ધર્મતેજ

યોગ વિજ્ઞાન પરમાત્માની સમીપ જવાનો રસ્તો

યોગ માત્ર કસરત જ નથી પરંતુ પરમાત્માને પામવાનો પ્રયોગ પણ છે

અધ્યાત્મ -મુકેશ પંડ્યા

(૧)
ભારતને સર્વધર્મ સમભાવ બનાવવાની પ્રક્રિયામાં ખરેખર તો ધર્મ અને અધ્યાત્મની ભેળસેળ થઇ ગઇ છે. સંપૂર્ણપણે શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આત્મિક વિકાસની વાતો બતાવતાં યોગદર્શન પર હિન્દુ લેબલ લાગી જવાથી શાળા-કૉલેજોમાં ભણાવી શકાતું નથી. બાકી યોગનું શિક્ષણ જેણે પણ લીધું હોય તે અમેરિકન હોય કે ભારતીય હોય તેને ખબર હશે કે એમાં ધર્મ કે સંપ્રદાયની કોઇ વાત જ નથી આવતી, ફકત જીવનને ઊચ્ચતમ ધોરણ સુધી લઇ જવું અને જેણે આ સમગ્ર જગતનું નિર્માણ કર્યું છે તે ઉત્પાદકને મળવાનો પ્રયત્ન કરવો પછી તેને તમે ઇશ્ર્વર કહો, ભગવાન કહો, ખુદા કહો કે ગોડ કહો-એ બધાથી જાજો ફરક પડતો નથી.

યોગ એટલું બધું બળવાન શાસ્ત્ર છે કે છુપાવ્યું છુપાય તેમ નથી. વિદેશોમાં તેની બોલબાલા વધી ગયા પછી ભારતની કેટલીક શાળામાં તેના પાઠ ભણાવવામાં આવે છે જોકે, મોટા ભાગની શાળામાં જે પાઠ ભણાવવામાં આવે છે તે યોગ નહીં પણ તેનું એક અંગ એટલે આસનો શિખવાડાય છે. યોગ વિશે જેને સમજ હશે તેને ખ્યાલ હશે જ કે યોગના આઠ અંગ છે. જે અષ્ટાંગ યોગને નામે પ્રચલિત છે. યોગનો મૂળ અર્થ થાય છે જોડાણ. મનુષ્ય બુદ્ધિશાળી છે. તેણે ઘણી બધી શોધો કરી. ઘણા સંશોધનો કર્યા, ઘણું નિર્માણ કર્યું પણ મનુષ્યનું જેને નિર્માણ કર્યું તેને શોધી તેની સાથે જોડાઇ જવાનું શિક્ષણ એટલે યોગવિજ્ઞાન, આત્માથી પરમાત્મા સુધી પહોંચવાના આ અભિયાનમાં આઠ પ્રયોગો આવે છે. જો સફળતાપૂર્વક આ આઠેય પ્રયોગોને પાર પાડો તો પછી અનેક સિદ્ધિઓ મેળવી શકાય એમ છે. કોઇ નાસ્તિક કે રેશનાલિસ્ટ વ્યક્તિ જે ભગવાનમાં માનતી નથી તેણે પણ મહર્ષિ પતંજલિના યોગદર્શનનો ગુજરાતી અનુવાદ જે મહાત્મા શ્રી યોગેશ્ર્વરજીએ કર્યો છે તે વાંચી જવો જોઇએ. કોઇ શિયાળ ઊંચે વૃક્ષ પર રહેલી દ્રાક્ષ મેળવી નથી શકતું એટલે દ્રાક્ષ નથી એવું સાબિત નથી થતું. આપણે પણ ઇશ્ર્વરને જોઇ નથી શકતા કે પામી નથી શકતાં. એ આપણી ખામી છે. એનાથી એ સાબિત નથી થતું કે ઇશ્ર્વર નથી.

શહેરના મેયર કે રાજ્યના મુખ્ય પ્રધાનને મળવું હોય તો પણ કેટલી બધી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એથી આગળ વધીને ભારતના વડા પ્રધાનને મળવું હોય તો વળી વધારે શ્રમ કરવો પડે.
અમેરિકાના પ્રમુખને મળવું તો એથી પણ અઘરું પડે.

જરા વિચાર કરો એક મનુષ્યને બીજા મનુષ્યને મળવું હોય તો ઘણી મહેનત માગી લે છે તો સમગ્ર વિશ્ર્વના માલિક, મનુષ્યના પણ નિર્માતા એવી ઇશ્ર્વરને મળવા કેટલી મહેનત કરવી પડે. એ મહેનત તમે ન કરી શકો તો કાંઇ નહીં પણ એથી એવું પ્રતિપાદિત નથી થતું કે ભગવાન નથી. આવા ભગવાનને પામવાનો પ્રયોગ એ જ યોગ અને આ યોગવિજ્ઞાનના આઠ પ્રયોગો એટલે (૧) યમ, (૨) નિયમ, (૩) આસન, (૪) પ્રાણાયમ, (૫) પ્રત્યાહાર, (૬) ધારણા, (૭) ધ્યાન અને (૮) સમાધિ.

જો માત્ર આસન કે પ્રાણાયામ શીખવાથી પણ તન નિરોગી બને છે અને મન સ્થિર અને શાંત થાય છે તો સમગ્ર આઠ પ્રયોગો ઇચ્છાપૂર્વક કરવાથી ભગવાન કેમ ન મળી શકે?

મહાત્મા શ્રી યોગેશ્ર્વરજીએ પંતજલિ ઋષિના યોગદર્શનનો જે અનુવાદ કર્યો છે એમાં આસનો વિશે વધુ નથી લખ્યું. આસનો તો એક માત્ર પ્રક્રિયા છે, જે તમને નજીકની યોગાસનો શીખવતી સંસ્થાઓમાંથી શીખવા મળી શકે. તેમણે આઠે પ્રક્રિયાઓની જરૂરત અને તેની વૈજ્ઞાનિકતા પર ભાર મૂકયો છે. તેઓ જણાવે છે કે મહર્ષિ પતંજલિ આપણને તેમના વિચારો ક્રમે ક્રમે બુદ્ધિનો ઉપહાસ નથી કે આંખો મીંચીને કંઇ માની લેવાનું તે કહેતા નથી. સરળ રીતે વહી જતી સુંદર નદીની જેમ તેમની વિચારધારા આગેકૂચ કરતી જાય છે.

ચાલો, આપણે આજના આધુનિક પરિપ્રેક્ષ્યમાં યોગ વિજ્ઞાનને મુલવીએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો