ધર્મતેજ

યોગાસનો: શરીરમાં પ્રાણ ફૂંકે તે પ્રાણાયામ

યોગ-વિજ્ઞાન- મુકેશ પંડ્યા

પ્રાણાયમની વિવિધ ક્રિયાઓ દ્વારા શ્ર્વાસનું નિયમન કરે તો માત્ર શારીરિક જ નહિ, માનસિક અને આધ્યાત્મિક ફાયદા પણ થાય છે.

(૧૧)
આજના ભૌતિકયુગમાં શહેરીકરણ, વસ્તી ગીચતા, ઔદ્યોગિકરણ તથા પ્રદૂષણયુક્ત હવા, પાણી, જમીન વગેરેમાં સતત વધારો થતો રહ્યો છે. આવી સ્થિતિમાં આજે શરીરના સ્વાસ્થ્યની જેટલી સંભાળ રાખવાની જરૂર ઊભી થઇ છે એટલી કદાચ ભૂતકાળમાં ન હતી…તેથી જ શરીરના રોગ દૂર કરવા માટે અનેક પ્રકાર વૈકલ્પિક થેરેપીઓમાં આજે બિનખર્ચાળ અને દરેક રોગ પર ફાયદો કરતી અસરકારક પ્રાણાયામ પદ્ધતિનું સ્થાન ઘણું મહત્ત્વનું બની રહ્યું છે. આધુનિક વિજ્ઞાન અનુસાર પ્રાણવાયુ જીવન ટકાવી રાખવા માટે અત્યંત મહત્ત્વનો વાયુ છે. ખુલ્લી હવામાં ઊંડા શ્ર્ચાસોચ્છશ્ર્વાસ સવાર-સાંજ લેવા એ સ્વાસ્થ્ય માટે પણ લાભકારક છે.

આજના વ્યસ્ત અને ઝડપી જીવનમાં લોકો માત્ર શરીર સુખાકારી રહે તે માટે જ પ્રાણાયમ શીખતા હોય છે, પરંતુ જો વ્યવસ્થિત યોગાસનો વડે શરીરના દરેક અંગો સ્થિતિસ્થાપક, દઢતાવાળા અને નીરોગી બનાવી, દેહસભાનતાના અભાવવાળી સ્થિતિ મેળવ્યા પછી પ્રાણાયમની વિવિધ ક્રિયાઓ દ્વારા શ્ર્વાસનું નિયમન કરે તો માત્ર શારીરિક જ નહિ, માનસિક અને આધ્યાત્મિક ફાયદા પણ થાય છે. જે પરમ શક્તિનો મેળાપ કરવામાં ઉપયોગી બની રહે છે. એટલે જ મહર્ષિ પતંજલિએ યોગશાસ્ત્રમાં પ્રાણાયામને સ્થાન આપ્યું છે.


શીતલી પ્રાણાયામ શરીરને ઠંડક આપનારો છે. આનો નિત્ય અભ્યાસ ઉનાળાની સખત ગરમી સામે રક્ષણ આપે છે. ગરમીથી તથા રોગોથી મુક્ત રાખે છે. આજની ગ્લોબલ વોર્મિંગ સ્થિતિમાં આ પ્રાણાયામનું મહત્ત્વ વિશેષ વધી જાય છે. આ જ રીતે સૂર્યભેદી પ્રાણાયમ ગરમી પ્રદાન કરનારો છે. માટે ખાસ કરી ઠંડીની ઋતુમાં આ પ્રાણાયમનો નિત્ય અભ્યાસ શરીરને ઠંડીની અસરથી મુક્ત રાખે છે. પ્રાણાયામનો પ્રકારો, તે કેવી રીતે કરવા અને શરીરને કેવો ફાયદો કરે છે તે તો કોઠામાં આપી રહ્યા છીએ, પણ આપણે યોગ એટલે પરમાત્માને પામવાનો પ્રયોગ એ શીર્ષક હેઠળ જે પ્રાણાયામ વિશે જણાવવાનું છે તે કંઇક વિશેષ છે, જે મનના અને આત્માના દરવાજા ઉઘાડનારું છે.


આપણે જ્યારે શ્ર્વાસોચ્છવાસ દ્વારા પ્રાણવાયુ લઇએ છીએ ત્યારે તેની સાથે હવામાં ભળેલી ઘણી પ્રાણશક્તિ કે જેને કોસ્મિક એનર્જી તરીકે આજનું વિજ્ઞાન ઓળખે છે તે પણ ગ્રહણ કરતા હોઇએ છીએ. જેમ પ્રાણવાયુ ફેફસાં અને હૃદયમાં પહોંચે છે, અને ત્યાંથી નાડીઓ દ્વારા પૂરા શરીરમાં પહોંચે છે એ જ રીતે પ્રાણાયામની યોગ્ય ક્રિયાઓથી આ પ્રાણશક્તિ શરીરમાં વિવિધ ચક્રોમાં પ્રાણ ફૂંકે છે. આધ્યાત્મિક ભાષામાં કહીએ તો ચક્રો જાગૃત થાય છે. ઠેરઠેર હવનને લીધે ચોમાસાના ભેજથી ત્રસ્ત અને બેકટેરિયાથી ગ્રસ્ત થયેલી હવા શુદ્ધ થાય છે. આઠમના શુદ્ધિકરણના ગ્રીન સિગ્નલથી પ્રેરાઇને દશેરાથી જાગૃત થયેલી પરમશક્તિ (કોસ્મિક એનર્જી) પૃથ્વીના વાતાવરણમાં ઠાઠમાઠથી વગર વિધ્ને પ્રવેશ કરે છે. પ્રાણાયામ દ્વારા ઊંડા શ્ર્વાસ લઇ તમે પ્રાણવાયુની સાથેસાથે આવી પરમશક્તિને પણ આત્મસાત કરો છો ત્યારે તમારી વિચારશક્તિ, પરમશક્તિના તરંગો સાથે ભળી જવાની પ્રક્રિયા શરૂ થાય છે.


યોગાસનોથી શરીરની ખામીઓ દૂર થઇ, હવે પ્રાણાયામથી શરીર જોડે મનની વિટંબણાઓ પણ દૂર થાય છે. મકાઇના ડોડાનાં આવરણો દૂર થતાં જાય ને છેવટે કૂણા અને સુંદર કણો નજરે પડે એ જ રીતે શરીર અને મનમાં અવરોધ દૂર થતાં આત્માનાં દર્શનના દરવાજા ખૂલતા જાય છે. શરીરનાં ચક્રો જાગૃત થયાં કે પછી આતમરામ જાગ્યો કે માંહ્યલો
જાગ્યો વગેરે વાક્ય-પ્રયોગ કરીએ છીએ તેનો મતલબ એ જ કે શરીર અને મનને અતિક્રમી તમે આત્માની નિકટ પહોંચી ગયા છો. આત્માને ઓળખી લેવાથી પરમાત્માને ઓળખવાનો રસ્તો સરળ બની જાય છે. જે રીતે બાળકનો સાચો પિતા આજનાં યુગમાં ડી.એન.એ. ટેસ્ટથી ઓળખાઇ જાય છે, એ જ રીતે આત્માની ઓળખાણથી પરમાત્મા પણ ઓળખાઇ જાય છે, કારણકે આત્મા એ પરમાત્માનો જ અંશ અને વંશ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button