ધર્મતેજ

તમને કોઈ કઠોર શબ્દો કહે તો પણ સ્થિર રહી શકો તો તમે સાધક છો

માનસ મંથન -મોરારિબાપુ

વાદળાંઓ જેમ સમુદ્રમાંથી, અહીંથી, ત્યાંથી પાણી ભેગું કરીને નમીને વરસે એમ વિદ્વાન, સજજન,પંડિત, ડાહ્યો અને સમજુ માણસ, જ્યારે એને વિદ્યા પ્રાપ્ત થાય ત્યારે નમતો જાય ! આ સંતનું લક્ષણ છે, સંત સ્વભાવ છે. વિદ્વાનો, મહાપુરુષો શાસ્ત્રોમાંથી, સંતો પાસેથી, જ્યાં જ્યાંથી સમજણનું નીર મળે ત્યારે ચારે બાજુથી માધુકરી કરીને, ભિક્ષા પ્રાપ્ત કરી સમાજને આપી દે. ગોસ્વામીજી અહીં સાધુનું લક્ષણ ગણાવે છે. સંતનો સ્વભાવ દર્શાવે છે, સમજાવે છે. અઢાર વસ્તુ ગણાવી છે. વર્ષા અને શરદ ઋતુના વર્ણનમાં શાસ્ત્રોનાં શાસ્ત્રો ઠલવી નાંખ્યા છે. કયો ધર્મ છોડ્યો છે બાબાજીએ ! બધું ભેગું કરીને નમતા, નમતા જ્યારે મોકો આવે ત્યારે વરસીને પછી જતાં રહે, આ જ બુધ છે. નમે એ જ બુધ, ન નમે તે અબુધ. નમી નમીને આપે એ પંડિતોનું ભૂષણ ગણાય. વિનય એમની શોભા છે. કોઈ સાધુ-સંત મેઘ બનીને આવે ત્યારે તૈયારી કરી લો, મોકો ઝડપી લો. જ્યારે પણ નવરાશ મળે તો બીજી કોઈ ચર્ચા ન કરો.

લ્હાસાથી મળેલી એક પુસ્તિકામાં મેં આ કથા વાંચી હતી. ભગવાન બુદ્ધના જીવનનો આ પ્રસંગ. ભગવાન બુદ્ધનો એક પિતરાઈ ભાઈ હતો, દેવદત્ત. ખબર નહીં પણ કોઈ કારણસર દેવદત્ત બુદ્ધના પૂરા વિરોધમાં. જબરો વિરોધી. અને વિરોધ પણ એટલી હદ સુધી કે હત્યા કરવા પણ તૈયાર થઈ જાય. આમ જુઓ તો બધા મહાપુરુષોના કોઈ ને કોઈ એવા અત્યંત વેરી નીકળ્યા છે. એક વખત ભગવાન બુદ્ધ કોઈ જગ્યાએ બેઠા હતા. એમનાં પિતરાઈ દેવદત્તને તો બુદ્ધ જરા પણ ન ગમે, એથી ભગવાનને હેરાન કરવાનો કે ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરતો રહે. તે દિવસે દેવદત્તે એક પહાડ પરથી, જ્યાં બુદ્ધ બેઠાં હતા, તે તરફ એક બહુ મોટો પથ્થર ગબડાવ્યો. ગણતરી એ હતી કે પથ્થર બુદ્ધ પર પડે ને બુદ્ધ મરે. કોઈ કંઈ સમજે એ પહેલાં તેને એક મોટો પથ્થર ભગવાન તરફ ગબડાવ્યો.
બુદ્ધની સાથે આનંદ વગેરે બધા શિષ્યો બેઠાં હતા. આટલો મોટો પથ્થર વેગથી નીચે તરફ આવતો જોઈ એ બધા ભાગ્યા, ડરીને ખસી ગયા. પરંતુ આ શું ? લૂઢકતી લૂઢકતી એ શીલા આવી, બુદ્ધને જરા સ્પર્શ કરી નીચે પડી. સાધુ એટલે જેના સાંનિધ્યમાં વેર ખલાસ થઈ જાય છે. બુદ્ધની કરુણા જોઈ ચટ્ટાનમાં કરુણા આવી ગઈ. બધું બરાબર થઈ ગયું. જેવી શિલા ગબડતી અટકીને એક તરફ થઈ કે તરત આનંદ ને બધા દોડી આવ્યા. બુદ્ધને કહેવા લાગ્યા કે બાબા, તમને કંઈ થઈ જતે તો ? તમે થોડા હટી ગયા હોત તો ?

