તમે તમારા પદની ગરિમા, મહત્તા અને મર્યાદાને પણ ભૂલી ગયા છો દાન, ધર્મ અને પરોપકાર કરનારાને જ દેવેન્દ્ર કહેવાય છે
શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવરાજ તમે અહંકારમાં ભૂલી ગયા છો કે આ સંસારમાં ત્રિદેવથી અધિક શક્તિશાળી કંઈ નથી. જો ત્રિદેવ કોપાયમાન થયા તો તમારું અમૃત કે તમારી શક્તિ તમને કોઈ બચાવી નહીં શકે. તમે તમારા સિંહાસન બચાવવાના ભાગરૂપે એક તપસ્વીનો વધ કર્યો છે અને તપસ્વીનો વધ બ્રહ્મહત્યા સમાન છે, આનો દંડ તમને અવશ્ય મળશે.’
દેવરાજ ઈન્દ્ર: ‘ગુરુદેવ મારાથી બહુ મોટી ભૂલ થઈ છે, તમે જ અમારા દેવોના ગુરુ છો હવે તમે જ મને માર્ગદર્શન આપો કે મારે શું કરવું જોઈએ.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવરાજ તમારા આ કૃત્યને બ્રહ્મદેવ અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ માફ નહીં કરે, ફક્ત ભગવાન શિવ જ તમને માફ કરી શકે છે, તમારે તુરંત તેમની શરણમાં જવું જોઈએ.’
દેવગુરુ બૃહસ્પતિની વાતને શિરોમાન્ય ગણી દેવરાજ ઇન્દ્ર તેમની સાથે કૈલાસ તરફ પ્રયાણ કરે છે.
દેવરાજ ઇન્દ્ર દેવગુરુ બૃહસ્પતિ કૈલાસ તરફ જતા માર્ગની વચ્ચે એક યુવાન રસ્તો રોકી સૂતેલો નજરે પડે છે.
તેઓ તેની પાસે પહોંચે છે.
ઈન્દ્ર: ‘એ યુવાન કોણ છે તું? અમારા માર્ગમાં કેમ સૂતો છે?’
પણ…. ઘણા સમયથી જવાબ ન મળતાં, દેવરાજ ઇન્દ્ર્ર ક્રોધિત થાય છે.
દેવરાજ ઇન્દ્ર: ‘હે મૂર્ખ માનવ તને સંભળાતું નથી? અમારો માર્ગ છોડી દે.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવરાજ શાંત રહો.’
દેવરાજ ઇન્દ: ‘હું તને છેલ્લી વાર કહું છું, મારો માર્ગ છોડ, તને ખબર છે હું દેવરાજ ઈન્દ્ર છું, દેવતાઓનો રાજા.’
યુવાન: ‘હું પણું છોડ દેવરાજ.’
દેવરાજ ઇન્દ્ર: ‘હે મૂર્ખ તું મને શિખવાડશે, દેવરાજ ઇન્દ્રને શિખવાડશે.’
યુવાન: ‘દેવરાજ, હજી પણ હું તને સમજાવું છું કે હું પણું છોડો.’
દેવરાજ ઈન્દ્ર: ‘તું એમ નહીં સમજે.’
એટલું કહી દેવરાજ ઇન્દ્ર યુવાન એટલે ભગવાન શિવ પર બાણ છોડે છે. બાણ ભગવાન શિવના શરીરને અડતાં જ ભગવાન શિવ ક્રોધાયમાન થાય છે અને પોતાના વાસ્તવિક રૂપમાં પ્રગટ થાય છે. ભગવાન શિવને ક્રોધાયમાન થયેલા જોઈ દેવરાજ ઇન્દ્ર ત્યાંથી પલાયન થવા માંડે છે. ક્રોધિત ભગવાન શિવનું ત્રીજું નેત્ર ઉઘડતાં જ એક અગ્નિનો ગોળો દેવરાજ ઇન્દ્રને મારવા તેના પાછળ જાય છે. ગભરાયેલો ઇન્દ્ર સામે આવેલા કૈલાસની પ્રદક્ષિણા કરી ભગવાન શિવના ચરણોમાં ઢળી પડે છે.
દેવરાજ ઇન્દ્ર: ‘દયા કરો પ્રભુ, દયા કરો.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘પ્રભુ આપ દયાના સાગર છો, દેવરાજને ક્ષમા કરો. પોતાનું સિંહાસન ગુમાવવાની ચિંતામાં પોતાના માર્ગથી ભટકી જાય છે. પ્રભુ એ તમારી ક્ષમાયાચના કરવા કૈલાસ જ આવી રહ્યા હતા, પણ તમને ઓળખી ન શકતાં તમારી સમક્ષ ઉદંડતા કરી.’
