ધર્મતેજ

શિવ-સદન કલ્યાણ તું જ છે

શિવ-મનન -હેમુ-ભીખુ

શિવ એટલે જ કલ્યાણ. શિવ એટલે જ નિરાકાર અખંડ તત્ત્વ. તે જ પરમ આશ્રયસ્થાન. તે જ પરમ હેતુ. તે જ દર્શન, તે જ દૃશ્ય અને તે જ દ્રષ્ટા. તે જ પૂર્ણ છે. તે આરાધ્ય શિવતત્ત્વ સૌથી સમીપ છતાં અતિ દૂર જણાય, સૌથી તરુણ હોવાં છતાં અતિ વૃદ્ધ હોય. તે જ મૃત્યુ અને તે જ અમૃત. તે જ અંધકાર છે અને તે જ પ્રકાશ છે.

જગતનું એવું કોઈ તત્ત્વ નથી કે જેમાં શિવત્વની હયાતી ન હોય.્ સત્ય-અસત્ય, ધર્મ-અધર્મ, જડ-ચૈતન્ય, દેવ-માનવ-અસુર; બધું જ મહાદેવને આધારિત છે. સંપૂર્ણતામાં અસ્તિત્વની સાબિતી સ્વરૂપે અર્ધનારેશ્ર્વરનું સ્વરૂપ એક પ્રતીક છે. કર્તા અને કારણનો સમન્વય અહીં છે. પુરુષ અને પ્રકૃતિનું ઐક્ય અહીં છે. કર્તાપણા અને હોવાપણા વચ્ચેની સંવાદિતતા અહીં છે. દ્વૈત જણાતા અસ્તિત્વ વચ્ચે સ્થપાયેલું અદ્વૈત અહીં છે. શક્તિ અને શિવની અભિન્નતા અહીં પ્રત્યક્ષ છે. અર્ધનારેશ્ર્વર સ્વરૂપથી એક વાત તો સ્થાપિત થાય છે જ કે દરેક પ્રકારના અસ્તિત્વનું સ્થાન – સદન મહાદેવ શિવ છે.

જગતની ઉત્પત્તિનું મૂળ તે અને તે જ સવિકલ્પતાથી શક્તિનો ઉદ્ભવ કરી જગતનો સર્જે છે. ક્યાંક તે કારણ સ્વરૂપે અને ક્યાંક પરિણામ સ્વરૂપે વરતાય છે. તે જ સાથી, તે જ મિત્ર, તે જ સુહૃદયી, તે જ કરુણાનિધિ છે. જેના અસ્તિત્વના અભાવમાં કશું જ સંભવી ન શકે તે શિવત્વ જ સદા સર્વત્ર વ્યાપ્ત છે. બ્રહ્માંડમાં એવું કોઈ સ્થાન નથી જ્યાં શિવત્વની હાજરી ન હોય. તે બ્રહ્માંડથી પણ વિશાળ છે અને અણુથી પણ સૂક્ષ્મ છે. બ્રહ્માંડ થકી તેમનો વ્યાપ્ત સમજી શકાય તો અણુ થકી તેમની સ્વયમ સ્થાપિત સીમિતતા પ્રતીત થાય. બ્રહ્માંડ એમ દર્શાવે કે શિવત્વ સિવાય કશું જ નથી અને અણુ એમ દર્શાવે કે શિવત્વ જ સર્વત્ર સમાયેલું છે.

તે બ્રહ્માંડનો આશરો છે અને અણુનો આધાર છે. તે ચૈતન્યનું મૂળ છે તો જડની ઉત્પત્તિનું કારણ છે. તે માનવીની શ્રદ્ધા છે, દેવતાઓનો વિશ્ર્વાસ છે અને સ્વયમનું સત્ય છે. તે ભક્તિનો આધાર છે, જ્ઞાનની પ્રેરણા છે, યોગની પરંપરા છે અને કર્મનો સાક્ષી છે. શબરીની ધીરજમાં જેમ શિવત્ત્વ છે તેમ દ્રોપદીની પુકારમાં પણ તે જ છે. હનુમાનના સામર્થ્ય પાછળ અને અર્જુનના પુરુષાર્થ પાસે શિવત્વનો જ પ્રવાહ છે. તે સર્વને પોષે છે અને સર્વનો આધાર છે. તે જ કલ્યાણનું કારણ છે, તે જ કલ્યાણનું સાધન છે, તે જ કલ્યણની પ્રેરણા છે અને તે જ કલ્યાણનું પરિણામ છે. સર્વ સ્વરૂપે શિવજી સ્વયં કલ્યાણ છે, કલ્યાણનું સ્થાન છે, કલ્યાણનું સદન છે.

અંધકારમાંથી પરમ જ્યોતિ તરફ લઈ જનાર, યમરાજાના નિયમોમાં અપવાદ સરજી ભક્તને મુક્તિ અપાવનાર, મનવાંછિત શુભ ફળ આપનાર, સદા મંગલકારી, અભયના દાતા અને માત્ર કલ્યાણકારી એવું શિવતત્ત્વ સમગ્ર સૃષ્ટિને પોતાનામાં સમાવી રહ્યું છે. તે જ સર્વનું આખરી તેમજ કાયમી સ્થાન છે. તે જ પૂર્ણ કલ્યાણમય સદન છે.