ભગવાન બુદ્ધનો ઉત્તર ખૂબ સુંદર હતો. એમણે કહ્યું કે હું દોડું ? તો, તો ભોમકા લાજે. કહ્યું છે ને કે મેરુ સરખા ડોલવા લાગે, મહેરામણ તો માઝા મૂકે, પણ ચૈલેયો એનું સત ન ચુકે. બુદ્ધ જો ભાગે, તો પછી કોણ બેસી રહેશે ? આનંદ કહે, સમાધાન કરો. તમે ભાગ્યા નહિ. તમને સ્પર્શીને પથ્થર જતો રહ્યો, આપ રોકી પણ શકતા હતા, બતાવો. બહુ આગ્રહ કર્યો ત્યારે બુદ્ધે કહ્યું કે કોઈ હિસાબ બાકી હશે. કોઈ જન્મમાં મેં દેવદત્તનું કંઈ બગાડ્યું હશે અને એ હિસાબ મારે પૂરો કરવાનો હતો અને હવે મારે જલદી જવાનું છે. મારું ખાતું જેટલું જલદી પૂરું થાય તેટલું પૂરું થઈ જાય. તમે ભાગી ગયા એ સારું થયું, કારણ તમારે હજી વધારે જીવવાનું છે. ગોસ્વામીજી માનસ’ માં કહે છે-

बूंद अघात सहहिं गिरि कैसे ।
खल के बचन संत सह जैसे ॥

મારાં ભાઈ-બહેનો, ક્યારેક તમને તમારી સમજ અનુસાર લાગે કે તમે બિલકુલ બેગુનાહ હો છતાં તમને કોઈનો આક્ષેપ સહન કરવો પડે છે, તો સમજજો કે તમારી સમજ પ્રમાણે હજી તમે બેગુનાહ છો, પણ જન્મજન્માંતરનો હિસાબ બાકી હશે. આધ્યાત્મિક વ્યક્તિઓએ એવું વિચારવું જોઈએ. બાપ ! શીલવાન સાધુ કોણ ? જે બધાનું સહન કરી લે. તમે ભજન કરો, સાધના કરો, પાઠ કરો, પારાયણ કરો, પ્રવચન કરો, સાંભળો, જે કંઈ પણ કરો, તમારી સાધનાની કસોટી ત્યારે જ થાય કે જ્યારે કોઈ તમને કઠણ વચન કહે ને તમે પહાડની જેમ સ્થિર રહી શકો! દુર્જનો ગમે તેવા શબ્દો બોલી લે છતાં સહન કરી લે.

પહાડ પર નાનાં-મોટાં વૃક્ષો હોય એ વરસાદના આઘાતને ઝીલી લે છે, પહાડને બહુ રાહત થઈ જાય. એમ સાધુ ઈશ્ર્વર આશ્રિત રહે છે, પરમાત્માની કૃપાની છાયામાં જીવે છે, પરમાત્માના શરણાગત હોય છે એથી એને દુર્જનો વ્યથિત નથી કરતાં. વરસાદ જ્યારે પડે છે ત્યારે એનો પહેલો માર હંમેશા પહાડને પડે ! પહાડ ઊંચા છે એટલે પહેલો પ્રહાર એને પડે. સમાજમાં જેણે મોટા થવું હોય, ઊંચા થવું હોય એણે પ્રહારો પહેલાં સહન કરવાની તૈયારીઓ રાખવી જોઈએ.

  • સંકલન: જયદેવ માંકડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button