ભગવાન શિવ: ‘મેં દેવરાજ ઇન્દ્રને પોતાની ભૂલ સ્વીકાર કરવાનો મોકો આપ્યો હતો, પણ તેઓ પોતાના પદના અહંકારમાં મસ્ત છે. વારંવાર તેઓ આવી ભૂલો કરે છે અને છેલ્લે તો તેણે તપસ્યા કરતાં ત્રીશરાનો વધ કરી નિંદનીય કાર્ય કર્યું છે.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘પ્રભુ આપ જાણો છો કે દેવરાજ સ્વર્ગલોકને સુરક્ષિત રાખવાના ઈરાદે જ બધું કરે છે.’
દેવરાજ ઇન્દ્ર: ‘દયા કરો પ્રભુ, તમે જે કહેશો તેમ કરીશ, મને માફ કરો. મને એક અવસર આપો.’
દેવરાજ ઇન્દ્રને ભગવાન શિવના ચરણોમાં પડેલો જોઈ પાછળ દોડી રહેલો અગનગોળો સ્થિર થઈ જાય છે.’
ભગવાન શિવ: ‘દેવગુરુ હું તમારી વિનંતીને કારણે ઇન્દ્રને મૃત્યુદંડથી મુક્ત કરું છું, પણ મારા ત્રીજા નેત્રમાંથી પ્રગટેલી ક્રોધાગ્નિને હું પરત મારા શરીરમાં ધારણ નહીં કરી શકું.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘પ્રભુ તમારી ક્રોધાગ્નિને હું સમર્પિત થવા માગું છું, કારણ કે મેં મારી આંખે તપસ્વી ત્રીશરાનો વધ જોયો છે. ગુરુ તરીકે હું શિષ્યને ઉત્તમ ગુણ ન આપી શક્યો મને દંડ આપો પ્રભુ. ’
ભગવાન શિવ: ‘૧૦૦ અશ્ર્વમેધ યજ્ઞ કર્યા બાદ ઇન્દ્ર બનવાનો અવસર મળે છે, ફક્ત આ એક વિશેષતા પર તમે ઇન્દ્ર ન બની શકો, સત્તા અને ધન મળ્યા બાદ પણ
પોતાની બુદ્ધિને સ્થિર રાખી શકે તે જ ઈન્દ્ર બની શકે. તમારામાં આ બધા જ ગુણો હતાં પણ આ બધા ગુણોનો ત્યાગ કર્યો છે. તમે તમારા પદની ગરિમા, મહત્તા અને મર્યાદાને પણ ભૂલી ગયા છો. દાન, ધર્મ અને પરોપકાર કરનારાને જ દેવેન્દ્ર કહેવાય છે. આજે તમે તમારા આ બધા ગુણોથી વિપરીત કાર્ય કર્યું, તમે તમારા કાર્યની સીમા ઇન્દ્રાસનને સુરક્ષિત રાખવા પૂરતા જ રાખ્યાં છે, તમે તમારા અહંકારમાં એટલા ડૂબેલા છો કે તમારું પતન નિશ્ર્ચિત છે.’
દેવરાજ ઇન્દ્ર: ‘પ્રભુ મેં કરેલા પાપો અને અહંકારથી મુક્તિ કઈ રીતે મળી શકે.’
ભગવાન શિવ: ‘તમારા અહંકારની મુક્તિ તપસ્યાથી અને તમે કરેલા પાપોમાંથી મુક્તિ તમારું મૃત્યુ જ આપી શકે.’
દેવરાજ ઇન્દ્ર: ‘પ્રભુ હું જીવિત રહેવા માંગું છું.’
ભગવાન શિવ: ‘તમે જીવિત રહેવા માંગતા હો તો તમારે પોતાના અહંકારનો વિનાશ પોતે જ કરવો પડશે અને ફરી ૧૦૦ અશ્ર્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય ઉપાર્જન કરવું પડશે.’
દેવરાજ ઇન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિ ભગવાન શિવના આશીર્વાદ લઈ ત્યાંથી વિદાય લે છે. ભગવાન શિવ પોતાના નેત્રમાંથી નીકળેલી ક્રોધાગ્નિને દરિયા દેવને સમર્પિત કરે છે. દરિયા દેવ એ ક્રોધાગ્નિને પોતાના પેટાળમાં સમાવી લે છે. (ક્રમશ:)