છે.

આમ સત્સંગ થકી ભક્તિ, જ્ઞાન, નિષ્કામ કર્મ તેમજ યોગ, એમ ચારેય સંભાવનાનો સમાવેશ થઈ જાય છે. સત્સંગથી ભક્તિ દ્રઢ થાય, જ્ઞાનની સીમાનો વિસ્તાર વધે, ધાર્મિક ક્રિયાકાંડમાં શુદ્ધતા આવે, તીર્થસ્થાનોનું મહત્ત્વ સમજાય અને ઈશ્ર્વરના ઐશ્ર્વર્ય બાબતે અહોભાવ જાગ્રત થાય. એકમાત્ર સત્સંગથી આ બધું શક્ય હોવાથી સત્સંગને આટલું મહત્વ મળે છે. તેથી જ સ્વયં શિવજી પણ ગરુડ અને માતા પાર્વતીને સત્સંગનું મહત્ત્વ સમજાવે છે.

શ્રીરામ પણ સ્વયં મહર્ષિ વશિષ્ઠ સાથે સત્સંગ કરતાં હતાં. શુકજી પાસે અનેક ઋષિમુનિઓ સત્સંગ તથા ચર્ચા કરવા આવતાં. વિષ્ણુના અવતાર સમા પરશુરામ પણ ગુરુ દત્તાત્રેય પાસે સત્સંગ માટે જતાં. આધુનિક સમયના વિવેકાનંદ પણ પોતાના ગુરુ સાથે સત્સંગ કરતાં. વિશ્વમાં એવા એક પણ સંત પુરુષ નહીં હોય કે જેમણે સત્સંગનો લાભ ન લીધો હોય. જ્ઞાની પુરુષ સંપૂર્ણ સમર્પણ સાથે ભક્તિમાં તરબતર થઈ જ્યારે સત્સંગનો યજ્ઞ માંડે ત્યારે દરેક વ્યક્તિ ભાવવિભોર થઈ જાય. સૃષ્ટિનું આ સનાતન સત્ય છે.

સત્સંગ એટલે એવી ક્રિયા કે જેમાં જ્ઞાની-ભક્ત ઈશ્ર્વરના અવતારનું, તેમની લીલાઓનું, તે લીલા પાછળ રહેલા ગર્ભિત અર્થનું, તે લીલાને કારણે ઉદભવેલ પરિણામનું, તે લીલાથી સ્થાપિત થતાં સિદ્ધાંતોનું અર્થઘટન કરી અન્ય સામે તેનું વર્ણન કરે. જરૂરી નથી કે સત્સંગમાં અવતારના માત્ર જીવન પ્રસંગોનું જ વર્ણન હોય. અહીં સિદ્ધાંતોની ચર્ચા પણ હોઈ શકે, દર્શનનું વિશ્ર્લેષણ પણ હોઈ શકે, ગુઢ બાબતો પણ ઉજાગર થઈ શકે, સૃષ્ટિના સમીકરણો સ્થાપિત કરાય, અને તે બધા સાથે ચોક્કસ વિચારસરણી માટે વિશ્ર્વાસ જાગ્રત કરવાનો પ્રયત્ન થાય.

મહાભારત હોય કે રામાયણ, સત્સંગનું મહત્ત્વ દરેક ઇતિહાસમાં સ્થાપિત થયું છે. વેદાંત હોય કે મીમાંસા, સત્સંગ અર્થાત પ્રશ્ર્નોત્તરી એક અગત્યના માધ્યમ તરીકે ગણાયું છે. શૈવ હોય, શાક્ત હોય કે વૈષ્ણવ, સત્સંગનો મહિમા બધે જ ગવાયો છે. ગીતામાં પણ જ્ઞાનીની સેવા કરી, તેને પ્રશ્ર્ન પૂછી, આધ્યાત્મના ક્ષેત્રની કેટલીક બાબતો જાણી લેવાનું સૂચન કરાયું છે. આ પણ એક સત્સંગનો જ પ્રકાર છે.

સામાન્ય રીતે એમ કહી શકાય કે સત્સંગ એ પ્રયોજિત પ્રસંગ છે. પણ ક્યારેક તે આકસ્મિક પણ બની જાય. રસ્તે આવતાં જતાં પ્રવચનની કેટલીક વાતો કાને પડે અને જીવન બદલાઈ જાય. જરૂરી નથી કે સત્સંગમાં ઈચ્છાથી જ વ્યક્તિ સંમિલિત થાય, પ્રસંગ પ્રમાણે એવી પરિસ્થિતિ સર્જાય કે વ્યક્તિ સત્સંગમાં સામેલ થઈ જાય. સત્સંગ નિર્ધારિત હોય કે આકસ્મિક, તેની માટે ઈશ્ર્વર કૃપા જરૂરી છે. નહીંતર લાખ શબ્દો કાને પડ્યા પછી પણ કોઈ પરિણામ ન આવે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button