સમુદ્રના પાણીની પરખ ખારાશથી થાય છે અને આ ખારાશ સમુદ્રમાં સર્વત્ર પ્રસરેલી હોય છે. તેવી જ રીતે સૃષ્ટિની પરખ – સૃષ્ટિની ઓળખ શિવત્વ થકી થાય છે અને આ શિવત્વ સૃષ્ટિમાં સર્વત્ર વ્યાપેલું છે. એક રીતે જોતાં સૃષ્ટિ અને શિવ એ એકબીજાના પર્યાય છે અને સાથે સાથે એ પણ સ્થાપિત છે કે સૃષ્ટિ એ શિવ નથી. સર્જનની અંદર સર્જકનું અસ્તિત્વ સમાયેલું હોય પણ સર્જન એ સર્જક નથી. સર્જન ક્યારેક સર્જકની પ્રતીતિ કરાવી શકે પણ સર્જક એ બધાથી અનેરું- વિશેષ અસ્તિત્વ હોય. સર્જન થકી સર્જક વિશે ધારણા બંધાઈ શકે પરંતુ આ પ્રક્રિયાથી પણ સર્જકને સમગ્રતાથી સમજવાની સંભાવના ન હોય. સૃષ્ટિ, વચ્ચેના સમયગાળા માટેનો એક પ્રકારનો આશ્રય બની શકે પરંતુ અંતિમ આશ્રયસ્થાન તો શિવત્વ સાથેનું ઐક્ય જ ગણાય. અંતિમ સ્થાન શિવત્વ છે. અંતિમ આશરો શિવત્ત્વ છે. અંતિમ કલ્યાણ શિવત્ત્વ છે.

જ્યાં કોઈપણ પ્રકારના ઉદ્વેગને સ્થાન નથી, જ્યાં માત્ર ને માત્ર નિર્વિકલ્પ શાંતિ પ્રસરેલ રહે છે, જ્યાં પહોંચ્યા પછી કશું મેળવવાનું કે કરવાનું બાકી નથી રહેતું, જ્યાં સ્થળ અને સમય થંભીને શાશ્ર્વત બની જાય છે, જ્યાં માત્ર ને માત્ર નિર્મળતા અને નિર્દોષતા જ પ્રસરેલી હોય છે, જ્યાં સંપૂર્ણતામાં લય પામવાની સંભાવના હોય છે, જ્યાં શાશ્ર્વતતા સાથે તાદાત્મ્યતા સ્થપાય છે, જ્યાં એક અને અનેક એવા ભેદ નથી રહેતો, જ્યાં દરેક પ્રકારના દ્વંદ્વ નાશ પામે છે અને જે સ્થાન સર્જન પહેલા તથા પ્રલય પછી પણ રહે તે સ્થાન કલ્યાણકારી શિવ સદન છે.

શિવ એ નામ નથી, ચૈતન્યની ઓળખ છે. શિવ-સદન એ સ્થાન નથી પણ ચૈતન્યનો વિસ્તાર છે. શિવ કૃપા એ ક્રિયા નથી પણ સૃષ્ટિના દરેક અસ્તિત્વનો હક છે. શિવતા એ દૈવી ગુણધર્મ નથી પણ પ્રત્યેક ગુણધર્મોથી પણ ઉપરની પરિસ્થિતિ છે. શિવ તત્ત્વની સંપૂર્ણતામાં ઓળખ શક્ય નથી પણ શિવત્વ થકી સંપૂર્ણતાની ઓળખ બંધાય શકે.

શિવ પરમ મંત્ર છે. શિવ પરમ જ્ઞાન છે. શિવ પરમ યોગી છે. શિવ પરમ આધ્યાત્મ છે. શિવ પરમ બીજ છે અને સાથે સાથે પરમ ફળ પણ છે. શિવ પરમ પ્રેરણા છે અને પ્રેરણાથી ઉદ્ભવતી શ્રદ્ધા પણ છે. શિવ નિરાકાર છે જે સાકારમાં પરિણમી શકે છે. શિવ નિર્વિકલ્પ છે પણ ભક્તોની ઈચ્છા પ્રમાણે વિકલ્પો પ્રસ્તુત કરે છે. શિવ જેટલા સ્વયંની ભીતર છે એટલા જ સ્વયંથી બહાર પ્રસરેલા છે. પૂર્ણ સ્વતંત્રતાના પર્યાય સમાન શિવ, પોતાની જ પ્રકૃતિથી નિયંત્રિત પણ છે.

સમગ્રતામાં જોતા પણ એ જણાશે અને ઝીણવટભર્યા અવલોકનમાં પણ તે જ જણાશે કે શિવ એ જ સદન છે, એ સદન એ જ કલ્યાણ છે, એ કલ્યાણ એ જ શિવ ભક્તિનું પરિણામ છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button